'આરામ જોઈએ તો IPL છોડી દો...', ગિલની ઈજા બાદ ગંભીરની ટીમ ઈન્ડિયાને સ્પષ્ટ ચેતવણી

Gautam Gambhir On Shubman Gill Injury : શુભમન ગિલ છેલ્લા બે મહિનાથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. એશિયા કપથી લઈને સાઉથ આફ્રિકા સીરિઝ સુધી, તે ટીમ ઈન્ડિયાનો કાયમી સભ્ય રહ્યો છે. જ્યારે ઘણા ખેલાડીઓને રોટેશનનો ફાયદો થયો છે, ત્યારે 25 વર્ષીય ગિલને દરેક ફોર્મેટમાં રમવું પડ્યું છે. ODI કેપ્ટન અને T20 વાઇસ કેપ્ટન તરીકે, તે પહેલા કરતાં વધુ દબાણ હેઠળ છે. તેવામાં ઇડન ગાર્ડન્સ ટેસ્ટ દરમિયાન તેને ગરદનમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો, જેના કારણે તે સીરિઝના નિર્ણાયક બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ગિલ ઈજાગ્રસ્ત થતાં વર્કલોડ મેનેજમેન્ટમાં ફરીથી વિવાદ જોવા મળ્યો છે. ગિલની ઈજા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કેપ્ટન ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાને સ્પષ્ટ ચેતવણી આપી કે, 'જો આરામ જોઈએ તો IPL છોડી દો...'
ગિલની ઈજા બાદ ગંભીરની ટીમ ઈન્ડિયાને સ્પષ્ટ ચેતવણી
ક્રિકેટ એક્સપર્ટ સાથે વાતચીતમાં ગંભીરે કહ્યું કે, 'જો વર્કલોડ મેનેજમેન્ટ જોઈએ છે તો IPL છોડી દો. જો કેપ્ટનશીપનું દબાણ વધારે હોય તો ના કરો. પરંતુ ટીમ ઈન્ડિયા માટે રમતી વખતે ફિટનેસ અને માનસિક થાકનું બહાનું ન બનાવવું.'
ગંભીરનું આ નિવેદન એટલા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ભારતીય ક્રિકેટમાં વર્કલોડ મેનેજમેન્ટ ધીરે-ધીરે એક 'નોર્મલ' માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા ટોચના ખેલાડીઓને ટેસ્ટ, ODI અને T20 વચ્ચે આરામ આપવામાં આવ્યો છે.
જ્યારે ગંભીરનું કહેવું છે કે, જ્યારે પણ ભારતને મોકો મળે છે ત્યારે ખેલાડીઓએ પૂરી પ્રતિબદ્ધતા સાથે ઉતરવું જોઈએ. આમ જો કોઈને આરામ જોઈએ તો પહેલા IPL જેવી લીગ ટૂર્નામેન્ટમાં પોતાના ભાગીદારી પર વિચાર કરવો જોઈએ.
ક્રિકેટ એક્સપર્ટે શું કહ્યું?
ક્રિકેટ એક્સપર્ટે પણ ગંભીરની વાતનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે, 'બેટર માટે ફોર્મ સૌથી વધુ અગત્યની છે. રન બનાવતી વખતે વધુને વધુ રમવુ જોઈએ, ક્યારે ફોર્મ જતી રહે તેની કોઈ ગેરંટી નથી. એટલા માટે જ્યારે ફિટનેસ કે માનસિક સંબંધિત કોઈ સમસ્યા ન હોય ત્યારે ખેલાડીએ મેદાનમાં જ રહેવુ જોઈએ.'
આ પણ વાંચો: શુભમન ગિલ બીજી ટેસ્ટમાંથી બહાર, ગુવાહાટીથી અચાનક મુંબઈ પહોંચ્યો, જાણો કારણ
જોકે, ગિલના મામલામાં એવું છે કે તેમને ઓછામાં ઓછા 10 દિવસ આરામની આવશ્યક્તા છે. BCCIએ હજુ અંતિમ નિર્ણય લીધો નથી, પરંતુ તે 30 નવેમ્બરથી સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝ માટે ફિટ થઈ જશે. ત્યારબાદ T20I સીરિઝ રમાશે, જેમાં ગિલની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ રહેશે.

