Ind vs NZ: વનડે સીરિઝમાંથી હાર્દિક પંડ્યાનું પત્તું કેમ કપાયું? BCCIએ જણાવ્યું કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs New Zealand ODI Series: આગામી 11મી જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સીરિઝની શરૂઆત થઈ રહી છે. જે માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં સ્ટાર ઑલરાઉન્ડર અને ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યાને સ્થાન આપવામાં આવ્યું નથી. જેને લઈને કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
હાર્દિકની ફિટનેસ માટે જોખમ નથી લેવા માંગતુ BCCI
એવામાં BCCIએ પ્રેસ રીલીઝ જાહેર કરી જણાવ્યું છે કે સેન્ટર ઑફ એક્સીલેન્સથી હાર્દિક પંડ્યાને હજુ એક મેચમાં 10 ઓવર બોલિંગ કરવાની મંજૂરી નથી મળી. આગામી ટી20 વર્લ્ડકપને જોતાં વર્કલોડ મેનેજમેન્ટનું ધ્યાન રાખી બોર્ડે આ નિર્ણય લીધો છે. જે બાદ હવે સ્પષ્ટ છે કે હાર્દિક ટી20 પર વધુ ફોકસ કરે તે માટે તેને વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

બે મહિના સુધી ક્રિકેટથી દૂર હતો હાર્દિક
નોંધનીય છે કે ફેબ્રુઆરી 2025 પછી હાર્દિક પંડ્યાને એક પણ વનડે મેચ રમવાનો મોકો જ નથી મળ્યો. છેલ્લે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમતો જોવા મળ્યો. તે પછીથી હાર્દિક માત્ર ટી20 મેચોમાં જ જોવા મળ્યો છે. એશિયા કપ 2025માં ઈજાગ્રસ્ત થયા બાદ હાર્દિક પંડ્યા બે મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. જે બાદ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરિઝમાં તેની વાપસી થઈ હતી.
નોંધનીય છે કે હાર્દિક પંડ્યા હાલમાં જ વિજય હઝારે ટ્રોફીમાં રમતો જોવા મળ્યો હતો. જ્યાં તેણે ધુંઆધાર બેટિંગ કરી 92 બોલમાં 133 રન ફટકાર્યા હતા.
ન્યૂઝીલેન્ડ વનડે સીરિઝ માટે ભારતની ટીમ: શુભમન ગિલ ( કેપ્ટન ), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે એલ રાહુલ, શ્રેયસ અય્યર ( વાઈસ કેપ્ટન ), વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિધ કૃષ્ણા, કુલદીપ યાદવ, રિષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ
ગુજરાતમાં રમાશે બે મેચ
ભારત-ન્યૂઝીલેન્ડ વનડે સીરિઝની પ્રથમ બે મેચ ગુજરાતમાં રમાશે. જેમાં 11મી જાન્યુઆરીએ પ્રથમ વનડે મેચ વડોદરા જ્યારે 14મી જાન્યુઆરીએ બીજી મેચ રાજકોટમાં રમાશે.









