FOLLOW US

FIFA WC 2026: ફીફાએ વર્લ્ડ કપને લઇને બદલ્યો પ્લાન,જાણો પુરુ ફોર્મેટ

Updated: Mar 15th, 2023


નવી દિલ્હી,તા. 14 માર્ચ 2023, બુધવાર 

નોર્થ અમેરિકામાં યોજાનાર ફિફા વર્લ્ડ કપ 2026ના પ્લાનમાં એક મોટો ફેરફાર સામે આવ્યો છે. આ ફેરફાર અંગે ફિફાએ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, આગામી વર્લ્ડ કપમાં 4-4 ટીમોના 12 ગૃપ હશે.  

અગાઉ 3-3 ટીમોના 16 ગ્રુપ બનાવવાની યોજના હતી. FIFA એ એક નિવેદનમાં કહ્યું, 'નવું ફોર્મેટ એ સુનિશ્ચિત કરે છે કે, દરેક ટીમને વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી ત્રણ મેચ રમવાની તક મળે અને આ મેચો પર્યાપ્ત બ્રેક સાથે હોય.

  • FIFA વર્લ્ડ કપ 2026માં પહેલીવાર 48 ટીમો ભાગ લેશે
  • આગામી વર્લ્ડ કપમાં 4-4 ટીમોના 12 ગૃપ

મહત્વનું છે કે, FIFA વર્લ્ડ કપ 2026માં પહેલીવાર 48 ટીમો ભાગ લેશે. રમત જગતની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર 32 ટીમો ભાગ લેતી હતી, જેને 8 ગ્રુપમાં વહેંચવામાં આવતી હતી. દરેક ગ્રુપમાં ચાર ટીમો હતી અને ગ્રુપની ટોચની બે ટીમો નોક આઉટ સ્ટેજમાં આગળ વધતી હતી. 

હવે ફોર્મેટ આ પ્રમાણે હશે

FIFA એ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાનાર આ વર્લ્ડ કપ માટે શરૂઆતમાં 3-3 ટીમોના જૂથ બનાવવાનું નક્કી કર્યું હતું, જેમાંથી દરેક જૂથમાંથી બે ટીમો નોક-આઉટ તબક્કામાં પહોંચવાની હતી. મંગળવારે રવાંડાની રાજધાની કિગાલીમાં યોજાયેલી બેઠક બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે, ગ્રુપમાં 4-4 ટીમોને રાખવામાં આવશે. આવી સ્થિતિમાં, ટોપ-2 ટીમોની સાથે, બેસ્ટ-8 ત્રીજા સ્થાને રહેલી ટીમો અંતિમ-32 રાઉન્ડમાં પહોંચશે, જ્યાંથી નોક-આઉટ સ્ટેજ શરૂ થશે.

નવા ફોર્મેટ પ્રમાણે હવે ફિફા વર્લ્ડ કપમાં કુલ 104 મેચો રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચનારી ટીમો 8-8 મેચ રમશે.મહત્વનું છે કે, ફિફા વર્લ્ડ કપમાં અત્યાર સુધી 64 મેચ રમાઈ હતી. 1998થી આ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લઈ રહી હતી. 1998 પહેલા ફિફા વર્લ્ડ કપમાં 24 ટીમો ભાગ લેતી હતી.

Gujarat
Magazines