IND vs ENG: ટીમ ઈન્ડિયાથી આ સ્ટાર ખેલાડીનું પત્તું કપાયું, બીજી ટેસ્ટ મેચ પહેલા મોટો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG: શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે, જ્યાં યજમાન ટીમ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ લીડ્યના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે પાંચ વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી ટેસ્ટ 2 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાશે.
ટીમ ઈન્ડિયાથી આ સ્ટાર ખેલાડીનું પત્તું કપાયું
બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ સાથે સબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ટીમ મેનેજમેન્ટે ટેસ્ટ સ્ક્વોડમાંથી રિલીઝ કરી દીધો છે. એક અહેવાલ પ્રમાણે હર્ષિત રાણા ભારતીય ટીમ સાથે બર્મિંગહામ નથી આવ્યો. તેના સિલેક્શનને લઈને ઘણી ચર્ચા થઈ રહી હતી, કારણ કે તેણે લીડ્સ ટેસ્ટ પહેલા અચાનક ટીમમાં એન્ટ્રી લીધી હતી, જ્યારે શરૂઆતમાં 18 સભ્યોની પસંદગીમાં તેનું નામ નહોતું. લીડ્સ ટેસ્ટમાં હાર બાદ હેડ કોચ ગંભીરે હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવા અંગે સ્પષ્ટતા આપી હતી.
શું કહ્યું હતું ગંભીરે?
ગૌતમ ગંભીરે કહ્યું હતું કે,ટીમના એક ખેલાડીને સામાન્ય ઈજા થઈ હતી, જેના કારણે તેને કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, સંબંધિત ખેલાડી સમયસર સ્વસ્થ થઈ ગયો, જેના કારણે હર્ષિત રાણાને જાળવી રાખવાની જરૂર નહોતી. ગંભીરે હાર બાદ કહ્યું હતું કે, 'હું ચીફ સિલેક્ટર્સ સાથે હર્ષિત રાણા વિશે ચર્ચા કરીશ. તેને સામન્ય ઈજાને કારણે રોકવામાં આવ્યો હતો. હવે બધું બરાબર છે. હું ચર્ચા કરીશ અને પછી નિર્ણય લેવામાં આવશે.'
હર્ષિત રાણાને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમમાં સ્થાન નહોતું મળ્યું, પરંતુ લીડ્સ ટેસ્ટ પહેલા ટીમમાં તેની એન્ટ્રીએ ક્રિકેટ નિષ્ણાતોને ચોંકાવી દીધા હતા. સીરિઝ પહેલાના તેના સરેરાશ પ્રદર્શનને ધ્યાનમાં લેતા આશ્ચર્ય થવું સ્વાભાવિક હતું. હર્ષિતે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની ચાર દિવસીય બિનસત્તાવાર ટેસ્ટમાં માત્ર એક વિકેટ લીધી હતી, છતાં તેને અંશુલ કમ્બોજ અને મુકેશ કુમાર કરતાં વધુ મહત્વ આપવામાં આવ્યું.
હર્ષિત રાણાને હેડ કોચ ગૌતમ ગંભીરનો ખાસ માનવામાં છે. ગંભીરના કોચિંગ હેઠળ દિલ્હીના આ ફાસ્ટ બોલરને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ દરમિયાન હર્ષિતે બે ટેસ્ટ મેચ રમીને ચાર વિકેટ લીધી હતી. ત્યારબાદ પર્થ ટેસ્ટ મેચમાં ટ્રેવિસ હેડને પોતાના ઓફ-કટર બોલથી આઉટ કરીને તે ચર્ચામાં આવ્યો હચો. જોકે, એવું લાગે છે કે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તેણે પોતાની બોલિંગમાં વધુ સુધારો કરવો પડશે.
આ પણ વાંચો: IPLની ટક્કરમાં હજારો કરોડની T20 લીગ શરૂ કરશે સાઉદી અરેબિયા! BCCI અને ECBએ કર્યો વિરોધ
ભારતની અપડેટેડ ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, આકાશ દીપ, અર્શદીપ સિંહ.









