આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આખરી ટેસ્ટઃ પીચ પર સમગ્ર વિશ્વની નજર
ભારત શ્રેણી જીતવા અને ઇંગ્લેન્ડ બરોબરી કરવા ઉતરશે
સવારે 9-30 વાગ્યાથી મેચનો પ્રારંભઃ રેડ બોલથી મેચ રમાશે
અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ મોટેરા પર ગુરુવારથી શરુ થશે. ભારત આ ટેસ્ટ જીતીને તેની ૨-૧ની અપરાજીત સરસાઈ વધારવા પર ભાર મૂકશે તો ઇંગ્લેન્ડનું ધ્યેય મેચ જીતીને ટેસ્ટ શ્રેણી ૨-૨થી ડ્રો કરવાનું રહેશે. ભારત જો અંતિમ ટેસ્ટ ડ્રો કરે તો પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશશે અને ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ભારત મેચ ડ્રો કરે તો પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશી શકે છે પરંતુ આક્રમક અભિગમ ધરાવતો કોહલી ટેસ્ટ જીતવાનો જ પ્રયત્ન કરશે.
ઇંગ્લેન્ડે અગાઉની ટેસ્ટની જેમ જ અક્ષર પટેલ અને અશ્વિનની સ્પિન જોડીનો સામનો કરવાનો આવશે. રહાણે અને ક્રોવલી માને છે કે આ ટેસ્ટની પીચ પણ અગાઉના બંને ટેસ્ટની પીચ જેવી જ હશે, પરંતુ રેડ એટલે કે લાલ બોલ પિન્ક બોલની તુલનાએ ઓછો સ્કિડ થાય છે. તેના લીધે બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. ઇંગ્લેન્ડ સામે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં રમાઈ ચૂકેલી ત્રણ ટેસ્ટમાં ભારતીય સ્પિનરોએ ઇંગ્લેન્ડની કુલ ૬૦માંથી ૪૯ વિકેટ ખેરવી છે અને તેમાથી ૪૨ વિકેટ અશ્વિન અને અક્ષર પટેલની જોડીએ ખેરવી છે.
કોહલીને સ્પિનરો સામે કોઈ ફરિયાદ નથી કારણ કે તે તેની અપેક્ષા મુજબ રમી રહ્યા છે. પણ બેટ્સમેનોની નિષ્ફળતાથી તે ચિંતિત છે. તેને ફક્ત રાહત તે વાતની જ મળી હતી કે ઇંગ્લેન્ડે ભારત કરતાં પણ વધારે ખરાબ બેટિંગ કરી હતી. ભારતીય બેટ્સમેનો પોતાની જ ધરતી પર સ્પિનરોને રમવામાં નિષ્ફળ ગયા તેના માટેની કોઈ સમજૂતી આપી શકાય તેમ નથી. રોહિત શર્માએ ત્રણ ટેસ્ટમાં ૨૯૬ રન કર્યા છે તો અશ્વિને ચેપોકમાં સદી સાથે ૧૭૬ રન કર્યા છે. રોહિત શર્મા સિવાય કોઈપણ ભારતીય બેટ્સમેન ઇંગ્લેન્ડ સામે આટલો આરામથી રમતો નજરે પડયો નથી. કોેહલી બ અડધી સદી ફટકારી શક્યો છે. આ સિવાય ગીલ, પૂજારા અને રહાણે એક-એક અડધી સદી જ મારી શક્યા છે. ઉમેશ યાદવને અંતિમ ટેસ્ટ માટેની ટીમમાં બુમરાહના સ્થાને સમાવી શકાય છે. ઇશાંત શર્મા કે સિરાજ બંનેમાંથી કોણ તેનો જોડીદાર રહેશે તે જોવાનું રહેશે.
ઇંગ્લેન્ડ તરફથી જો રુટે ૩૩૩ રન કર્યા છે અને આમ તેની સાથે ૧૪૬ રન સાથે બીજા ક્રમે આવનારા સ્ટોક્સ વચ્ચે ૧૮૭ રનનો જંગી તફાવત છે. જેક લીચે ત્રણ ટેસ્ટમાં ૧૬ વિકેટ ઝડપી છે, પરંતુ તે ભારતીય બેટ્સમેનોને જોઈએ તેટલા મુશ્કેલીમાં મૂકી શક્યો નથી. આના પગલે ઇંગ્લેન્ડ તેને સાથ આપવા માટે ઓફ સ્પિનર બેસને સમાવે તેવી પ્રબળ સંભાવના છે.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુબમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત (વિ.કી.), વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, રિદ્ધિમાન સહા (વિ.કી), મયંક અગરવાલ, હાર્દિક પંડયા, કુલદીપ યાદવ, કેએલ રાહુલ.
ઇંગ્લેન્ડ ટીમઃ જો રુટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, ઝાક ક્રોવલી, બેન ફોક્સ, ડાન લોરેન્સ, જેક લીચ, ઓલી પોપ, ડોમ સિબલી, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ, માર્ક વૂડ.