'આટલી ટીકા છતાં તેણે હસતાં મોઢે નેતૃત્વ કર્યું', શુભમન ગિલની ટ્રોલિંગ પર ગંભીરનો જવાબ

Gambhir’s Strong Response to Critics : BCCIએ વનડેમાં રોહિત શર્માને બદલે શુભમન ગિલને કૅપ્ટન બનાવ્યો છે. જે બાદ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ગિલની ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ગંભીરે કહ્યું છે કે ગિલ જ્યાં સુધી તેનું કામ યોગ્ય રીતે કરે છે ત્યાં સુધી તેનું સમર્થન કરતાં રહીશું.
ગંભીરે કહ્યું, કે 'ટેસ્ટ ક્રિકેટમાં કૅપ્ટન તરીકે નિયુક્તિ બાદ ગિલને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો તેમ છતાં તેણે ધીરજ રાખી. બાદમાં ટીકા કરનારાઓને ચૂપ કરાવ્યા.' નોંધનીય છે કે ઇંગ્લૅન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ ડ્રો થઈ હતી. ગંભીરે આ મુદ્દે ગિલના વખાણ કર્યા.
ગંભીરે કર્યા ગિલના વખાણ
ગંભીરે વધુમાં કહ્યું, કે 'મને ગિલ સાથેનો સંવાદ યાદ છે. મેં 25 વર્ષના યુવાનને કૅપ્ટનશિપ સોંપતા કહ્યું કે અમે તને ઊંડા સમુદ્રમાં ફેંકી રહ્યા છે. અહીંથી તારા પાસે બે રસ્તા છે, એક- તું ડૂબી જઈશ અથવા બે- તું વિશ્વસ્તરીય તરવૈયો બનીશ. મારા માટે 750 રન ફટકાર્યા તે મહત્ત્વનું નથી, 25 વર્ષના યુવાને કૅપ્ટન તરીકેની પહેલી ટેસ્ટ સીરિઝમાં ટીમ અને પ્રેશરમાં બેલેન્સ બનાવ્યું તે વધુ મહત્ત્વનું છે.'
ઇંગ્લૅન્ડ સીરિઝમાં ગિલે હસતાં મોઢે ટીકા સહન કરી
ઇંગ્લૅન્ડ-ભારત ટેસ્ટ સીરિઝ અંગે વાતચીત કરતાં ગંભીરે કહ્યું, કે 'તે ગિલના કરિયરની સૌથી અઘરી પરીક્ષા હતી. તે ભલે 15 વર્ષ કૅપ્ટન રહે, પણ બે મહિનાનો ઇંગ્લૅન્ડ પ્રવાસ વધુ પડકારજનક હતો. ઇંગ્લૅન્ડની બેટિંગ યુનિટ ખતરનાક હતી અને અમારી અનુભવહિન. શુભમને પ્રેશર હેન્ડલ કર્યું, પછી મેં તેને કહ્યું હતું કે હવે તે પરીક્ષા પાસ કરી લીધી છે. બદલાવનો સમય સમાપ્ત, હવેથી બધું વધુ સરળ થઈ જશે.'
ગંભીરે વધુમાં કહ્યું, કે 'ગિલે ઘણું સહન કર્યું છે, લોકોએ તેના વિશે ઘણી ટીકા ટિપ્પણીઓ કરી. ઇંગ્લૅન્ડ પ્રવાસમાં સપોર્ટ સ્ટાફ અને ટીમ પર પ્રેશર હતું તો પણ તે 25 દિવસમાં ગિલના ચહેરા પર એક પણ વખત નિરાશા કે તણાવ જોવા ન મળ્યો. તેણે હસતાં મોઢે ટીમનું નેતૃત્વ કર્યું, તે સફળતાનો હકદાર છે. હું બસ એ જોવા માંગુ છું કે પરિસ્થિતિ અનુકૂળ નહીં હોય અને ખરાબ સમય આવશે ત્યારે તે શું કરશે? હું હંમેશા ગિલને સપોર્ટ કરું છું, હું ટીકા પણ સહન કરવા તૈયાર છું.'