'સીનિયર છે તો શું થયું? વિકલ્પ શોધો', સ્ટાર ક્રિકેટરને ટીમ બહાર કાઢવા માંજરેકરનું સૂચન
![]() |
IND vs Eng 2nd Test : ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના ખરાબ પ્રદર્શનને લઇ સવાલો ઉઠ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલને સિરાજના ખરાબ ફોર્મ પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. માંજરેકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હવે ટીમના મેનેજમેન્ટે સિરાજની જગ્યાએ કોઈ બીજો વિકલ્પ પર વિચાર કરવો જોઈએ અને આ 'કઠિન નિર્ણય' લેવાની જવાબદારી ટીમ મેનેજમેન્ટે લેવી પડશે.
સિરાજનું પર્ફોમન્સ બન્યું ચિંતાનું કારણ
ઇંગ્લેન્ડ સામે હેડિંગ્લે ટેસ્ટ મેચમાં સિરાજે પહેલી ઇનિંગમાં બે વિકેટ જરૂર લીધી, પણ બીજી ઇનિંગમાં તે પૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો. જો કે એક બે સ્પેલમાં તેણે જરૂર સારો બોલ નાખ્યો હતો. તેને બેન ડકેટને 97 રન પર આઉટ કરવાની તક મળી હતી. પણ યશસ્વી જયસ્વાલે તે કેચ છોડી દીધો હતો. સિરાજના ખરાબ પ્રદર્શનના અંગે માંજરેકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'હવે ટીમને મુશ્કેલ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. સિરાજ ટીમમાં સીનિયર બોલર છે, તેણે તેના અનુભવ પ્રમાણે બોલિંગ કરી છે. હેડિંગ્લેમાં તેનો સ્પેલ સારો હતો અને તેનો જૂનો રેકોર્ડ પણ સારો હતો. જો કે, હાલમાં આપણે આજની સ્થિતિ પર નજર રાખવી જોઈએ.’
સંજય માંજરેકરનું અવલોકન આંકડા પર આધારિત છે. સિરાજે છેલ્લી 10 ટેસ્ટ મેચોમાં 28 વિકેટ લીધી છે. માંજરેકરનું માનવું છે કે, સિરાજનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. એવામાં ટીમ ઈન્ડિયાને સારો બોલર શોધવો જરૂરી છે.
પ્રસિધ કૃષ્ણાને જણાવ્યો સારો વિકલ્પ
માંજરેકરે સિરાજના બદલે પ્રસિધ કૃષ્ણાને સારો વિકલ્પ જણાવ્યો છે. તેણે કહ્યું કે ‘ટેસ્ટના અંતિમ તબક્કામાં પ્રસિધ કૃષ્ણા એવો બોલર હતો, જેની પાસે શુભમન ગિલ વિકેટની આશા રાખી રહ્યો હતો. તે થોડો મોંઘો સાબિત રહ્યો છે, પરંતુ વિકેટ લેવાની ભૂખ તેનામાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. જો કોઈ મને ટીમ પસંદ કરવા કહે તો સિરાજની જગ્યાએ પ્રસિધ કૃષ્ણાને ટીમમાં લઈશ. આ કઠિન નિર્ણય છે, પરંતુ સિરાજનું હાલનું ફોર્મ જોતા આ જરૂરી છે.'