Get The App

ભારતીય ટીમને મોટો ઝટકો, ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી હાર્દિક પંડ્યા બહાર, કોહલી માટે કપરાં ચઢાણ!

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
ભારતીય ટીમને મોટો ઝટકો, ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાંથી હાર્દિક પંડ્યા બહાર, કોહલી માટે કપરાં ચઢાણ! 1 - image

Hardik Pandya Out of England Tour: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે (ODI) સીરિઝ રમી રહી છે, પરંતુ તે પૂરી થાય તે પહેલાં જ આગામી ઇંગ્લૅન્ડ પ્રવાસને લઈને મોટા અહેવાલો સામે આવ્યા છે. ભારતી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાના કારણે ઇંગ્લૅન્ડ સામેની આગામી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. બીજી તરફ, વિરાટ કોહલીની પસંદગી પણ તેના ફિટનેસ ટેસ્ટના પરિણામ પર નિર્ભર રહેશે.

હાર્દિક પંડ્યા સંપૂર્ણ સીરિઝમાંથી બહાર

અહેવાલો અનુસાર, ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ફિટનેસ સમસ્યાઓના કારણે તે એક પણ મેચ રમી શક્યો નથી. હવે તે ઇંગ્લૅન્ડ પ્રવાસ સુધી પણ રિકવર થઈ શકે તેમ ન હોવાથી, તેને આ મહત્ત્વપૂર્ણ સીરિઝમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયામાં રાતોરાત આ ઘાતક ઓલરાઉન્ડરની એન્ટ્રી, ચેન્નાઈ વનડે પહેલા BCCIનો મોટો નિર્ણય!

વિરાટ કોહલીની 26મી જૂને ફિટનેસ ટેસ્ટ

IPLની આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ને સતત બીજી વખત ચેમ્પિયન બનાવવામાં વિરાટ કોહલીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ફાઇનલમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. જોકે, આ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની ઇજા થઈ હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝ રમી શક્યો નથી. કોહલી હાલ રમતથી દૂર છે અને આગામી 26મી જૂને ઇંગ્લૅન્ડમાં જ તેમનો ફિટનેસ ટેસ્ટ થશે. જો વિરાટ આ ટેસ્ટ પાસ કરશે, તો જ તેને ઇંગ્લૅન્ડ સામેની સીરિઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવશે.

આવું છે ઇંગ્લૅન્ડ પ્રવાસનું શેડ્યૂલ

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેનો પ્રવાસ પહેલી જુલાઈથી શરૂ થશે. જેમાં પહેલી જુલાઈથી બંને દેશો વચ્ચે 5 આંતરરાષ્ટ્રીય T20 મેચોની સીરિઝ રમાશે. ત્યારબાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે, જેની શરૂઆત 14મી જુલાઈથી બર્મિંગહામ ખાતે થશે. આ સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાશે.

યુવા ખેલાડીઓ પર નજર 

અફઘાનિસ્તાન સામેની વનડે સીરિઝમાં ટીમ મેનેજમેન્ટે બે નવા યુવા ચહેરાઓને તક આપીને પ્રયોગો કર્યા છે. પહેલી બે વનડે બાદ હવે ત્રીજી મેચમાં પણ આ યુવા ખેલાડીઓને અજમાવવામાં આવશે. આ પ્રદર્શનના આધારે જ ઇંગ્લૅન્ડ પ્રવાસ માટેના ખેલાડીઓના નામ નક્કી થશે. ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત આવતા અઠવાડિયે થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.