પંડયાની આ ભૂલને કારણે ગુજરાત ટાઈટન્સ હાર્યુ, ગાવસ્કરે કર્યો ચોંકાવનારો ખુલાસો
મોહિત શર્માએ પહેલા 4 બોલમાં માત્ર 3 રન જ આપ્યા હતા.
જાડેજાએ છેલ્લા બોલમાં ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી
Image:Twitter |
IPL 2023માં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ચેન્નઇએ ડકવર્થ-લુઇસ પદ્ધતિ હેઠળ 5 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે ચેન્નઈએ પાંચમું IPL ટાઈટલ જીત્યું હતું. ચેન્નઈની આ જીતનો હીરો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા રહ્યો હતો. ગુજરાત ટાઈટન્સની હાર માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કેપ્ટન હાર્દિક પંડ્યાને ઠપકો આપ્યો હતો. સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે હાર્દિક પંડ્યા માટે છેલ્લી ઓવરમાં બોલર મોહિત શર્મા સાથે વાત કરવી જરૂરી ન હતી.
રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલ પર અપાવી વિજય
ગુજરાત ટાઈટન્સ તરફથી ફાસ્ટ બોલર મોહિત શર્મા ઈનિંગની છેલ્લી ઓવર ફેંકી રહ્યો હતો. ચેન્નઈને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી અને મોહિત શર્માએ પહેલા 4 બોલમાં માત્ર 3 રન જ આપ્યા હતા. આ પછી ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલમાં 1 છગ્ગો અને 1 ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને વિજયી બનાવી હતી.
હાર્દિકે મોહિત શર્મા પાસે આવીને વાત કરી હતી
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા છેલ્લી ઓવરના છેલ્લા બોલ પહેલા મોહિત શર્મા સાથે વાત કરવા પહોંચી ગયો હતો, જેને સુનીલ ગાવસ્કરે સંપૂર્ણપણે બિનજરૂરી ગણાવ્યો હતો. ગાવસ્કરે કહ્યું, 'તેણે શરૂઆતની 3-4 બોલ શાનદાર રીતે કરી. પરંતુ પછી કોઈ કારણસર ઓવરની વચ્ચે જ તેની પાસે પાણી મોકલવામાં આવ્યું હતું. જે બાદ હાર્દિકે આવીને મોહિત સાથે વાત કરી હતી.'
બોલરને જે પણ કહેવું હોય દુરથી કહેવું જોઈએ
આ સિવાય સુનીલ ગાવસ્કરે કહ્યું કે જ્યારે બોલર લયમાં હોય ત્યારે તેને પરેશાન ન કરવો જોઈએ. તમારે માત્ર દૂરથી જ વાત કરવી જોઈએ. ગાવસ્કરે વધુમાં કહ્યું કે જ્યારે બોલર તે લયમાં હોય અને માનસિક રીતે પણ તે ત્યાં હતો, તો કોઈએ પણ તેનાથી કઈ કેહવાની જરૂર ન હતી. માત્ર દૂરથી કહો કે સરસ બોલ. તેની પાસે જવું, તેની સાથે વાત કરવી આ બધું યોગ્ય ન હતું. આ પછી તરત જ મોહિત આમતેમ જોઈ રહ્યો હતો.