ગિલના કુલ 430 રન : એક ટેસ્ટમાં સૌથી વધુ રન નોંધાવનારો એશિયાનો સૌપ્રથમ બેટ્સમેન
બર્મિંગહામ ટેસ્ટમાં ગિલના પ્રથમ ઈનિંગમાં 269, બીજી ઈનિંગમાં 161 રન
ગિલે બીજી ઈનિંગમાં પણ રેકોર્ડની હારમાળા સર્જી : ભારતની બીજી ઈનિંગ 427/6 પર ડિકલેર : ઈંગ્લેન્ડને જીતવા 608 રનનો પડકાર
ગીલે આ દરમિયાન એક ટેસ્ટમાં સૌથી વધુ કુલ રન ફટકારવાનો ગાવસ્કરનો ભારતીય રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ગાવસ્કરે ૧૯૭૧ની વિન્ડિઝ સામેની પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટમાં (૧૨૪ અને ૨૨૦) કુલ ૩૪૪ રન નોંધાવ્યા હતા.
ગિલ યાદગાર ઈનિંગની સાથે જાડેજા (૬૯*), પંત (૬૫) અને રાહુલ (૫૫)ની અડધી સદીઓની મદદથી ભારતે બીજી ઈનિંગ ૪૨૭/૬ પર ડિકેલર કરતાં ઈંગ્લેન્ડને જીતવા માટે ૬૦૮ રનનો જંગી પડકાર મળ્યો હતો. ઈંગ્લેન્ડે બંને ઓપનરોને માત્ર ૩૦ રનના સ્કોર પર ગુમાવ્યા હતા.
ઈંગ્લેન્ડના બોલરો પર આગવા પ્રભુત્વ સાથે રમતાં ગિલે એક ટેસ્ટમાં કુલ મળીને સૌથી વધુ રન ફટકારવાના વર્લ્ડ રેકોર્ડમાં ઈંગ્લેન્ડના ધુરંધર ગ્રેહામ ગૂચ પછી બીજું સ્થાન મેળવ્યું હતુ. ગૂચે ૧૯૯૦માં ભારત સામેની લોર્ડ્ઝ ટેસ્ટમાં ૩૩૩ અને ૧૨૩ એમ કુલ મળીને ૪૫૬ રન કર્યા હતા.
ટેસ્ટ ઈતિહાસમાં કેપ્ટન તરીકેની પ્રથમ બે ટેસ્ટમાં કુલ ત્રણ સદી ફટકારવાનો રેકોર્ડ અત્યાર સુધી ભારતના વિરાટ કોહલીના નામે જ હતો, જે તેણે ૨૦૧૪ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નોંધાવ્યો હતો. હવે આ યાદીમાં ગીલે પણ સ્થાન મેળવી લીધું છે.