Get The App

શ્રીલંકાને વર્લ્ડ કપ જીતાવનાર સ્ટાર ખેલાડીના ઘરમાં એરલાઇન્સના પૂર્વ CEOનો મૃતદેહ મળતાં હડકંપ

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
શ્રીલંકાને વર્લ્ડ કપ જીતાવનાર સ્ટાર ખેલાડીના ઘરમાં એરલાઇન્સના પૂર્વ CEOનો મૃતદેહ મળતાં હડકંપ 1 - image


Former SriLankan Airlines CEO Found Dead at Aravinda de Silva's Home : શ્રીલંકાના ક્રિકેટ ઈતિહાસના મહાન બેટ્સમેન અને 1996 વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો અરવિંદા ડી સિલ્વાના કોલંબો સ્થિત ઘરેથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકન એરલાઈન્સના પૂર્વ CEO કપિલા ચંદ્રસેના શુક્રવાર સવારે કોલંબોના કોલ્લુપિટિયા વિસ્તારમાં આવેલા અરવિંદા ડી સિલ્વાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા છે.

ઘટનાની વિગતો કંઇક આવી છે 

પોલીસના જણાવ્યા અનુસાર, કપિલા ચંદ્રસેનાનો મૃતદેહ પેડ્રિસ પ્લેસ સ્થિત ઘરેથી મળી આવ્યો છે. પ્રારંભિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. અહેવાલો મુજબ, કપિલા ચંદ્રસેના અને અરવિંદા ડી સિલ્વા સંબંધી હતા. ચંદ્રસેનાની પત્ની પ્રિયંકા અને અરવિંદા ડી સિલ્વાની પત્ની અનુષ્કા સગી બહેનો છે. કપિલા ગુરુવારે જ અરવિંદાના ઘરે આવ્યા હતા.

ભ્રષ્ટાચારનો મામલો અને વિવાદ

કપિલા ચંદ્રસેના છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં હતા. તેમના પર શ્રીલંકન એરલાઈન્સમાં 2.3 બિલિયન અમેરિકન ડોલરના વિમાન ખરીદી સોદામાં આશરે 20 લાખ ડોલરની લાંચ લેવાનો આરોપ હતો. તપાસ એજન્સીઓનો દાવો હતો કે બ્રુનેઈની એક શેલ કંપની દ્વારા આ લાંચ લેવામાં આવી હતી. તાજેતરમાં જ કોર્ટે તેમની સામે જામીન શરતોના ઉલ્લંઘન બદલ વોરંટ પણ જારી કર્યું હોવાનું મનાય છે.

આ ઘટનાની જાણ થતા જ કોલંબોના મુખ્ય મેજિસ્ટ્રેટ અને પૂર્વ કેપ્ટન અર્જુના રણતુંગા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અરવિંદા ડી સિલ્વા, જેમને 1996 વર્લ્ડ કપ ફાઇનલમાં સદી અને ત્રણ વિકેટ લેવાનો અનોખો રેકોર્ડ ધરાવે છે, તેમના ઘરે થયેલી આ ઘટનાએ સમગ્ર શ્રીલંકામાં ચર્ચા જગાવી છે.