GT vs SRH, IPL 2026 Highlights: ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રને હરાવ્યું છે. આ IPLના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી જીત છે. સાથે જ આ હૈદરાબાદની રનની દ્રષ્ટિએ સૌથી મોટી હાર પણ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 168 રન બનાવ્યા હતા. જવાબમાં જેસન હોલ્ડર અને કગિસો રબાડાની ઘાતક બોલિંગે હૈદરાબાદની બેટિંગ લાઇન-અપની કમર તોડી નાખી.
IPLમાં ગુજરાતની સૌથી મોટી જીત
ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રને હરાવ્યું. આ આઈપીએલના ઇતિહાસમાં તેની રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત છે. આ પહેલા ગુજરાતની સૌથી મોટી જીત આ જ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સામે આવી હતી. તે મુકાબલામાં ગુજરાતે રાજસ્થાનને 77 રને હરાવ્યું હતું.
82 રન - ગુજરાત ટાઇટન્સ (SRH)
77 રન - ગુજરાત ટાઇટન્સ (RR)
62 રન - ગુજરાત ટાઇટન્સ (MI)
ટેબલ ટોપર બની ગુજરાત ટાઈટન્સ
વર્તમાન સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ગુજરાત ટાઇટન્સે 12 માંથી 8 મેચ જીતી ટેબલ ટોપર છે અને તેના 16 પોઈન્ટ છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે 12 માંથી 7 મેચમાં જીત મેળવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના 14 પોઈન્ટ્સ છે. હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

હોલ્ડર-રબાડાએ SRHને હરાવ્યું
રનચેઝમાં સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત અત્યંત ખરાબ રહી. હૈદરાબાદે પાવરપ્લેમાં જ 4 વિકેટ ગુમાવી દીધી. મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડને ખાતું પણ ખોલવા દીધું નહીં. તો બીજી તરફ કગિસો રબાડાએ અભિષેક શર્મા, ઇશાન કિશન અને સ્મરણ રવિચંદ્રનની વિકેટ ઝડપી. સ્મરણ આઉટ થયો તે સમયે હૈદરાબાદનો સ્કોર 32/4 હતો. સલિલ અરોરાએ કેટલાક સારા શોર્ટ્સ ચોક્કસ લગાવ્યા, પરંતુ તે વધુ સમય ટકી શક્યો નહીં. સલિલ (16 રન) ને પ્રસિદ્ધ કૃષ્ણાએ આઉટ કર્યો. હવે વિકેટ લેવાનો વારો જેસન હોલ્ડરનો હતો. હોલ્ડરે એક જ ઓવરમાં હેનરિક ક્લાસેન (14 રન) અને નીતીશ કુમાર રેડ્ડી (2 રન) ની વિકેટ લઈને સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 60/7 કરી દીધો. શિવાંગ કુમાર, પેટ કમિન્સ અને પ્રફુલ્લ હિંગે આઉટ થનારા છેલ્લા ત્રણ બેટ્સમેન રહ્યા. ગુજરાત તરફથી કગિસો રબાડા અને જેસન હોલ્ડરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. પ્રસિદ્ધ કૃષ્ણાને બે સફળતા મળી. રાશિદ ખાન અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ ઝડપી.
આ પણ વાંચો: ગજબ! 50 ઓવર, 822 રન, 108 રન એકસ્ટ્રા, ડોમેસ્ટિક ક્રિકેટની મેચે તમામ રેકોર્ડ હચમચાવ્યાં
ગુજરાત ટાઇટન્સની બેટિંગ
ગુજરાત ટાઇટન્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ પર 168 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી નહીં અને તેણે ત્રીજી જ ઓવરમાં કેપ્ટન શુભમન ગિલ (5 રન) ની વિકેટ ગુમાવી દીધી, જે પ્રફુલ્લ હિંગેનો શિકાર બન્યો. હિંગેએ ત્યારબાદ ખતરનાક બેટ્સમેન જોસ બટલર (7 રન) ને પણ પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. ત્યારબાદ નિશાંત સિંધુ અને સાઈ સુદર્શને ત્રીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી કરીને ઇનિંગને સંભાળી. નિશાંતે 22 રનનું યોગદાન આપ્યું અને તેની વિકેટ પેટ કમિન્સે ઝડપી. વોશિંગ્ટન સુંદર અને સાઈ સુદર્શને ચોથી વિકેટ માટે 60 રનની શાનદાર પાર્ટનરશિપ કરી. સુદર્શને 44 બોલમાં 61 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. સુદર્શનને ફાસ્ટ બોલર સાકિબ હુસૈને આઉટ કર્યો. સુદર્શન આઉટ થયા બાદ વોશિંગ્ટન સુંદરે સંપૂર્ણ રીતે મોરચો સંભાળી લીધો. સુંદરે 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 33 બોલમાં 50 રન બનાવ્યા. સુંદર છેલ્લી ઓવરમાં સાકિબ હુસૈનનો શિકાર બન્યો.


