ઓસ્ટ્રેલિયાનો ‘નિષ્ફળ’ ક્રિકેટર, ઈટાલીની ટીમનો કેપ્ટન અને હવે ટી20 વર્લ્ડકપમાં... જાણો ધોની સાથેનું અનોખું કનેક્શન
તસવીર : વિકિપીડયા
Italy qualify 2026 T20 World Cup : ગ્રીક, ઈજિપ્શિઅન અને પર્શિઅન પુરાણોમાં ‘ફિનિક્સ’ પક્ષી વિશે લખાયું છે કે, એ પક્ષી રાખ થયા બાદ ફરી સજીવન થતું હતું. કોઈ ક્ષેત્રમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ ફરી અસંભવ લાગતી સફળતા મેળવે ત્યારે એને ફિનિક્સ પક્ષી સાથે સરખાવવામાં આવે છે. જો બર્ન્સ એવું જ એક ફિનિક્સ પક્ષી છે, જેણે ક્રિકેટની દુનિયામાં અનોખી સફળતા મેળવીને ઇતિહાસ રચ્યો છે.
શું છે જો બર્ન્સની સફળતા?
ક્રિકેટવિશ્વમાં ઈટાલી દૂર દૂર સુધી ક્યાંય નજરે નથી પડતું. યુરોપના આ સમૃદ્ધ દેશની ક્રિકેટ ટીમે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જોરદાર પરફોર્મન્સ કરીને વર્ષ 2026માં ભારત અને શ્રીલંકામાં આયોજિત થનારા ટી20 વિશ્વકપમાં પહેલીવાર પ્રવેશ મેળવવાની મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતાનું શ્રેય આપવામાં આવી રહ્યું છે ઈટાલીની ટીમના કેપ્ટન જો બર્ન્સને, જે ક્યારેક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર હતો.
જો બર્ન્સ ઓસ્ટ્રેલિયામાં નિષ્ફળ નીવડ્યો હતો
ડિસેમ્બર, 2014 માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં ટેસ્ટ મેચ રમાઈ હતી. જો બર્ન્સની એ પહેલી મેચ હતી. 2020 સુધીમાં એને ઓસ્ટ્રેલિયા તરફથી 23 ટેસ્ટ મેચ રમવા મળી, પણ એની કરિયર ખાસ ન જામી. વર્ષ 2015 માં શરૂ થયેલી એની વન-ડે કરિયર તો 6 મેચ રમ્યા બાદ એ જ વર્ષે આટોપાઈ ગઈ. અને ટી-20 માં તો એને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક જ નહોતી મળી. આમ, નબળી રમતને લીધે જો બર્ન્સ ઓસ્ટ્રિલિયાના ક્રિકેટ ઈતિહાસમાં કોઈ છાપ છોડી નહોતો શક્યો.
ધોની સાથે બર્ન્સનું અનોખું કનેક્શન છે
2014 ની જે મેલબોર્નમાં ટેસ્ટથી જો બર્ન્સે એની નેશનલ કરિયરના શ્રીગણેશ કર્યા હતા એ ટેસ્ટ એમ.એસ.ધોનીની ફેરવેલ ટેસ્ટ એટલે કે આખરી ટેસ્ટ મેચ હતી, એટલે મીડિયાનું સંપૂર્ણ ધ્યાન ધોની પર જ હતું, એમાં પણ બર્ન્સને મળેલ ટેસ્ટ કેપની ખાસ નોંધ નહોતી લેવાઈ. અને એ જ મેચથી ભારતના યુવા ખેલાડી કે.એલ. રાહુલે પણ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર શરૂ કરી હતી. રાહુલ પોતાના પરફોર્મન્સથી સફળ થઈ ગયો અને એની સાથે જ કરિયર શરૂ કરનાર જો બર્ન્સ કાળની ગર્તામાં ધકેલાઈ ગયો. કોઈને એનું નામ પણ યાદ ન રહ્યું.
નવી ગિલ્લી નવો દાવ, નવો દેશ નવી સફળતા!
ઓસ્ટ્રેલિયાની ટીમમાં જો બર્ન્સની આવનજાવન 2020 સુધી ચાલુ રહી, છ વર્ષમાં એણે ચાર ટેસ્ટ સદી ફટકારી, એ પછી એની કરિયર પર મીંડું મુકાઈ ગયું. જોકે, તે સ્થાનિક સ્તરે ક્રિકેટ રમતો રહ્યો. 2024માં એની સ્થાનિક સ્તરે પણ પડતી થતાં એણે મોસાળ દેશ ઈટાલીની વાટ પકડી, જ્યાં અસાધારણ સફળતા એની રાહ જોઈ રહી હતી.
ઈટાલી જઈને મૃત ભાઈનું સપનું પૂરું કર્યું
જો બર્ન્સનો ભાઈ ડોમિનિક ઈટાલીમાં સ્થાનિક સ્તરે ક્રિકેટ રમતો હતો. ફેબ્રુઆરી, 2024 માં તેનું અવસાન થઈ ગયું હતું. ડોમિનિકનું સપનું હતું કે તે ઈટાલી તરફથી 2026 ના ટી-20 ક્રિકેટ વિશ્વકપમાં રમે. મૃત ભાઈનું અધૂરું સપનું પૂરું કરવા માટે જો મે, 2024માં ઓસ્ટ્રેલિયા છોડીને ઇટાલી આવી ગયો. ઓસ્ટ્રેલિયાની નેશનલ ટીમ તરફથી રમવાનો અનુભવ હોવાથી જો ને ઈટાલીમાં આવકાર મળ્યો. એને ઈટાલીની નેશનલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. ડોમિનિક 85 નંબરની જર્સી પહેરીને રમતો તેથી જો એ પણ એ જ નંબરની જર્સી પહેરીને રમવાનું શરૂ કર્યું. આ રીતે એણે પોતાના સ્વર્ગસ્થ ભાઈને અંજલિ આપી.
ભાઈ વિશે કરી લાગણીશીલ પોસ્ટ
આ બાબતે જો બર્ન્સે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આ ફક્ત એક નંબર નથી. મેં પહેરેલી આ નંબરની જર્સી એ માણસ માટે છે જે આકાશમાંથી નીચે જોઈને મારા પર ગર્વ કરશે.’ બંને ભાઈઓ વચ્ચે કેટલો સ્નેહ હતો, એની સાબિતી આ લાગણીશીલ પોસ્ટ પરથી મળે છે.
મજબૂત ટીમ સામે જીત મેળવી
વિશ્વકપ માટે ક્વોલિફાય થવા માટે ઈટાલીએ સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સ જેવી મજબૂત અને વિશ્વકપ રમવાનો અનુભવ ધરાવતી ટીમો સામે રમવાનું હતું. એટલે ઈટાલીની સફળતા વિશે સૌને શંકા હતી, પરંતુ બર્ન્સે પોતાની ટીમમાં વિશ્વાસ રાખ્યો. તેઓ નેધરલેન્ડ્સ સામે હાર્યા, પણ સ્કોટલેન્ડ સહિત અન્ય તમામ ટીમોને હરાવીને તેમણે વિશ્વકપમાં પહેલીવાર ઈટાલીને એન્ટ્રી અપાવી દીધી. ઈટાલી ઉપરાંત નેધરલેન્ડ્સએ પણ વિશ્વકપમાં પ્રવેશ મેળવ્યો છે.
જો બર્ન્સની આ સફળતા રમતજગતમાં સુવર્ણ અક્ષરે લખાશે, એમાં બેમત નથી. ક્યારેય હાર ન માનીને ઝઝૂમતા રહેવાની આ સંઘર્ષકથા અનેક લોકો માટે પ્રેરણાત્મક સાબિત થશે.