For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

CWG 2022: ગુજરાતની ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં જીત્યો 'ગોલ્ડ'

Updated: Aug 7th, 2022

Article Content Image

- 34 વર્ષીય સોનલબેન મનુભાઈ પટેલે બ્રોન્ઝ મેડલના પ્લેઓફમાં ઈંગ્લેન્ડની સૂ બેલીને 11-5, 11-2, 11-3થી હરાવી

બર્મિંગહામ, તા. 07 ઓગષ્ટ 2022, રવિવાર

કોમનવેલ્થ ગેમ્સનો 9મો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ રહ્યો. પહેલવાનોના શાનદાર પ્રદર્શને ભારતને કુસ્તીમાં 3 મેડલ અપાવ્યા. ત્યારે ભારતની સ્ટાર પેરા ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલે પણ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. 

ખાસ વાત એ પણ છે કે, ભાવિના પટેલ ગુજરાતના મહેસાણાની છે અને તેણે વિદેશની ધરતી પર ભારતને આ સિદ્ધિ અપાવી છે. ભાવિનાએ ગત વર્ષે ટોક્યો પેરાલમ્પિક દરમિયાન ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને દેશભરમાં પોતાની ઓળખ બનાવી હતી. 

35 વર્ષીય ભાવિના પટેલે શનિવારે યોજાયેલા ફાઈનલ મુકાબલામાં નાઈજીરિયન ખેલાડીને 3-0થી હરાવીને ખૂબ જ સરળતાથી મેડલ હાંસલ કર્યો હતો. પૈરા ટીટીના ક્લાસ 3-5માં મહિલા સિંગલ્સની ફાઈનલમાં નાઈજીરિયાની ક્રિસ્ટિયાના ઈકપેયોઈએ પડકાર ફેંક્યો હતો. પહેલી અને અંતિમ ગેમમાં નાઈજીરિયન ખેલાડીએ થોડી મુશ્કેલી ઉભી કરેલી પરંતું અંતમાં ભાવિનાએ કોઈ પણ ગેમ ગુમાવ્યા વગર મેચ જીતી લીધી હતી. ભારતીય સ્ટારે 12-10, 11-2, 11-9થી વિજય મેળવીને ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. 

Article Content Image

સોનલબેને બ્રોન્ઝ મેડલ જીત્યો

34 વર્ષીય સોનલબેન મનુભાઈ પટેલે બ્રોન્ઝ મેડલના પ્લેઓફમાં ઈંગ્લેન્ડની સૂ બેલીને 11-5, 11-2, 11-3થી હરાવી હતી. 

1 વર્ષની ઉંમરે થયો પોલિયો

ભાવિના હસમુખભાઈ પટેલ માત્ર એક વર્ષની ઉંમરે પોલિયોના શિકાર બન્યા હતા અને તેમનું જીવન ખૂબ જ સંઘર્ષરત રહ્યું છે. ગુજરાતમાં મહેસાણાના વડનગર ખાતે એક નાનકડાં ગામમાં જન્મેલા ભાવિના પટેલના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી. 6 નવેમ્બર 1986માં જન્મેલા ભાવિના પટેલના પિતાએ તેઓ ચોથા ગ્રેડમાં હતા ત્યારે વિશાખાપટ્ટનમ ખાતે તેમની સારવાર કરાવી હતી પરંતુ કોઈ પરિણામ નહોતું મળ્યું. 

વ્હિલચેર પર જીવન વિતાવવા મજબૂર બનેલા ભાવિના પટેલે 12મા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ લર્નિંગ અંતર્ગત સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે શોખથી ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું અને તે પેશન બની ગયું હતું. 

Article Content Image


Gujarat