Gautam Gambhir Arshdeep Sorry Statement: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2026ના ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને સતત બીજી વાર વિશ્વ વિજેતા બનીને ઇતિહાસ રચી દીધો છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન દબદબાભર્યું રહ્યું હતું, પરંતુ ફાઈનલ મેચ દરમિયાન ભારતીય બોલર અર્શદીપ સિંહ અને ન્યૂઝીલેન્ડના બેટર ડેરીલ મિશેલ વચ્ચે થયેલી એક ઘટનાએ મેદાન પર ગરમાવો લાવી દીધો હતો. ન્યૂઝીલેન્ડની ઇનિંગની 11મી ઓવરમાં મિશેલે સતત બે છગ્ગા ફટકાર્યા બાદ, અર્શદીપે વળતો જવાબ આપતા રન આઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બોલ મિશેલને વાગતા બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, કેપ્ટન સૂર્યકુમાર યાદવે તરત જ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
માફી માગવાની કોઈ જરૂર નહોતી: ગંભીર
મેચ પૂરી થયા બાદ અર્શદીપ સિંહે સ્પષ્ટતા કરી હતી કે તેણે જાણી જોઈને બોલ માર્યો નહોતો અને ડેરીલ મિશેલની માફી પણ માંગી હતી. જોકે, ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર આ વાત સાથે સહમત નથી. ગૌતમ ગંભીરે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, 'આ બધું બરાબર છે. તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, એટલે તમારામાં આક્રમકતા હોય એ તો સ્વાભાવિક છે. જો તમે વળતો જવાબ આપો છો કે થ્રો કરો છો, તો એમાં ખોટું શું છે? કોઈપણ બોલરને સતત બે છગ્ગા ખાવા ગમતા નથી અને હું મારા ખેલાડીઓ પાસેથી આવા જ રિસ્પોન્સની આશા રાખું છું. એમાં કંઈ પણ ખોટું નથી. જો તેણે સોરી ન પણ કહ્યું હોત, તો પણ મને કોઈ વાંધો નહોતો. તેને માફી માગવાની કોઈ જરૂર નથી.'
ગંભીરનો સ્પષ્ટ સંદેશ: દેશનું પ્રતિનિધિત્વ સર્વોપરી
આ અગે ગંભીરે વધુમાં કહ્યું કે, 'હા, એ સારી વાત છે કે તેણે માફી માગી, પણ ક્રિકેટના મેદાન પર કોઈ દોસ્ત કે દુશ્મન નથી હોતું. તમારું કામ તમારા દેશને રિપ્રેઝન્ટ કરવાનું અને દેશ માટે જીતવાનું છે. આવી ઘટનાઓ પહેલા પણ થતી હતી, પરંતુ સોશિયલ મીડિયાના આવી નાની ઘટનાઓને ખૂબ મોટી બનાવવામાં આવે છે, જેની મને લાગે છે કે કોઈ જરૂર નથી.'


