શ્રીસંતને લાફો માર્યાના વર્ષો બાદ પણ હરભજન સિંહને પસ્તાવો, પુત્રી સાથેનો કિસ્સો સંભળાવતા જુઓ શું કહ્યું
Harbhajan Singh: IPL 2008 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) વચ્ચેની મેચ પછી હરભજન સિંહે એસ શ્રીસંતને લાફો મારી દીધો હતો. આ ઘટનાને 18 વર્ષ વીતી ગયા છે, જેના માટે હરભજને 200 વાર માફી માંગી છે, પરંતુ હજુ પણ તેને તેનો પસ્તાવો છે. હવે હરભજને શ્રીસંતની દીકરીને મળવાનો કિસ્સો સંભળાવ્યો છે. આ કિસ્સો જણાવતી વખતે પણ હરભજન ઈમોશનલ થઈ ગયો.
મેં 200 વાર માફી માંગી
પૂર્વ ભારતીય દિગ્ગજ હરભજન સિંહે રવિચંદ્રન અશ્વિનને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જ્યાં જ્યારે અશ્વિને તેને પૂછ્યું કે તમે તમારા કયા નિર્ણયો અથવા ઘટનાઓને બદલવા માગો છો? તેના પર હરભજન સિંહે જવાબ આપ્યો, 'હું મારા જીવનની એક ઘટના જે બદલવા માગુ છું તે છે શ્રીસંત સાથેની ઘટના. હું મારા કરિયરમાંથી તે ઘટનાને હટાવવા માગુ છું. આ એ જ ઘટના છે જેને હું મારી યાદીમાંથી બદલવા માંગુ છું. જે થયું તે ખોટું હતું અને મારે તે નહોતું કરવાનું. મેં 200 વાર માફી માંગી. મને સૌથી ખરાબ વાત એ લાગી કે તે ઘટનાના વર્ષો પછી પણ, હું દરેક અવસર અથવા મંચ પર માફી માગતો રહ્યો છું. તે એક ભૂલ હતી.'
તે મારી ભૂલ હતી
ભજ્જીએ આગળ કહ્યું કે, 'આપણે બધા ભૂલો કરીએ છીએ અને આશા રાખીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ કે આવી ભૂલો ફરી ક્યારેય ન થાય. તે મારો ટીમમેટ હતો અને અમે સાથે રમી રહ્યા હતા. હા, તે મેચમાં અમે આમને-સામને હતા. પરંતુ તે એ સ્તર સુધી ન જવું જોઈતું હતું જ્યાં અમે આ રીતે વર્તન કરીએ. તો હા, તે મારી ભૂલ હતી અને તેની એકમાત્ર ભૂલ એ હતી કે તેણે મને ઉશ્કેર્યો, પરંતુ વાસ્તવમાં તે ઠીક છે. જોકે, મેં જે કર્યું તે યોગ્ય નહોતું. મેં 'સોરી'કહ્યું.
પુત્રી સાથેનો કિસ્સો સંભળાવતા જુઓ શું કહ્યું
આ ઘટનાના વર્ષો પછી જ્યારે હરભજન સિંહ જ્યારે એક વાર શ્રીસંતની દીકરીને મળ્યો ત્યારે તે ઈમોશનલ થઈ ગયો હતો. આ કિસ્સો સંભળાવતા ભજ્જીએ કહ્યું કે, 'ઘણા વર્ષો પછી પણ મને જે વાત સૌથી વધુ દુઃખ પહોંચાડે છે તે એ છે કે, જ્યારે હું તેની પુત્રીને મળ્યો અને તેની સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી રહ્યો હતો, ત્યારે તેણે કહ્યું, 'હું તમારી સાથે વાત કરવા નથી માગતી. તમે મારા પિતાને માર્યા છે.' મારું હૃદય તૂટી ગયું હતું અને હું રડવાની અણી પર આવી ગયો હતો. હું મારી જાતને પૂછી રહ્યો હતો કે મેં તેના પર શું અસર છોડી છે?
હરભજન સિંહ ઈમોશનલ થઈ ગયો
આ ઘટનાનો ઉલ્લેખ કરતા-કરતા હરભજન સિંહ ઈમોશનલ થઈ ગયો. તેણે આગળ કહ્યું કે, 'તે મને ખોટી રીતે જોઈ રહી હશે, ખરું ને? તે મને એ જ માણસ તરીકે જુએ છે જેણે તેના પિતાને લાફો માર્યો હતો. મને ખૂબ ખરાબ લાગ્યું. હું હજુ પણ તેની પુત્રીની માફી માંગુ છું કે, હું કંઈ નહોતો કરી શકતો. હું તેને કહેતો રહ્યો, પણ જો હું એવું કંઈક કરી શકું જેનાથી તને સારું લાગે અને તને લાગે કે હું તે પ્રકારનો વ્યક્તિ નથી, તો કૃપા કરીને મને કહો.' હું ઈચ્છું છું કે તે મોટી થાય ત્યારે મને આ રીતે ન જુએ. અને વિચારે છે કે તેના અંકલ હંમેશા તેની સાથે રહેશે અને તેને શક્ય તેટલી મદદ કરશે. તેથી હું તે પ્રકરણ મારા કરિયરમાંથી હટાવવા માગુ છું.'