ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બન્યો દુનિયાનો પ્રથમ બિલિયોનેર ફૂટબોલર, સંપત્તિ રૂ. 11,760 કરોડને પાર
Cristiano Ronaldo Becomes 1st Billionaire Footballer : ફૂટબોલનો પ્રખ્યાત ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દુનિયાનો પ્રથમ બિલિયોનેર ફૂટબોલર બની ગયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ, રોનાલ્ડોની કુલ સંપત્તિ 1.4 અબજ ડોલર એટલે કે લગભગ 11,760 કરોડ રૂપિયાને પાર થઇ ગઇ છે. આ પહેલીવાર છે જ્યારે રોનાલ્ડોની સંપત્તિ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ બાબતે તેણે પોતાના હરીફ લિયોનલ મેસીને પણ પાછળ છોડી દીધો છે. નોંધનીય છે કે, મેસીની નેટવર્થ 600 મિલિયન ડોલર છે.
રોનાલ્ડોની કમાણીના સ્ત્રોતો
રોનાલ્ડોની કમાણીનો સૌથી મોટો હિસ્સો તેની પગારમાંથી આવે છે. યુરોપમાં તેની પગાર મેસી જેટલી જ હતી, પરંતુ વર્ષ 2023માં જ્યારે તેણે સાઉદી અરેબિયાના અલ-નાસર ક્લબને જોઇન કર્યું ત્યારથી તેની કમાણીમાં મોટો અંતર આવ્યો છે. અલ-નાસર સાથે થયેલી ડીલ મુજબ, તેને ટેક્સ-ફ્રી 200 મિલિયન ડોલર એટલે કે લગભગ 1.68 હજાર કરોડ રૂપિયા વાર્ષિક વેતન અને બોનસના રૂપે અપાયા હતા.
રોનાલ્ડોની કમાણીનો બીજો મોટો સ્ત્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ છે. નાઇકી સાથે તેનું 10 વર્ષનું કરાર છે, જેમાં તેના વાર્ષિક લગભગ 18 મિલિયન ડોલર એટલે કે 151 કરોડ રૂપિયાની આવક થાય છે. આ ઉપરાંત અરમાની અને કેસ્ટ્રોલ જેવી વિવિધ બ્રાન્ડ્સ સાથે પણ તેનું ટાઇ-અપ છે. જેના દ્વારા તેની સંપત્તિમાં 175 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 1.47 હજાર કરોડનો વધારો થયો છે. આ ઉપરાંત તેણે પોતાની સીઆર-7 (CR7) બ્રાન્ડ દ્વારા હોટલ, જીમ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી છે.
સોશિયલ મીડિયા પર પ્રભાવ
સંપત્તિ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ રોનાલ્ડો બાકી ખેલાડીઓ કરતા આગળ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 660 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે, જેનાથી તે દુનિયાનો સૌથી વધુ ફોલો કરાતો વ્યક્તિ પણ બની ગયો છે. જે તેની વૈશ્વિક લોકપ્રિયતા દર્શાવે છે.