શ્રેયસ અય્યરે ટ્રોફી જીતાડી પણ શ્રેય કોઈ બીજાને અપાયો...: ગંભીર પર ભડક્યા ગાવસ્કર
Sunil Gavaskar on Gautam Gambhir: IPL 2025 માં પંજાબ કિંગ્સે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને IPL પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જેના માટે કેપ્ટન શ્રેયસ ઐય્યર ટીમને આ સ્થાન સુધી પહોંચાડવા ખૂબ જ મહેનત કરી છે. પરંતુ આ મામલે સુનીલ ગાવસ્કરે ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું છે.
ડગઆઉટમાં બેસીને કોઈ તમને જીતી શકતું નથી: ગાવસ્કર
સુનીલ ગાવસ્કરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે શ્રેયસ ઐયરને ગયા સિઝનમાં IPL ટાઇટલ જીતવાનો શ્રેય મળ્યો ન હતો. બધો શ્રેય બીજા કોઈને આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે મેચમાં કેપ્ટન જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડગઆઉટમાં બેસીને કોઈ તમને જીતી શકતું નથી. ગાવસ્કરે કહ્યું, જુઓ આ વર્ષે, ઐયરને બધો શ્રેય મળી રહ્યો છે. કોઈ એવું નથી કહેતું કે રિકી પોન્ટિંગે પંજાબને જીત અપાવી.'
ગૌતમ ગંભીર પર ભડક્યા ગાવસ્કર
ગાવસ્કરે કહ્યું કે, 'KKR માં શ્રેયસ ઐયરનું શ્રેય છીનવાઈ ગયું. શ્રેયસે ટીમને ચેમ્પિયન બનાવી, પણ બધો શ્રેય ગૌતમ ગંભીરને ગયો. ગૌતમ સીઝનની શરૂઆતમાં KKR માં મેન્ટર તરીકે જોડાયો હતો. આઈપીએલનો ખિતાબ જીત્યા પછી, વાહ વાહ ગૌતમ ગંભીરની થવા લાગી, જ્યારે શ્રેયસ ઐયર તેનો હકદાર હતો.'
પંજાબની ટીમ 11 વર્ષમાં પહેલીવાર IPL પ્લેઓફમાં પહોંચી
ઉલ્લેખનીય છે કે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં પંજાબની ટીમ 11 વર્ષમાં પહેલીવાર IPL પ્લેઓફમાં પહોંચી છે. આ સાથે, તે ટુર્નામેન્ટના ઇતિહાસમાં એકમાત્ર કેપ્ટન બની ગયો છે જેણે ત્રણ અલગ અલગ ફ્રેન્ચાઇઝીને IPL પ્લેઓફમાં લઈ જવામાં સફળતા મેળવી છે. IPL 2023 માં, ઐયર પીઠની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. આ પછી 2024 માં તેણે KKR ની કેપ્ટનશીપ કરી અને તેને ટાઇટલ જીતાવ્યું. પાછલી બે સીઝનમાં, આ ટીમ સાતમા સ્થાને હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ શ્રેયસ ઐયરનું શાનદાર પ્રદર્શન
આ શાનદાર પ્રદર્શન છતાં, KKR એ શ્રેયસને રિટેન ન કર્યો. આ પછી, મેગા ઓક્શનમાં, પંજાબ કિંગ્સે શ્રેયસને 26.75 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીધ્યો. આઈપીએલ પહેલા, ઐયરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં તે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આઈપીએલની વાત કરીએ તો, શ્રેયસે 12 મેચમાં 435 રન બનાવ્યા છે. આમાં ચાર ફિફ્ટીનો પણ સમાવેશ થાય છે.