દ.આફ્રિકા સામે વન-ડે શ્રેણી જીતતાં જ ગંભીર તેની જૂની IPL ટીમના માલિક પર ભડક્યો, કહ્યું- તેમને કોઈ અધિકાર નથી..
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gautam Gambhir Slams Delhi Capitals Owner Parth Jindal: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે શ્રેણીની છેલ્લી મેચ ગઈ કાલે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું છે. આ સાથે ભારતે 2-1થી સીરિઝ જીતી લીધી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા હવે 9 ડિસેમ્બરથી શરૂ થતી પાંચ મેચની T20I શ્રેણીમાં રમશે.
ગંભીરે ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
ભારતીય ટીમે વન-ડે શ્રેણી તો જીતી લીધી પરંતુ ટેસ્ટ શ્રેણીમાં 0-2થી કારમી હાર અંગે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પર સતત સવાલ ઉઠી રહ્યા છે. ગંભીરે હવે એક પ્રેસ કોન્ફરન્સમાં આ ટીકાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર સ્પ્લિટ કોચિંગ (રેડ અને વ્હાઈટ બોલ માટે અલગ કોચ) વિશે ચાલી રહેલી થિયોરીની આકરી ટીકા કરી.
ગૌતમ ગંભીરે કહ્યું કે, ટેસ્ટ શ્રેણીની હાર અંગે ઘણો હોબાળો થયો હતો, પરંતુ કોઈએ એ વાતનો ઉલ્લેખ ન કર્યો કે ભારતે કોલકાતામાં કેપ્ટન શુભમન ગિલ વિના પહેલી ટેસ્ટ રમી હતી. ગિલ ગરદનની ઈજાને કારણે પહેલી ઈનિંગમાં ચાર રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. જ્યારે બીજી ઈનિંગમાં બેટિંગ નહોતો કરી શક્યો.
ગૌતમ ગંભીરે કહ્યું કે, ઘણી વાતો થઈ કારણ કે,ટેસ્ટ શ્રેણીના પરિણામો અમારા પક્ષમાં નહોતા. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે કોઈ પણ મીડિયા કે પત્રકારે એક વાર પણ એવું ન લખ્યું કે અમે પહેલી ટેસ્ટ મેચ કેપ્ટન વિના રમી હતી, જેણે બંને ઈનિંગ્સમાં બેટિંગ નહોતી કરી. ગંભીરે કહ્યું કે, આ પ્રકારના મંતવ્યો બનાવનારાઓએ એવી વાતો કહેવાનું ટાળવું જોઈએ જેનો મેદાન પર ક્રિકેટ સંબંધિત બાબતો સાથે સીધો કોઈ સંબંધ નથી.
તેમને કોઈ અધિકાર નથી
ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, 'કેટલાક લોકોએ એવી વાતો પણ કહી જેમને ક્રિકેટ સાથે કોઈ લેવા-દેવા નથી. એક ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમના માલિકે પણ સ્પ્લિટ કોચિંગ વિશે લખ્યું. તો તે આશ્ચર્યજનક બાબત છે. લોકો માટે પોતાના ડોમેનમાં રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો અમે કોઈના ડોમેનમાં ન જઈએ, તો તેમને પણ અમારા ડોમેનમાં આવવાનો કોઈ અધિકાર નથી.'
ગૌતમ ગંભીરનો ઈશારો સ્પષ્ટપણે દિલ્હી કેપિટલ્સ (ડીસી) ના સહ-માલિક પાર્થ જિંદાલ તરફ હતો, જેમણે તાજેતરમાં ભારતીય ટીમ માટે સ્લિપ્ટની ભલામણ કરી હતી. તમને જણાવી દઈએ કે, ગંભીરે પોતાની કારકિર્દી દરમિયાન આ ટીમ માટે પણ આઈપીએલ મેચો રમી હતી. તેમણે આઈપીએલમાં કેપિટલ્સની કેપ્ટનશીપ પણ કરી હતી, જોકે ટીમ હજુ સુધી એક પણ ખિતાબ જીતી શકી નથી.
આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટ માટે BCCIએ અલગ કોચ રાખવાની જરૂર: IPL ટીમના માલિકની માગ, જુઓ શું કહ્યું
26 નવેમ્બરના રોજ ભારતની ટેસ્ટ શ્રેણીની હાર બાદ પાર્થ જિંદાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, 'આ હાર દર્શાવે છે કે ભારતને ટેસ્ટ ક્રિકેટ માટે એક સ્પેશિયાલિસ્ટ રેડ-બોલ કોચની જરૂર છે. ઘર આંગણે આવી હાર... મને યાદ નથી કે છેલ્લી વાર આવી નબળાઈ ક્યારે દેખાઈ હતી. જ્યારે તમે રેડ-બોલ સ્પેશિયાલિસ્ટને તક ન આપશો તો આવું જ થશે. ટીમમાં ટેસ્ટ ફોર્મેટની સાચી તાકાત દેખાઈ જ નથી રહી. હવે સમય આવી ગયો છે કે, ભારતે તાત્કાલિક ટેસ્ટ ક્રિકેટ માટે એક અલગ કોચની નિમણૂક કરવી જોઈએ.'
ગૌતમ ગંભીરે કહ્યું કે, 'હું પ્રેસ કોન્ફરન્સમાં બહાના નથી બનાવી રહ્યો. પરંતુ એનો અર્થ એ નથી કે તમારે દુનિયા કે દેશ સમક્ષ હકીકતો રજૂ ન કરવી જોઈએ. જ્યારે તમે ટ્રાન્જિશનમાંથી પસાર થાઓ છો અને તમારા કેપ્ટનને ગુમાવી દો છો, જે આવી ટીમ સામે રેડ-બોલ ક્રિકેટમાં તમારો મુખ્ય બેટ્સમેન પણ હોય છે, ત્યારે પરિણામો સ્પષ્ટપણે મુશ્કેલ હોય છે કારણ કે તમને રેડ-બોલ ક્રિકેટમાં એટલો અનુભવ નથી. આશ્ચર્યજનક વાત એ છે કે કોઈએ તેના વિશે વાત પણ ન કરી. વિકેટ વિશે ઘણી વાતો થઈ, મને ખબર નથી કે શું-શું વાતો થઈ.'









