Get The App

ઇંગ્લેન્ડનો ભારત સામે હાઇએસ્ટ રન ચેઝનાં રેકોર્ડ સાથે વિજય

ઇંગ્લેન્ડે વિસ્ફોટક બેટિંગ કરી ૩૩૭ રનનો પડકાર ૪૩.૩ ઓવરોમાં ૪ વિકેટ ગુમાવી પાર પાડયો

બેરસ્ટો (૧૧૨ બોલમાં ૧૨૪) અને સ્ટોક્સ (૫૨ બોલમાં ૯૯) ની વિસ્ફોટક બેટિંગ, ફક્ત ૧૮.૫ ઓવરમાં ૧૭૫ રનની ભાગીદારી

Updated: Mar 26th, 2021

GS TEAM

Google News
Google News
ઇંગ્લેન્ડનો ભારત સામે હાઇએસ્ટ રન ચેઝનાં રેકોર્ડ સાથે વિજય 1 - image


- ત્રણ વન-ડેની શ્રેણી ૧-૧થી બરોબરઃ હવે આવતીકાલે નિર્ણાયક આખરી વન-ડે

- રાહુલે ૧૦૮ રન સાથે ટીકાકારોને જવાબ આપ્યો

- પંતના ૪૦ બોલમાં ૭૭, કોહલીના ૬૬

- કુલદીપે દસ ઓવરમાં આઠ છગ્ગા સાથે ૮૪ રન આપ્યા

- સ્ટોક્સે ૫૦થી ૯૯ રન પર પહોંચવામાં ફક્ત ૧૩ બોલ લીધા

પુણેઃ ઇંગ્લેન્ડે ભારતને તેના અત્યાર સુધીના સૌથી મોટા રનચેઝમાં છ વિકેટે હરાવીને શ્રેણી ૧-૧થી સરભર કરી હતી. ભારતના ૬ વિકેટે ૩૩૬ રનના જંગી સ્કોર સામે તેમ લાગતુ હતું કે ઇંગ્લેન્ડ ઘૂંટણિયા ટેકવી દેશે પરંતુ તેણે વર્લ્ડ ચેમ્પિયનને છાજે તેવી રમત દાખવતા બેરસ્ટો અને સ્ટોક્સની વિસ્ફોટક બેટિંગના સથવારે ફક્ત ૪૩.૩ ઓવરમાં જ ૪ વિકેટે ૩૩૭ રન કરી વિજય મેળવ્યો હતો. આ તોફાની બેટિંગ દરમિયાન ઇંગ્લેન્ડે ૩૧થી ૩૫ ઓવરમાં ૮૧ રન કર્યા હતા. બેરસ્ટોએ ૧૧૨ બોલમાં ૧૧ ચોગ્ગા અને સાત છગ્ગા સાથે ૧૨૪ રન કર્યા હતા અને બેન સ્ટોક્સે ૫૨ બોલમાં ચાર ચોગ્ગા અને દસ છગ્ગા સાથે ૯૯ રન કર્યા હતા. તે નર્વસ નાઇન્ટિસનો ભોગ બન્યો હતો. બંનેએ ફક્ત ૧૮.૫ ઓવરમાં ૧૭૫ રનની ભાગીદારી નોંધાવી હતી. 

યાદવે વિનયકુમાર પછી સૌથી વધુ છગ્ગા આપ્યા

કુલદીપ યાદવે ૧૦ ઓવરના સ્પેલમાં ૮૪ રન આપ્યા હતા. આ દરમિયાન તેને કુલ આઠ છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. આ સાથે તેણે ૨૦૧૧માં વિનય કુમારને ઓસ્ટ્રેલિયા સામે સાત છગ્ગા ફટકારવામાં આવ્યા હતા તે રેકોર્ડને તોડયો હતો. 

ભારતે આ પહેલા ટોસ જીતીને બેટિંગમાં ઉતારવામાં આવ્યા પછી રાહુલની સદી, કોહલીની અડધી સદી, પંત અને હાર્દિક પંડયાની વિસ્ફોટક બેટિંગના સથવારે ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૩૭ રન કર્યા હતા. 

પંતની તોફાની બેટિંગ

રિષભ પંતે તે પોતે જે મિજાજ માટે જાણીતો છે તે ઇંગ્લેન્ડને આજે બતાવ્યો હતો. તેણે ફક્ત ૨૮ બોલમાં જ તેની હાફ સેન્ચુરી પૂરી કરી હતી. તેણે ફક્ત ૪૦ બોલમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકારીને ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણને છીન્નભિન્ન કરી દીધું હતું. તેની બેટિંગના કારણે ભારતે એક સમયે ૩૫૦ રનનો સ્કોર કરે તેમ લાગતું હતું. જો કે તે ટોમ કરનની બોલિંગમાં રોયના હાથમાં ઝીલાઈ ગયો હતો. તેણે રાહુલ સાથે ચોથી વિકેટની ૧૧૩ રનની ભાગીદારી નોંધાવી હતી. આમ તેણે સૂર્યકુમાર યાદવના સ્થાને તેના સમાવેશને સાર્થક ઠેરવ્યો હતો. 

ઇંગ્લેન્ડનો ભારત સામે હાઇએસ્ટ રન ચેઝનાં રેકોર્ડ સાથે વિજય 2 - image

હાર્દિક પંડયાનો અંતિમ ઓવરોમાં આક્રમક અંદાજ

હાર્દિક પંડયા અને પંત ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણ પર રીતસરના ત્રાટક્યા હતા. બંને એક પછી એક છગ્ગા મારતા હતા. પંડયાએ ફક્ત ૧૬ બોલમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી ૩૫ રન ફટકારી દીધા હતા અને ભારતને જંગી સ્કોર ખડકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ઇંગ્લેન્ડનો ભારત સામે હાઇએસ્ટ રન ચેઝનાં રેકોર્ડ સાથે વિજય 3 - image

નબળો પ્રારંભ

ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધા પછી ભારતનો પ્રારંભ નબળો રહ્યો હતો. ૩૭ રનમાં ભારતે બંનો ઓપનર શિખર ધવન અને રોહિત શર્માને ગુમાવી દીધા હતા. શિખર ધવનને ટોપલીએ અને રોહિત શર્માન સામ કરને આઉટ કર્યો હતો. તેના પગલે વિરાટ કોહલી અને રાહુલે સાવચેતીપૂર્વકની રમત રમવાની જરુર પડી હતી. રોહિત બંને વન-ડેમાં હજી સુધી અપેક્ષિત મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. 

ઇંગ્લેન્ડનો ભારત સામે હાઇએસ્ટ રન ચેઝનાં રેકોર્ડ સાથે વિજય 4 - image

કોહલીનું ફોર્મ જારી

વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ જારી રહ્યુ હતુ. તેણે સતત બીજી અડધી સદી નોંધાવી હતી. એક સમયે લાગી રહ્યુ હતું કે તે સદી કરશે, પરંતુ તે ફરીથી આદિલ રશીદનો શિકાર બન્યો હતો અને તેના બોલને કટ કરવાના પ્રયાસમાં વિકેટ પાછળ જોસ બટલરના હાથમાં ઝીલાઈ ગયો હતો. કોહલીએ તેની કારકિર્દીની ૬૨મી અડધી સદી ફટકારી હતી. તેણે ૭૯ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૬ રન કર્યા હતા. 

રાહુલની નિર્ણાયક સદી

ટી૨૦ સિરીઝમાં નિષ્ફળ ગયેલા રાહુલે તેનું ફોર્મ જારી રાખ્યું છે. પ્રથમ વન-ડેમાં અડધી સદી ફટકાર્યા પછી તેણે બીજી વન-ડેમાં સદી ફટકારીને તેના ક્લાસના દર્શન આપ્યા હતા. ભારત ઇંગ્લેન્ડ સામે ૩૭ રનમાં બે વિકેટ ગુમાવી મુશ્કેલીમાં હતુ ત્યારે તેણે કેપ્ટન કોહલી સાથે ત્રીજી વિકેટની ૧૨૧ રનની ભાગીદારી નોંધાવી હતી. તેણે આ દરમિયાન કારકિર્દીની પાંચમી સદી ફટકારતા ૧૧૪ બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૮ રન કર્યા હતા. 

ઇંગ્લેન્ડનો ભારત સામે હાઇએસ્ટ રન ચેઝનાં રેકોર્ડ સાથે વિજય 5 - image

ભારતે ૧૪ છગ્ગા અને ૨૦ ચોગ્ગા ફટકાર્યા

ભારતની તેની ઇનિંગ્સમાં કુલ ૧૪ છગ્ગા અને ૨૦ ચોગ્ગા ફટકાર્યા હતા. આમ કુલ ૧૬૪ રન ભારતે ઊભા-ઊભા લીધા હતા. ૧૪માંથી સાત છગ્ગા તો રિષભ પંતે અને ચાર હાર્દિક પંડયાએ ફટકાર્યા હતા. 

ઇંગ્લેન્ડે 20 છગ્ગા અને 24 ચોગ્ગા ફટકાર્યા

ઇંગ્લેન્ડે ભારત સામે 20 છગ્ગા અને 24 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે સાઉથ આફ્રિકાએ મુંબઈમાં 2015માં ભારત સામે ફટકારેલા 20 છગ્ગાના રેકોર્ડની બરોબરી કરી હતી. 20 છગ્ગામાંથી દસ છગ્ગા બેન સ્ટોક્સે અને સાત છગ્ગા બેરસ્ટોએ ફટકાર્યા હતા. લિવિંગસ્ટોને બે અને રોયે એક છગ્ગો ફટકાર્યો હતો.


ઇંગ્લેન્ડના સ્પિનરો કરતાં ભારતીય સ્પિનરોએ વધુ રન આપ્યા

ઇંગ્લેન્ડના સ્પિનર મોઇન અલી અને આદિલ રશીદ કરતાં ભારતીય સ્પિનરો વધારે ધોવાયા હતા. ઇંગ્લેન્ડના સ્પિનર મોઇન અલીએ ૧૦ ઓવરમા ૪૭ રન આપ્યા હતા અને આદિલ રશીદે ૧૦ ઓવરમાં ૬૫ રન આપીને એક વિકેટ ઝડપી હતી. આમ બંનેએ કુલ ૨૦ ઓવરમાં ૧૧૨ રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. તેની સામે ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ૧૦ ઓવરમાં ૮૪ રન આપ્યા હતા અને કૃણાલ પંડયાએ છ ઓવરમાં ૭૨ રન આપ્યા હતા. બંનેની ઓવરમાં થઈને કુલ ૧૪ છગ્ગા પડયા હતા. બંને સ્પિનરોએ કુલ ૧૬ ઓવરમાં ૧૫૬ રન આપ્યા હતા. એટલે ક લગભગ દસની સરેરાશે રન આપ્યા હતા. જ્યારે ભારતીય બેટ્સમેનો ફક્ત રશીદને જ ત્રણ છગ્ગા ફટકારી શક્યા હતા. 

ભારત સામે નોંધાયેલા સૌથી વધુ છગ્ગા

૨૦ ઇંગ્લેન્ડ પુણે ૨૦૨૧

૨૦ સાઉથ આફ્રિકા મુંબઈ ૨૦૧૫

૧૯ ઓસ્ટ્રેલિયા બેંગ્લુરુ ૨૦૧૩

સ્કોરબોર્ડ

ભારત

રન બોલ 4 6

રોહિત કો. રશીદ બો. એસકરન ૨૫ ૨૫ ૦૫

ધવન કો. સ્ટોક્સ બો. ટોપલી ૦૪ ૧૭ ૦૦

કોહલી કો. બટલર બો. રશીદ ૬૬ ૭૯ ૦૩

રાહુલ કો. ટોપલી બો. ટી કરન ૧૦૮ ૧૧૪ ૦૭

પંત કો. રોય બો. ટી કરન ૭૭ ૪૦ ૦૩

હાર્દિક કો. રોય બો. ટોપલી ૩૫ ૧૬ ૦૧

કૃણાલ અણનમ ૧૨ ૦૯ ૦૧

ઠાકુર અણનમ ૦૦ ૦૦ ૦૦

વધારાના લેગબાય-૨, વાઇડ-૭ ૦૯

કુલ ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૩૬

વિકેટ પડવાનો ક્રમઃ ૧-૯, (ધવન, ૩.૫), ૨-૩૭ (રોહિત શર્મા, ૪.૪), ૩-૧૫૮ (કોહલી, ૩૧.૬), ૪-૨૭૧ (રાહુલ, ૪૪.૫), ૫-૩૦૮ (પંત, ૪૬.૫), ૬-૩૩૪ (હાર્દિક, ૪૯.૫)

બોલિંગઃ સામ કરન ૭-૦-૪૭-૧, ટોપલી ૮-૦-૫૦-૨, ટોમ કરન ૧૦-૦-૮૩-૨, સ્ટોક્સ ૫-૦-૪૨-૦, મોઇન અલી ૧૦-૦-૪૨-૦, રશીદ ૧૦-૦-૬૫-૧.

ઇંગ્લેન્ડ

રન બોલ 4 6

રોય રનઆઉટ ૫૨ ૫૨ ૦૭ ૦૧

બેરસ્ટો કો. કોહલી બો. ક્રિષ્ના ૧૨૪ ૧૧૨ ૧૧ ૦૭

બેન સ્ટોક્સ કો. પંત બો. કુમાર ૯૯ ૫૨ ૦૪ ૧૦

મલાન અણનમ ૧૬ ૨૩ ૦૧ ૦૦

બટલર બો. ક્રિષ્ના ૦૦ ૦૩ ૦૦ ૦૦

લિવિંગસ્ટોન અણનમ ૨૭ ૨૧ ૦૧ ૦૨

વધારાના બાય-૪, લેગબાય-૨, નોબોલ-૨, વાઇડ-૮ ૧૬

કુલ ૪૩.૩ ઓવરમાં ૪ વિકેટે ૩૩૭

વિકેટ પડવાનો ક્રમઃ ૧-૧૧૦ (રોય, ૧૬.૩), ૨-૨૮૫ (સ્ટોક્સ ૩૫.૨), ૩-૨૮૭ (બેરસ્ટો, ૩૬.૧), ૪-૨૮૭ (બટલર, ૩૬.૪)

બોલિંગઃ ભુવનેશ્વરકુમાર ૧૦-૦-૬૩-૧, ક્રિષ્ના ૧૦-૦-૫૮-૨, ઠાકુર ૭.૩-૦-૫૪-૦, યાદવ ૧૦-૦-૮૪-૦, કૃણાલ પંડયા ૬-૦-૭૨-૦.


Tags :