રોહિત અને વિરાટની વિદાય પછી ટીમ ઇન્ડિયામાં હવે ગંભીરનું એકહથ્થુ શાસન, કૅપ્ટન બનવાની રેસમાં આ ખેલાડી સૌથી આગળ
Gautam Gambhir: કૅપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે બીસીસીઆઇ સમક્ષ કથિત રૂપે ટીમ પર પોતાનો સંપૂર્ણ કંટ્રોલ માગ્યો છે. મીડિયા સૂત્રો અનુસાર, ગૌતમ ગંભીરે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટેસ્ટ સેટઅપમાંથી દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયા સૂત્રો મુજબ, આગામી ટેસ્ટ ટુર્નામેન્ટ માટે ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી પહેલાં જ ગંભીર અને સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજીત અગરકરે વરિષ્ઠ ખેલાડીઓને સ્પષ્ટપણે કહી દીધુ હતું કે, તેઓ યુવા ખેલાડીઓ સાથે ટીમ બનાવી આગળ વધવા માગે છે. આ કારણોસર જૂના ખેલાડીઓએ રિટાયરમેન્ટની જાહેરાત કરી હોવાની અટકળો છે.
રોહિત-વિરાટની નિવૃત્તિમાં ગંભીરની ભૂમિકા?
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે, કોઈ હેડ કોચે ટીમના બે દિગ્ગજ સ્ટાર ક્રિકેટરને બહારનો રસ્તો બતાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોય. અત્યારસુધી ટીમ ઇન્ડિયાના કૅપ્ટન જ ખેલાડીઓની પસંદગી- રિટાયરમેન્ટમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. હેડ કોચ હંમેશા પડદા પાછળ જ રહેતા હતા.
બુમરાહ બની શકે છે કૅપ્ટન
મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, જો શુભમન ગિલને કૅપ્ટન બનાવવામાં આવ્યો તો તે ગૌતમ ગંભીરની તમામ વાતો સાંભળશે. કારણકે, તે યુવા ખેલાડી છે. તેને ભવિષ્યમાં સુપરસ્ટાર ખેલાડી તરીકે રજૂ કરી શકાય. પરંતુ હાલ તેણે એટલી સફળતા મેળવી નથી કે, ગંભીરના નિર્ણયોને નકારી શકે. બીજી બાજુ ભારતીય ટેસ્ટ ટીમમાં એકમાત્ર ખેલાડી બુમરાહ છે કે, જે ગંભીરના નિર્ણયોને પડકારી શકે છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આગામી ટેસ્ટ માટે ફીટ હશે તો કૅપ્ટન માટેની પહેલી પસંદ બનશે.
ગંભીર ગિલને આપશે પ્રાથમિકતા
રોહિત શર્માના કાર્યકાળમાં બુમરાહને વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો. બુમરાહે ઇંગ્લૅન્ડ તથા ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટેસ્ટ મેચમાં લીડરશીપ પણ કરી હતી. ફાસ્ટ બોલર તરીકે બુમરાહ અત્યંત કિંમતી ખેલાડી છે. તેણે વર્કલોડ મેનેજ કરવાની જરૂર છે. આથી તેને કૅપ્ટનશીપ સોંપાઈ રહી નથી. ગંભીર ગિલને કૅપ્ટન બનવવા પર ભાર મૂકી શકે છે. જેથી ગંભીર પાસે આખી ટીમનો કંટ્રોલ આવશે.
દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરીમાં ગંભીર લેશે કંટ્રોલ
વિરાટ કોહલી, રોહિત શર્મા, આર અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓના સંન્યાસ બાદ તમામ નિર્ણયો ગૌતમ ગંભીર લેશે. ન્યુઝીલૅન્ડ સામેની મેચમાં હાર અને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી ગુમાવ્યા બાદ ગંભીરે બોર્ડ સમક્ષ સંપૂર્ણ સ્વતંત્રતાની માગ કરી હતી.