ICCએ મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યું મોટું સન્માન, હોલ ઓફ ફેમમાં કર્યો સામેલ
MS Dhoni ICC Hall of Fame : ભારતના પૂર્વ કેપ્ટન અને મહેન્દ્ર સિંહ ધોનીને ICCએ સન્માનિત કર્યું છે. ધોનીને ICC હોલ ઓફ ફેમ 2025 માં સામેલ કરવામાં આવ્યો છે. તે આ સન્માન મેળવનારો 11મો ભારતીય ક્રિકેટર છે. નોંધનીય છે કે, 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, ધોનીએ 2007 માં T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ટીમને વિજય અપાવ્યો. તેણે 2011 માં ODI વર્લ્ડ કપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 2009 માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ICCએ નિવેદન જાહેર કર્યું
ICC એ આ અંગે જણાવ્યું હતું કે, ‘દબાણમાં શાંત સ્વભાવ અને અજોડ વ્યૂહાત્મક કુશળતા તેમજ ટૂંકા ફોર્મેટમાં અગ્રણી ખેલાડી તરીકે જાણીતા, મહાન ફિનિશર, લીડર અને વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના વારસાને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરીને સન્માનિત કરવામાં આવ્યો છે.’
ધોની શું બોલ્યો?
ધોનીએ આ અંગે કહ્યું કે, ‘ICC હોલ ઓફ ફેમમાં નામ મેળવવું એ એક સન્માનની વાત છે, જે વિવિધ પેઢીઓ અને વિશ્વભરના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તમારું નામ હોવું એ એક અદ્ભુત અનુભૂતિ છે. આ એવી વસ્તુ છે જે હું હંમેશા યાદ રાખીશ.’
ICC હોલ ઓફ ફેમમાં સામેલ ભારતીય ક્રિકેટરોની યાદી
સુનીલ ગાવસ્કર
બિશેન સિંહ બેદી
કપિલ દેવ
અનિલ કુંબલે
રાહુલ દ્રવિડ
સચિન તેંડુલકર
વીનુ માંકડ
ડાયના એડુલજી
વીરેન્દ્ર સેહવાગ
નીતુ ડેવિડ
એમએસ ધોની
હોલ ઓફ ફેમ 2025માં કોને કોને સામેલ કરાયા?
ICC એ હોલ ઓફ ફેમ 2025 માં પાંચ પુરુષ અને બે મહિલાઓ સહિત સાત ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ધોની ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર હાશિમ અમલા અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીર અને ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર સારાહ ટેલરને પણ સામેલ કરવામાં આવ્યા છે.