Hardik Pandya: T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યું કે, 'હું મારા કરિયરમાં હજુ 10 ટ્રોફી જીતવા માગુ છું. મેં અત્યાર સુધીમાં ત્રણ ICC ટ્રોફી જીતી છે અને આગામી 10 વર્ષમાં ICC અને IPL બંને મળીને વધુ 10 ટ્રોફી જીતવાનો લક્ષ્ય છે.' આ દરમિયાન તેણે પોતાની ગર્લફ્રેન્ડ માહિકાનો પણ ઉલ્લેખ કર્યો. રવિવારે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ ફાઈનલમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના આ ઓલરાઉન્ડરે કહ્યું કે, 'મારા જીવનનો હેતુ જ ટ્રોફી જીતવાનો છે.'
હાર્દિકે કહ્યું કે, 'આ એ જ જીત છે જેના માટે હું હંમેશા જીવતો આવ્યો છું. આ જ કારણે હું ક્રિકેટ રમું છું. હું ટ્રોફી જીતવા માંગુ છું. જેટલી વધુ ટ્રોફી હું જીતી શકું તેટલું સારું છે. 2024માં પણ મેં કહ્યું હતું કે, હું જે પણ ટ્રોફી માટે રમીશ તેને જીતીશ. અને મને તે વાત પર વિશ્વાસ છે. આ ટ્રોફી તેનો પુરાવો છે.'
વર્લ્ડકપની ટ્રોફી અને માહિકાનો સાથ
હાર્દિકે કહ્યું કે, સફળતા પાછળ માત્ર વાતો જ નહીં, પરંતુ સખત મહેનતની પણ હોય છે. તેની પાછળ ઘણી મહેનત હોય છે. માત્ર વાતો જ નથી હોતી. સખત મહેનત કરો, શાંત રહો અને સારા વ્યક્તિ બનો. જ્યારથી માહિકા મારી લાઈફમાં આવી છે, ત્યારથી હું માત્ર જીતી જ રહ્યો છું. તે આવી ત્યારથી વસ્તુઓ સરળ થઈ ગઈ છે. તે મને ખૂબ સપોર્ટ કરે છે અને મને આગળ વધતા રહેવા માટે પ્રેરણા આપે છે. મેચ બાદ હાર્દિકે માહિકાને કિસ પણ કરી હતી.
હું વધુ 10 ટ્રોફી જીતવા માંગુ છું
હાર્દિક પંડ્યાએ કહ્યું કે, 'મેં મારા કરિયરનો હજું અડધો ભાગ જ રમ્યો છું અને હજુ પણ મારી અંદર 10 વર્ષનું ક્રિકેટ બાકી છે. એ સાંભળીને સારું લાગે છે કે હું હવે એક સિનિયર ખેલાડી છું, પરંતુ મારામાં હજુ પણ 10 વર્ષનું ક્રિકેટ બાકી છે. હું મારા કરિયરનો અડધો ભાગ જ રમ્યો છું, બાકીનો અડધો ભાગ હજુ બાકી છે. હું કુલ હજુ વધુ 10 ટ્રોફી જીતવા માંગુ છું, જેમાં ICC અને IPL બંને સામેલ છે. પરંતુ ICC ટ્રોફી મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે.'
વર્લ્ડ કપમાં પંડ્યાનું શાનદાર પ્રદર્શન
T20 વર્લ્ડ કપ 2026માં હાર્દિકનું પ્રદર્શન ખૂબ શાનદાર રહ્યું છે. તેણે બેટ અને બોલ બંનેથી ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હાર્દિકે નામિબિયા અને ઝિમ્બાબ્વે સામે અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત ક્વાર્ટર-ફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલ જેવી મહત્ત્વપૂર્ણ મેચોમાં પણ વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


