હરભજન સિંહના મતે આવી હોવી જોઈએ એશિયા કપમાં ટીમ ઈન્ડિયા, સ્ટાર બેટર્સને કર્યા બહાર
Harbhajan Singh Picks Indian Squad for Asia Cup 2025 : એશિયા કપ 2025 શરૂ થવામાં હવે માત્ર થોડા જ અઠવાડિયા બાકી છે. 9 સપ્ટેમ્બરથી UAEમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે સત્તાવાર રીતે 19 ઓગસ્ટે ભારતની ટીમની જાહેરાત થવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન કમિટી સામે મોટી મુશ્કેલી એ છે કે કયા ખેલાડીને ટીમમાં રાખવો અને કોને બહાર કરવો. જોકે, ટીમ ઈન્ડિયાની જાહેરાત ભલે હજુ ન થઈ હોય, પરંતુ તે પહેલા ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે પોતાની 15 સભ્યોની સંભવિત ટીમ પસંદ કરી લીધી છે.
હરભજનની યાદીમાં સંજુ સેમસન, રિંકુ સિંહ અને તિલક વર્મા જેવા નામો નથી
હરભજનની લિસ્ટમાં આશ્ચર્યજનક બાબત એ છે કે તેને એવા ખેલાડીઓનો સમાવેશ નથી કર્યો કે જેઓએ તાજેતરની કેટલીક ટૂરમાં કમાલ કરી છે. હરભજનની યાદીમાં સંજુ સેમસન, રિંકુ સિંહ અને તિલક વર્મા જેવા નામો નથી. ખાસ કરીને સંજુ સેમસનને બહાર રાખવો એ આશ્ચર્યજનક છે, કારણ કે તે તાજેતરમાં સારા ફોર્મમાં હતો, જ્યારે તિલક વર્માએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર બે સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
હરભજને ટીમમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવ્યો છે અને શુભમન ગિલ, શ્રેયસ ઐયર અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓને પણ સામેલ કર્યા છે. આ સાથે જ ભજ્જીએ રિષભ પંત અને કેએલ રાહુલમાંથી કોઈ એકને ટીમમાં રાખવાનું સૂચન કર્યું છે. પંતની ફિટનેસ પર હજુ પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ઇંગ્લેન્ડના પ્રવાસ પર ફ્રેક્ચરના કારણે તેને બહાર રહેવું પડ્યું હતું. આવી સ્થિતિમાં રાહુલનું નામ મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટનથી T20 બેટ્સમેન સુધી લઈ આવ્યા ભજ્જી
હરભજનની ટીમમાં એક મોટું નામ શુભમન ગિલ પણ છે. ગિલને તાજેતરમાં જ ભારતનો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને હવે તેની T20 ભૂમિકા પર સવાલો ઊભા થઈ રહ્યા હતા. ગિલના પક્ષમાં દલીલ કરતા ભજ્જીએ કહ્યું કે, 'ગિલ માત્ર ટેકનિકલ બેટર નથી, જો તે ઈચ્છે તો કોઈપણ બોલર પર હાવી થઈ શકે છે. તેની પાસે લાંબા શોટ મારવાની ક્ષમતા છે અને તે IPLમાં સતત રન બનાવી રહ્યો છે. એ જરૂરી નથી કે 20 ઓવરમાં માત્ર ચોગ્ગા-છગ્ગા જ લાગે. આપણે એક એવા ખેલાડીની પણ જરૂર છે જે મોટી ઇનિંગ્સ રમી શકે.' ભજ્જી ગિલને માત્ર ભવિષ્યનો ટેસ્ટ લીડર જ નહીં, પરંતુ ભારતનો T20 મેચ વિનર પણ માને છે.
બોલિંગ કોમ્બિનેશન
હરભજને ટીમમાં ત્રણ મુખ્ય ફાસ્ટ બોલરો રાખ્યા છે- જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ. ખાસ વાત એ છે કે સિરાજને સ્થાન મળ્યું છે, જ્યારે ઘણા નિષ્ણાતો તેને T20 ટીમમાં ‘ફ્રિન્જ ઓપ્શન’ માનતા રહ્યા છે. સ્પિન વિભાગમાં ભજ્જીએ કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને સામેલ કર્યા છે, જ્યારે ઓલરાઉન્ડર કેટેગરીમાં રિયાન પરાગ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
એશિયા કપ 2025- હરભજન સિંહની ટીમ ઈન્ડિયા
યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ/રિષભ પંત, રિયાન પરાગ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.