Updated: Mar 15th, 2023
અમદાવાદ,
તા.૧૫
ગુજરાતની
અંડર-૨૫ ક્રિકેટ ટીમે ફાઈનલમાં મુંબઈને ૧૯૧ રનથી સજ્જડ પરાજય આપીને કર્નલ સી. કે. નાયડુ ટ્રોફી જીતી લીધી હતી. વલસાડમાં રમાયેલી ફાઈનલમાં ગુજરાતે જીતવા માટે આપેલા ૩૨૦ના ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈ માત્ર ૧૨૮ રનમાં જ ખખડી ગયું હતુ. ગુજરાત તરફથી વિશાલ જયસ્વાલે પ્રથમ ઈનિંગમાં ૩ અને બીજી ઈનિંગમાં પાંચ એમ કુલ આઠ વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રથમ ઈનિંગમાં ૧૦માં ક્રમે ઉતરીને જય માલુસારેએ લડાયક ૫૦ રન તેમજ બીજી ઈનિંગમાં કેપ્ટન ક્ષિતીજ પટેલે ૮૮ રન ફટકાર્યા હતા.
વલસાડમાં
રમાયેલી ફાઇનલમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે ટીમ ૧૯૯માં સમેટાઈ હતી. ૧૦માં ક્રમે જય માલુસારેએ ૭૧ બોલમાં પાંચ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૦ રન, ઉર્વિલ પટેલે ૪૩ અને આર્ય દેસાઈએ ૩૪ રન નોંધાવ્યા હતા. અથર્વ અંકોલેકરે પાંચ વિકેટ ઝડપી હતી. જવાબમાં મુંબઈ ૧૮૯માં સમેટાયું હતુ. રિન્કેશ વાઘેલાએ ૪૯ રનમાં પાંચ અને વિશાલ જયસ્વાલે ૯૫ રનમાં ૩ વિકેટ ઝડપી હતી.
ગુજરાત
તરફથી બીજી ઈનિંગમાં ક્ષિતીજ પટેલે ૧૨૭ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૮૮, સનપ્રીત બગ્ગાએ ૪૫ અને યશ દોશીએ ૩૭ રન નોંધાવ્યા હતા. અથર્વ અને મુશીરે ૪-૪ વિકેટ મેળવી હતી. જીતવા માટેના ૩૨૦ના ટાર્ગેટ સામે મુંબઈ ભુપેન લાલવાણીના ૭૧ છતાં ૧૨૮માં ખખડયું હતુ. તેમણે આખરી છ વિકેટ માત્ર ૨૨ રનમાં ગુમાવી હતી. વિશાલ જયસ્વાલે ૪૧ રનમાં પાંચ અને યશ દોશીએ ૩૨ રનમાં બે વિકેટ ઝડપી હતી.