Get The App

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિન્કુ સિંહને અંડરવર્લ્ડની ધમકી, ડી કંપનીએ માગ્યા 5 કરોડ, બે પકડાયા

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિન્કુ સિંહને અંડરવર્લ્ડની ધમકી, ડી કંપનીએ માગ્યા 5 કરોડ, બે પકડાયા 1 - image

Team India Rinku Singh: ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતાં સ્ટાર રિન્કુ સિંહને અંડરવર્લ્ડમાંથી પાંચ કરોડ રૂપિયાની ખંડણીની ધમકી મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે, આ ધમકી તેને ડી કંપની અર્થાત મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ગેંગ તરફથી મળી છે. ફેબ્રુઆરીથી એપ્રિલ, 2025 દરમિયાન રિન્કુની પ્રમોશનલ ટીમને ખંડણીની માગ કરતા ત્રણ ધમકીભર્યા મેસેજ મળ્યા હતાં.

જિશાન સિદ્દિકી પાસે પણ ખંડણીની માગ

એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યા બાદ તેમના પુત્ર જિશાન સિદ્દિકી પાસે પણ આ ગેંગે રૂ. 10 કરોડની ખંડણી માગી હતી. આ મામલે ત્રિનિદાદ અને ટોબેગોમાંથી આરોપી મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ નવીદની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, આ ધમકીભર્યા ખંડણીના મેસેજ રિન્કુ સિંહની પ્રમોશનલ ટીમને મળ્યા હતાં. જ્યારે જિશાનને 19-21 એપ્રિલ દરમિયાન ખંડણીના ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતાં. 

ક્રિકેટની દુનિયાનો ઉભરતો સ્ટાર

ઉત્તરપ્રદેશના નાનકડાં શહેર અલીગઢનો રહેવાસી રિન્કુ અત્યંત ગરીબ અને સામાન્ય પરિવારમાંથી આવે છે. તે પોતાની મહેનતના જોર પર ટીમ ઈન્ડિયાનો ઉભરતો સ્ટાર બન્યો છે. તેના પિતા ખાનચંદ સિંહ સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતાં. ક્રિકેટ રમવાના ચક્કરમાં રિન્કુએ ઘણીવખત પિતાના હાથનો માર ખાધો હતો. પરંતુ તે પોતાની અથાગ મહેનત અને પરિશ્રમના જોર પર ક્રિકેટની દુનિયામાં નામ હાંસલ કરવા સફળ રહ્યો છે. 

સાંસદ સાથે કરી સગાઈ

આઈપીએલમાં કોલકાતા નાઈટરાઈડર્સ તરફથી રમનારા રિન્કુ સિંહે એશિયા કપમાં ચોગ્ગો ફટકારી પાકિસ્તાન વિરૂદ્ધ ફાઈનલ મેચની જીતનો હીરો બન્યો હતો. રિન્કુએ જોનપુરના મછલીશહેરમાંથી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી હતી. સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ પ્રિયાના પિતા અનેક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. લખનૌમાં તેમના લગ્ન છે. આ લગ્નમાં અનેક રાજનેતાઓ અને વીઆઈપી હસ્તીઓ હાજર રહેવાનો આશાવાદ છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિન્કુ સિંહને અંડરવર્લ્ડની ધમકી, ડી કંપનીએ માગ્યા 5 કરોડ, બે પકડાયા 2 - image