IPL 2026 CSK vs KKR: આજે 14 એપ્રિલના રોજ IPL 2026ની 22મી લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુકાબલો રમાયો, જેમાં CSKએ પ્રથમ બેટિંગ કરતાં 193 રનનો ટાર્ગેટ KKRને આપ્યો હતો. જેનો પીછો કરતાં ટીમ KKR માત્ર 7 વિકેટના નુકસાન પર માત્ર 160 રન બનાવી શકી હતી, જેથી ચેન્નાઈ સુપર કિંગ્સનો 32 રને આસાનીથી વિજય થયો હતો.
સ્કોર કાર્ડ
CSK: 192-5(20)
KKR: 160-7(20)
IPL 2026માં કેવું છે બંને ટીમનું પ્રદર્શન
મહત્વનું છે કે કોલકાતા નાઈટ રાઈડર્સની આ સીઝનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. આ ટીમની સતત ચોથી હાર છે. આ પહેલા રમાયેલી ચાર મેચોમાંથી KKRને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સની સ્થિતિ પણ ટેબલ પર બહુ સારી નથી. CSKની આ બીજી જીત છે, આ પહેલા રમેલી ચાર મેચોમાંથી માત્ર એકમાં જીત મેળવી હતી, જ્યારે ત્રણ મેચોમાં તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. કુલ મળીને પાંચ મેચોમાંથી KKR હજુ સુધી એક પણ મેચ જીતી શક્યું નથી, જ્યારે CSKની ત્રણ હાર બાદ સતત બીજી જીત છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ
ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 192 રન સ્કોર બોર્ડ પર લગાવ્યા હતા. ટીમ તરફથી સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતા માત્ર 32 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી સૌથી વધુ 48 રન ફટકાર્યા હતા. જો કે CSKએ જે પ્રકારે શરૂઆત કરી હતી તે મુજબ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. પાવરપ્લેની પ્રથમ 6 ઓવરમાં ચેન્નાઈએ ધમાકેદાર પ્રદર્શન કરતા 72 રન જોડી દીધા હતા, જેને જોતા એક સમયે એવું લાગતું હતું કે ટીમ 230 રનના આંકડા સુધી આરામથી પહોંચી જશે.
પાવરપ્લે બાદ કોલકાતાની વાપસી
પાવરપ્લે બાદ કોલકાતાના બોલરોએ મેચમાં શાનદાર વાપસી કરી હતી અને ચેન્નાઈના બેટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. ખાસ કરીને કાર્તિક ત્યાગીએ શાનદાર બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી હતી. અંતિમ ત્રણ ઓવરોમાં કોલકાતાના બોલરોએ માત્ર 23 રન ખર્ચ્યા હતા, જેના કારણે ચેન્નાઈની ટીમ 200 રનનો આંકડો પણ પાર કરી શકી ન હતી. કાર્તિક ત્યાગીએ ફેંકેલી છેલ્લી ઓવરમાં એક પણ બાઉન્ડ્રી આવી ન હતી.
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન
ચેન્નાઈ સુપર કિંગ્સ
સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ગુર્જપનીત સિંહ.
કોલકાતા નાઈટ રાઈડર્સ
અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, રોવમેન પોવેલ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા.


