ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રિવાબાની જીત બાદ રવિન્દ્ર જાડેજાએ કરેલી આ ટ્વીટ વાયરલ
નવી દિલ્હી, તા. 09 ડિસેમ્બર 2022 શુક્રવાર
ગુજરાત વિધાનસભા 2022નું પરિણામ સૌની સામે આવી ચૂક્યુ છે. ભાજપે ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતા 182માંથી 156 બેઠકો પર કબ્જો મેળવી લીધો છે. આ પરિણામ બાદ હવે આગામી પાંચ વર્ષ સુધી ભાજપ જ ગુજરાતમાં સત્તા પર રહેશે. ભાજપે ગુજરાતમાં પહેલીવાર 150થી વધુ બેઠકો મેળવી છે જે પાર્ટી માટે ખૂબ મહત્વનું છે.
રિવાબાએ બમ્પર જીત મેળવી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઘણા મોટા ચેહરાઓએ જીત મેળવી. જેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનું નામ પણ સામેલ છે જેમણે જામનગર નોર્થ બેઠક પરથી જીત મેળવી છે. રિવાબાએ પોતાના નજીકના પ્રતિદ્વંદી આમ આદમી પાર્ટીના કરશનભાઈને 53 હજારથી પણ વધુ વોટના અંતરથી પરાજિત કર્યા. રિવાબાને 88,835 વોટ મળ્યા જ્યારે કરશનભાઈને 35265 મત મળ્યા.
રવિન્દ્ર જાડેજાની ટ્વીટ
રિવાબાની જીત બાદ રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વીટ કરીને રિવાબાને શુભકામનાઓ આપવાની સાથે-સાથે જામનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. જાડેજાએ ટ્વીટ કર્યુ, 'હેલ્લો MLA, તમે આના સાચા હકદાર છો. જામનગરની જનતા જીતી ગઈ છે. હુ તમામ લોકોનો દિલથી આભાર વ્યક્ત કરુ છુ. આશાપુરા માતાજીને વિનંતી છે. જામનગરના કાર્ય ખૂબ સારા થાય. જય માતાજી.'