Sports

મેસી પાછળ 150 કરોડ ખર્ચ્યા, મને 150 કરોડ આપો તો ભારતમાં જ 10 મેસી પેદા કરીને વર્લ્ડ કપ જીતાડીશ... ફૂટબોલ કોચ રણજીત બજાજનો હુંકાર

By GS TEAM
16 Dec 20253 mins read
TukuTouch Logo
આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસી ભારતના ત્રણ દિવસીય પ્રવાસે છે. આ મુલાકાત પાછળ લગભગ 150 કરોડ રૂપિયાનો અધધધ ખર્ચ થયો હોવાનું કહેવાય છે. આ સંદર્ભમાં પંજાબ ફૂટબોલ ક્લબના ડિરેક્ટર અને મિનર્વા એકેડેમીના સ્થાપક રણજીત બજાજે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ‘મેસીને ભારત લાવવા માટે જેટલા રૂપિયા ખર્ચ્યા, એટલા રૂપિયા જો મને આપો, તો હું ભારતમાં જ 10 મેસી પેદા કરીને દેશને ફૂટબોલ વર્લ્ડ કપ પણ જીતાડીશ. આટલા પૈસામાં તો 15,000 ખેલાડીઓનો 15 વર્ષનો રહેવાનો અને ભોજનનો ખર્ચ નીકળી જાય.’ આ નિવેદન પછી ભારતનું ફૂટબોલ જગત ફરી એકવાર ચર્ચામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેસી પાછળ 150 કરોડ ખર્ચ્યા, મને 150 કરોડ આપો તો ભારતમાં જ 10 મેસી પેદા કરીને વર્લ્ડ કપ જીતાડીશ... ફૂટબોલ કોચ રણજીત બજાજનો હુંકાર

Ranjit Bajaj Statement : આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસી ભારતના ત્રણ દિવસીય પ્રવાસે છે. આ મુલાકાત પાછળ લગભગ 150 કરોડ રૂપિયાનો અધધધ ખર્ચ થયો હોવાનું કહેવાય છે. આ સંદર્ભમાં પંજાબ ફૂટબોલ ક્લબના ડિરેક્ટર અને મિનર્વા એકેડેમીના સ્થાપક રણજીત બજાજે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ‘મેસીને ભારત લાવવા માટે જેટલા રૂપિયા ખર્ચ્યા, એટલા રૂપિયા જો મને આપો, તો હું ભારતમાં જ 10 મેસી પેદા કરીને દેશને ફૂટબોલ વર્લ્ડ કપ પણ જીતાડીશ. આટલા પૈસામાં તો 15,000 ખેલાડીઓનો 15 વર્ષનો રહેવાનો અને ભોજનનો ખર્ચ નીકળી જાય.’ આ નિવેદન પછી ભારતનું ફૂટબોલ જગત ફરી એકવાર ચર્ચામાં છે.   

વિદેશી તારલા નહીં, સ્થાનિક હીરોને તરાશવા જરૂરી 

એક પોડકાસ્ટમાં રણજીત બજાજે કહ્યું હતું કે, ભારતને વિદેશી સ્ટાર ખેલાડીઓની નહીં, પરંતુ એક મજબૂત અને ટકાઉ સ્પોર્ટ્સ સિસ્ટમની જરૂર છે. સમર્પિત કોચિંગ, આધુનિક માળખાગત સુવિધાઓ તેમજ યોગ્ય આયોજન દ્વારા દેશમાં જ વિશ્વસ્તરીય પ્રતિભાઓ વિકસાવી શકાય એમ છે. આવી સિસ્ટમ હશે તો દેશના યુવાનો ફૂટબોલને કારકિર્દી તરીકે જોવા પ્રેરાશે, જે લાંબા ગાળે દેશના ખેલજગતને ફાયદો કરશે.

મિનર્વા એકેડેમી: સપનાની અવિશ્વસનીય યાત્રા

રણજીત બજાજ વિશે નહીં જાણતા લોકોને એમનો આવો આત્મવિશ્વસ જરા વધુ પડતો લાગી શકે છે, પણ એમનું બેકગ્રાઉન્ડ જોતાં એમની વાતમાં દમ લાગશે. એમણે સ્થાપેલી રમત સંસ્થા ‘મિનર્વા એકેડેમી’એ વિશ્વભરમાં માન્યતા મેળવી છે. કોઈપણ મોટા સંસ્થાકીય સમર્થન વિના આ એકેડેમીએ યુરોપની પ્રતિષ્ઠિત યુવા ફૂટબોલ ટુર્નામેન્ટ્સમાં ચેમ્પિયન બનીને ભારતનું નામ ગાજતું કર્યું છે.

મિનર્વા એકેડેમીની ફૂટબોલ ટીમે વર્ષ 2025માં જ અન્ડર 14 સ્પર્ધામાં સ્વીડનનો ‘ગોથિયા કપ’, નોર્વેનો ‘નોર્વે કપ’ અને ડેનમાર્કનો ‘ડાના કપ’ જીતી લીધો છે. વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ગણાતા નોર્વે કપમાં તો આ વર્ષે 10થી 19 વર્ષની વયજૂથના છોકરા અને છોકરીઓની કુલ 2183 ટીમે ભાગ લીધો હતો! વિચાર તો કરો કે, સેંકડો ટીમ ભાગ લેતી હોય એ સ્પર્ધામાં ચેમ્પિયન બનવું કેટલું અઘરું હશે. મિનર્વાની ટીમ અગાઉ 2022માં યુએઈમાં ખેલાતો ‘મીના કપ’ (U12) અને 2023માં સ્વીડન ‘ગોથિયા કપ’ (U13) પણ જીતી ચૂક્યા છે. આવા ઘણાં વિજય મેળવ્યા હોવાથી જ રણજીત બજાજનો દાવો દમદાર લાગે છે. 

દેશ માટે પત્નીના ઘરેણાં ગિરવે મૂકી દીધાં! 

આ સપનાંને હકીકતમાં બદલવા માટે રણજીત બજાજે અકલ્પનીય ત્યાગ કર્યો છે. એક સમયે એવો પણ આવ્યો હતો જ્યારે મિનર્વાના ખેલાડીઓને યુરોપ લઈ જવા માટે નાણાં નહોતા. ત્યારે તેમણે પત્નીના સોનાના ઘરેણાં ગિરવે મૂકીને પચાસ લાખની જોગવાઈ કરી હતી! દેશ માટે એક વ્યક્તિનો જુસ્સો કેટલો અદમ્ય હોઈ શકે, એની આનાથી મોટી સાબિતી કઈ હોઈ શકે? તેમનો હેતુ વિદેશમાં ટુર્નામેન્ટ જીતીને કમાણી કરવાનો અથવા ખ્યાતિ મેળવવાનો નથી, પરંતુ ભારતીય ફૂટબોલનું ભાવિ સુધારવાનો છે. તેથી જ તમામ મુશ્કેલીઓનો સામનો મક્કમતાથી કરીને તેમણે યુરોપના મેદાનો પર ભારતીય ફૂટબોલને માન-સન્માન અપાવ્યું છે. 

સોશિયલ મીડિયામાં ગણાવાયા સાચા હીરો  

રણજીત બજાજના ઉપરોક્ત નિવેદનના સોશિયલ મીડિયામાં જોરદાર પડઘા પડ્યા છે. એમના જુસ્સાની ખૂબ પ્રશંસા અને ચર્ચા થઈ રહી છે. ઘણાં રમતપ્રેમીઓ તેમને ‘સાચો હીરો’ અને ‘સાચો દેશભક્ત’ ગણાવી રહ્યાં છે. 

આ પણ વાંચો: IPL Auction 2026 : કુલ 77 ખેલાડીની હરાજી, ગ્રીન સૌથી મોંઘો, જાણો કયો ખેલાડી કઈ ટીમે ખરીદ્યો?

રણજીત બજાજે એક ગંભીર મુદ્દો છેડી દીધો છે. શું ફૂટબોલ જેવી રમતમાં ભારતે ટૂંકા ગાળાના આકર્ષણ માટે મોટી રકમ ખર્ચવી જોઈએ, કે પછી લાંબા ગાળાના વિકાસને લક્ષમાં રાખીને સ્વદેશી પ્રતિભાઓને તૈયાર કરવામાં રોકાણ કરવું જોઈએ? રણજીત બજાજના સમર્પણ અને યોજનાને જો ભારત સરકાર અને રમત-ગમત મંત્રાલયનો ટેકો મળશે, તો ફૂટબોલ વિશ્વના નકશા પર ભારત એક મજબૂત શક્તિ બનીને ઉભરી શકે એમ છે.