Get The App

'દુશ્મનનો દુશ્મન દોસ્ત' કહેવત સાચી ઠરી! પાકિસ્તાને બાંગ્લાદેશી મુસ્તફિઝુરને કરી મોટી ઓફર

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
'દુશ્મનનો દુશ્મન દોસ્ત' કહેવત સાચી ઠરી! પાકિસ્તાને બાંગ્લાદેશી મુસ્તફિઝુરને કરી મોટી ઓફર 1 - image


Mustafizur Gets Offer From PSL : રાજકારણ અને ક્રિકેટમાં એક જૂની કહેવત છે કે 'દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે'. આ કહેવતને ચરિતાર્થ કરતો કિસ્સો ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન ક્રિકેટ વચ્ચે જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા IPL 2026માંથી બહાર કરાયેલા બાંગ્લાદેશી પેસર મુસ્તફિઝુર રહેમાન પર હવે પાકિસ્તાન મહેરબાન થયું છે. ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચેના તણાવનો સીધો ફાયદો ઉઠાવતા પાકિસ્તાને મુસ્તફિઝુરને પોતાની પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમાડવાનો નિર્ણય કર્યો છે.

ભારતમાંથી હકાલપટ્ટી, પાકિસ્તાનમાં સ્વાગત

4 જાન્યુઆરીએ BCCIએ સત્તાવાર રીતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. KKRએ તેને ₹9.20 કરોડની જંગી રકમમાં ખરીદ્યો હતો. IPLમાંથી બહાર થયા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તેને PSLમાં તક આપવાનો સંકેત આપ્યો છે.

અહેવાલ મુજબ, મુસ્તફિઝુર રહેમાન IPL 2026ની સાથે જ શરૂ થઈ રહેલા PSL 2026 સિઝનમાં રમતો જોવા મળશે. જોકે, તે કઈ ટીમ માટે રમશે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. પાકિસ્તાન ઘણીવાર એવા ખેલાડીઓનો સંપર્ક કરે છે જેમને IPLમાં તક નથી મળતી અથવા જેઓ આ લીગમાંથી નિવૃત્ત થઈ જાય છે. આથી, મુસ્તફિઝુર સાથેનો આ સોદો કોઈ મોટી વાત નથી. જોકે, એ વાત નિશ્ચિત છે કે તેને IPLમાં મળનારી રકમનો 10 ટકા હિસ્સો પણ PSLમાં નહીં મળે.

બાંગ્લાદેશના આકરા પગલાં

BCCIના નિર્ણય બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) રોષે ભરાયું છે અને તેણે ભારત વિરુદ્ધ બે મોટા પગલાં ભર્યા છે:

T20 વર્લ્ડ કપનો બહિષ્કાર: BCBએ T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની ટીમને ભારતમાં ન મોકલવાનો નિર્ણય કર્યો છે અને ICCને પત્ર લખીને બાંગ્લાદેશની મેચો સહ-યજમાન શ્રીલંકામાં શિફ્ટ કરવાની માંગ કરી છે. જોકે તેની આ માગણી ફગાવી દેવાયાની સૂત્રોએ માહિતી આપી છે. 

IPL પ્રસારણ પર પ્રતિબંધ: BCBએ સરકાર સાથે મળીને બાંગ્લાદેશમાં IPLના લાઈવ પ્રસારણ અને સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે કેવી રીતે ક્રિકેટના મેદાનની બહારની રાજનીતિ ખેલાડીઓની કારકિર્દી અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર અસર કરી રહી છે, જેમાં એક દેશના વિરોધનો ફાયદો બીજો દેશ ઉઠાવી રહ્યો છે.