હરમીત દેસાઈ-સાથિયાન ડબલ્યુટીટી કન્ટેન્ડર ટયુનિસ ટુર્નામેન્ટમાં જીત્યા
- ફાઈનલમાં લેબેસન અને કાસિનની જોડીને હરાવી
- ભારતીય જોડીનો ફાઈનલમાં ૧૧-૯, ૪-૧૧, ૧૧-૯, ૧૧-૬થી વિજય
ટયુનિસ,
તા. ૩૦
ગુજરાતના હરમીત દેસાઈ અને જી. સાથિયાનન જોડીએ ટયુનિશીયામાં
યોજાયેલી ડબલ્યુટીટી કન્ટેન્ડર ટયુનિસ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સ
ટાઈટલ જીતી લીધું હતુ. તેમણે ફાઈનલમાં ફ્રાન્સના ઈમાનુલ લેબેસન અને એલેક્ઝાન્ડર
કાસિનની જોડીને ૩-૧થી પરાજીત કરી હતી.
ભારતીય જોડીએ ફાઈનલમાં ૧૧-૯, ૪-૧૧,
૧૧-૯, ૧૧-૬થી
આસાન જીત હાંસલ કરી હતી. હરમીત અને સાથિયાને પ્રથમ ગેમમાં આસાન જીત હાંસલ કરી હતી.
જોકે, ફ્રેન્ચ
જોડીએ વળતો પ્રહાર કરતાં મેચને ૧-૧થી બરોબરી પર લાવી દીધી હતી. નિર્ણાયક તબક્કે
ભારતીય જોડીએ ગુમાવેલી લય પાછી મેળવી હતી અને ત્રીજી અને ચોથી ગેમ જીતી લઈને ટાઈટલ
પોતાના નામે કર્યું હતુ.
સાથિયાને કહ્યું કે, આ મારી કારકિર્દીનું સૌપ્રથમ વ્યક્તિગત અને મેન્સ ડબલ્સ ટાઈટલ છે. અમે છેલ્લા ઘણા સમયથી સાથે રમી રહ્યા છીે. પ્રો-ટુર ટાઈટલમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે આ અમે નવી શરૃઆત કરી છે. અમે આ ટુર્નામેન્ટમાં ત્રણ સારી જોડીઓને હરાવી હતી. અમે ક્વાર્ટર ફાઈનલમાં જર્મન જોડીને, સેમિ ફાઈનલમાં વર્લ્ડ નંબર સેવન હંગેરીયન જોડીને અને ફાઈનલમાં ફ્રેન્ચ જોડીને પરાજીત કરી હતી.