Get The App

ગૌતમ ગંભીરની માતાને કાર્ડિયાક અરેસ્ટ, ઈંગ્લેન્ડ પ્રવાસ છોડી ભારત પરત ફર્યા

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
ગૌતમ ગંભીરની માતાને કાર્ડિયાક અરેસ્ટ, ઈંગ્લેન્ડ પ્રવાસ છોડી ભારત પરત ફર્યા 1 - image


Gautam Gambhir Mother Cardiac arrest: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની માતા સીમા ગંભીરને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો છે. ગંભીર આ અંગેની જાણ થતાં જ ઈંગ્લેન્ડથી પરત ભારત આવ્યો હતો. અહેવાલો અનુસાર, 11 જૂનના રોજ ગંભીરની માતાને હાર્ટ અટેક આવ્યો હતો. ગંભીર હવે 17 જૂને ફરી પાછો ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. અગાઉ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ દરમિયાન પણ ગંભીર પારિવારિક કટોકટીના કારણે ટૂર્નામેન્ટ અધવચ્ચે છોડી પરત વતન આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ટૂર્નામેન્ટના પરિણામો બાદ ગંભીર માટે ઈંગ્લેન્ડ પ્રવાસ અત્યંત મહત્ત્વનો છે. ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરીઝ 20 જૂનથી શરૂ થઈ રહી છે. ગંભીરની ગેરહાજરીમાં, સહાયક કોચ રાયન ટેન ડોશેટ શુક્રવારથી શરૂ થનારી ભારત અને ઈન્ડિયા-એ વચ્ચેની ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ દરમિયાન હેડ કોચ તરીકે જવાબદારી સંભાળશે. બોલિંગ કોચ મોર્ને મોર્કલ અને બેટિંગ કોચ સિતાંશુ કોટક જેવા અન્ય કોચિંગ સ્ટાફ પણ પ્રેક્ટિસમાં મદદ કરશે.

ગૌતમ ગંભીર ટી20 વર્લ્ડ કપ 2024 બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા હતાં. તેણે રાહુલ દ્રવિડનું સ્થાન લીધુ હતું. ગંભીરે 4 ડિસેમ્બર, 2018ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ગંભીરે છેલ્લે 2016માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રાજકોટમાં ટેસ્ટ ક્રિકેટ રમી હતી. ગંભીરે 58 ટેસ્ટ મેચમાં 41.95ની એવરેજમાં 4154 રન બનાવ્યા હતા. જેમાં નવ સદી ફટકારી હતી.

ગંભીરનું ક્રિકેટ કરિયર

ગંભીરે 147 ODIમાં 39.68ની એવરેજમાં 5238 રન ફટકાર્યા હતા. જેમાં 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં 97 રનની યાદગાર ઈનિંગ પણ સામેલ છે. જેના લીધે ભારતે બીજી વખત વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. વનડેમાં તેણે 11 સદી ફટકારી હતી. ટી20 ઈન્ટરનેશનલ મેચમાં પણ ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું. જેમાં 37 મેચમાં સાત અર્ધસદીની મદદથી 932 રન ફટકાર્યા હતા. જેની એવરેજ 27.41 રહી હતી. 

ગૌતમ ગંભીરની માતાને કાર્ડિયાક અરેસ્ટ, ઈંગ્લેન્ડ પ્રવાસ છોડી ભારત પરત ફર્યા 2 - image

Tags :