Gautam Gambhir : ભારતીય ટીમને મેલબર્ન ટેસ્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા એવું લાગી રહ્યું હતું કે મેચ સરળતાથી ડ્રો થઈ જશે. પરંતુ છેલ્લા સેશનની માત્ર 20.4 ઓવરમાં જ ભારતે 7 વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમ મેચ હારી ગઈ હતી. એક અહેવાલ અનુસાર, ટીમને મળેની હાર બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ખૂબ જ ગુસ્સે થઇ ગયો હતો. મેચ પછી તરત જ તેણે ડ્રેસિંગ રૂમમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ભારતીય ટીમના મુખ્ય કોચે તમામ ખેલાડીઓને ઠપકો આપ્યો હતો. જો કે આ દરમિયાન તેણે કોઈનું નામ લીધું ન હતું.
ગંભીરે ખેલાડીઓને આપી ચેતવણી
મેચમાં મળેલી હાર બાદ ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રૂમમાં મીટિંગ બોલાવી હતી. એક અહેવાલ મુજબ, તેણે મેચને લઈને તમામ ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન ગંભીરે માત્ર ઠપકો જ નહીં પરંતુ ચેતવણી પણ આપી હતી. ગંભીર ખાસ કરીને મેચમાં ગેમ પ્લાન મુજબ ન રમવા પર ગુસ્સે થયો હતો. તેણે કહ્યું કે, 'નેચરલ ગેમના નામે ઘણાં ખેલાડીઓ તેમની ઈચ્છા મુજબ બેટિંગ કરી રહ્યા હતા. પરંતુ તેમણે પરિસ્થિતિ મુજબ રમવું જોઈતું હતું.'
આવું હવે સહન કરવામાં નહી આવે!
ગંભીર ગયા વર્ષે જુલાઈમાં સત્તાવાર રીતે ભારતીય ટીમનો મુખ્ય કોચ બન્યો હતો. પછી તે ઓગસ્ટમાં ટીમ સાથે જોડાયો હતો. છેલ્લા 6 મહિનાના અનુભવના આધારે મેલબર્નમાં ગંભીરે ખેલાડીઓને કહ્યું હતું કે, 'અત્યાર સુધી મેં તમે(ખેલાડીઓને) ઈચ્છો તે પ્રમાણે કરવાની મંજૂરી આપી હતી. પરંતુ હવેથી આવું નહીં થાય. હવે હું નક્કી કરશે કે તમારે કેવી રીતે રમવું. જો કોઈ ખેલાડી ટીમની વ્યૂહરચના પ્રમાણે રમતો નથી તો તેને સહન કરવામાં આવશે નહીં.'


