'હવે કોઈ બહાનું નહીં ચાલે...', ભારતીય ટીમની હાર બાદ કોણે ગૌતમ ગંભીરને આપી ચેતવણી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Images Sourse: IANS |
ENG vs IND Test Series: તેંડુલકર-એન્ડરસન ટ્રોફીમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. હવે લીડ્સ ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને હાલમાં તે સીરિઝમાં 0-1થી પાછળ છે. આ હાર બાદ ટીમ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર પ્રેશરમાં છે. પૂર્વ ભારતીય બેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાના જણાવ્યાનુસાર, 'જો ભારતીય ટીમ સીરિઝમાં વાપસી નહીં કરે, તો ગૌતમ ગંભીર પર સવાલો ઉભા થઈ શકે છે. તેમને પસંદગીકારો પાસેથી જે જોઈતું હતું તે મળ્યું છે. આવી સ્થિતિમાં જો ટીમનું પ્રદર્શન હજુ પણ સારું નહીં હોય, તો કોઈ બહાનું ચાલશે નહીં.'
ગંભીરના નેતૃત્વમાં ભારતીય ટીમ સતત હારતી રહી છે: આકાશ ચોપરા
સોશિયલ મીડિયાના માધ્યમથી આકાશ ચોપરાએ કહ્યું કે, ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં પોતાને સાબિત કરી શક્યા નથી. તેમના પર ખૂબ પ્રેશર છે અને તે વધી રહ્યું છે. જો ટેસ્ટ ક્રિકેટમાં તેમના પ્રદર્શન પર નજર કરીએ તો ઘણી મેચ તેમણે જીતી નથી. તેમણે બાંગ્લાદેશ સામે 2 અને ઓસ્ટ્રેલિયા સામે 1 મેચ જીતી છે. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે 3, ઓસ્ટ્રેલિયા સામે 3 અને ઈંગ્લેન્ડ સામે 1 મેચ હારી છે અને ભારતીય ટીમ સતત હારતી રહી છે.
આ પણ વાંચો: 15 વર્ષ સુધી શેફાલી જરીવાલાએ આ બીમારીનો સામનો કર્યો, કરિયર પણ ચોપટ થઈ ગયું હતું
ગૌતમ ગંભીર અંગે આકાશ ચોપરાએ કહ્યું કે, 'વ્હાઈટ બોલ ક્રિકેટમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું છે. પરંતુ મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટમાં સવાલો ઊભા થવાના છે. જો આ સીરિઝ સારી નહીં ચાલે, તો ગંભીર શું કરી રહ્યો છે તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન હશે? મને આશા છે કે આ સીરિઝ ટીમ માટે સારી રહેશે.'
પૂર્વ ભારતીય બેટર આકાશ ચોપરાએ કહ્યં કે, 'પસંદગીકારોને લાગે છે કે ટીમ મેનેજમેન્ટ જે કંઈ પણ માંગી રહ્યું છે તે બધું જ આપવામાં આવી રહ્યું છે. તમે જે પ્રકારના ખેલાડીઓ ઇચ્છો છો અને તમે જે ખેલાડી તરફ ઈશારો કરી રહ્યા છો તે બધું જ આપવામાં આવી રહ્યું છે. તેથી તમારે પણ પરિણામો આપવા પડશે. હવે કોઈ બહાનું ચાલશે નહીં.'
ગૌતમ ગંભીરના મુખ્ય કોચ તરીકેના કાર્યકાળમાં ભારતે 11 મેચ રમી
ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરના મુખ્ય કોચ તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે 11 મેચ રમી છે. જેમાંથી ભારતે ફક્ત 3 ટેસ્ટ જીતી છે. ટીમનો જીતનો દર 27.27 છે જે ખૂબ જ ખરાબ છે. ભારતીય ટીમને ઘરઆંગણે અને વિદેશમાં બંને જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો છે.








