IPL 2022: હવે 14 કરોડી ચહરને નહીં મળે પૈસા, જાણો કેવી રીતે કામ કરે છે ખેલાડીઓની સેલેરી સિસ્ટમ
- દીપકને ચેન્નાઈએ આગામી 3 વર્ષ માટે દર વર્ષે 14 કરોડ રૂપિયાની મોટી રકમ પર ખરીદ્યો હતો
નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2022, શુક્રવાર
ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ના બોલર દીપક ચહરનું આઈપીએલમાંથી ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થવું એ તેમના અને તેમના પરિવાર માટે મોટું આર્થિક નુકશાન છે. દીપકને ચેન્નાઈએ આગામી 3 વર્ષ માટે દર વર્ષે 14 કરોડ રૂપિયાની મોટી રકમ પર ખરીદ્યો હતો પરંતુ ઈજાને કારણે દીપકના આ આખી સિઝનમાંથી બહાર થઈ જવાને કારણે તેમના વાર્ષિક પગાર પર મોટો ફટકો પડ્યો છે. હવે નિયમ પ્રમાણે દીપક ચાહરને ફ્રેન્ચાઈઝી તરફથી કોઈ રકમ નહી મળશે એટલે કે, હવે આર્થિક રીતે તેમની આ સ્થિતિ આકાશ પરથી જમીન પર પડવા જેવી છે.
ચાલો જાણીએ કે આઈપીએલમાં ફ્રેન્ચાઈઝી ટીમ તરફથી ખેલાડીઓને આપવામાં આવતી વળતર પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે.
- ખેલાડીના હરાજીની રકમને તેની સેલેરી કહેવાય છે. તેના હિસાબે જ ટેક્સ પણ કાપવામાં આવે છે. ખેલાડીની સેલેરી પર કોઈ બીજો વ્યક્તિ દાવો નહીં કરી શકે. આ આખી રકમ ખેલાડીના ખાતામાં જમા થાય છે.
- હરાજીની રકમ એક વર્ષ માટે હોય છે. ઉદાહરણ તરીકે જો ખેલાડીને 14 કરોડમાં ખરીદવામાં આવે છે તો તેને આ રકમ દર વર્ષે આપવામાં આવે છે. તેને ત્રણ વર્ષ માટે 42 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ છે.
- વર્ષ 2008માં ખેલાડીઓનું વળતર યૂએસ ડોલરમાં મળતું હતું. તે સમયે પ્રતિ ડૉલરની કિંમત લગભગ 40 રૂપિયા હતી. વર્ષ 2012માં ડોલર સિસ્ટમ ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
- જો કોઈ ખેલાડી આખી સિઝન માટે ઉપલબ્ધ રહે તો તેને સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવે છે પછી તે કેટલી મેચ રમે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.
- જો ખેલાડી સિઝનની શરૂઆત પહેલા ઈજાગ્રસ્ત થઈ જાય તો ફ્રેન્ચાઈઝી તેને કોઈ રકમ ચૂકવતી નથી.
- જો કોઈ ખેલાડી ટીમ કેમ્પમાં રિપોર્ટ કરે છે અને સિઝન પહેલા ઈજાગ્રસ્ત થાય છે અને આગળની મેચમાં ભાગ લેતો નથી, તો તે હરાજીની રકમના 50 ટકા માટે હકદાર છે. પૂર્વમાં મોહમ્મદ શમી, ડ્વેન બ્રાવોને તેનો ફાયદો મળ્યો હતો.
- જો કોઈ ખેલાડી ટૂર્નામેન્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થાય છે તો ફ્રેન્ચાઈઝી તેમના ઈલાજનો ખર્ચ ઉઠાવે છે.
- કોઈ પણ ફ્રેન્ચાઈઝી એક જ વારમાં ખેલાડીને પૈસા નથી આપતી. તે ટીમ પાસે કેટલી રોકડ છે અને પ્રાયોજકો પાસેથી કેટલી રકમ આવી રહી છે તેના પર નિર્ભર છે. કેટલીક ફ્રેન્ચાઇઝી ટીમના પ્રથમ સિઝનના કેમ્પના લગભગ એક અઠવાડિયા પહેલા ખેલાડીને ચેક આપે છે. કેટલાકને અડધા પૈસા ટૂર્નામેન્ટ પહેલા અને બાકીના ટૂર્નામેન્ટ દરમિયાન મળી જાય છે. કેટલીક ટીમો 15-65-20 ફોર્મ્યુલાને અનુસરે છે. એટલે કે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા રકમના 15 ટકા, ટૂર્નામેન્ટ દરમિયાન 65 ટકા, બાકીની 20 ટકા રકમ ટુર્નામેન્ટ પૂરી થયા પછી નિયત સમયમાં આપવામાં આવે છે.