ક્રિકેટ જગતમાં ધમાકેદાર શરૂઆત કરનારા બે ક્રિકેટર, જે હવે ગુમનામીમાં ખોવાઈ ગયા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Prithvi Shaw And Unmukt Chand: ભારતીય ટીમના બે દિગગ્જ ક્રિકેટરો જેમણે પોતાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો. ત્યારબાદ દિગ્ગજ ક્રિકેટરો સાથ તેમની તુલના થવા લાગી પરંતુ સમયની સાથે-સાથે તેમનું પ્રદર્શન ખરાબ થતું ગયું. એક ક્રિકેટરે તો ભારતીય ટીમ માટે ઈન્ટરનેશનલ ડેબ્યૂ પણ કર્યું, પરંતુ વધુ મેચ ન રમી શક્યો. બીજી તરફ બીજા ખેલાડીને ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાની તક ન મળી, તો તેણે બીજા દેશની રાહ અપનાવી.
અમે વાત કરી રહ્યા છે પૃથ્વી શૉ અને ઉન્મુક્ત ચંદની. એક સમય હતો જ્યારે આ બંને ખેલાડીઓના નામ પર હજારો યુવાનોએ ક્રિકેટર બનવાનું સપનું જોયુ હતું. પરંતુ જેને તેઓ આઈડલ જેને તેઓ આઈડલ માનતા હતા તેઓ એક રીતે ગુમનામીમાં ખોવાઈ ગયા. ક્રિકેટમાં માત્ર ટેલેન્ટ જ મહત્વનું નથી, શિસ્ત, સાતત્ય અને માનસિક મજબૂતી પણ મહત્વની છે. આ ત્રણેય વસ્તુ એક સાથે કદાચ ઉન્મુક્ત અને પૃથ્વીમાં જોવા ન મળી.
ઉન્મુક્ત ચંદ
પહેલા ઉન્મુક્ત ચંદની વાત કરીએ. જ્યારે 2012ના અંડર-19 વર્લ્ડ કપમાં ઉન્મુક્ત ચંદે ઓસ્ટ્રેલિયા સામેની ટાઈટલ મેચમાં અણનમ સદી (111*) ફટકારી હતી, ત્યારે એવું લાગતું હતું કે ટીમ ઇન્ડિયાને ભવિષ્યનો બીજો મોટો સ્ટાર મળી ગયો છે. તેને ટીમ ઈન્ડિયાનો ભાવિ કેપ્ટન કહેવા લાગ્યા, પરંતુ કેપ્ટનશીપની વાત તો છોડી દો તે ક્યારેય સિનિયર ટીમમાં પણ સ્થાન ન મેળવી શક્યો.
તેની પાછળનું કારણ ઉન્મુક્ત ચંદનું ઘરેલુ ક્રિકેટમાં સામાન્ય પ્રદર્શન હતું. ઉન્મુક્ત 8 વર્ષ સુધી ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી માટે રમ્યો અને આ દરમિયાન તે દિલ્હીનો કેપ્ટન પણ બન્યો. પછી તે ઉત્તરાખંડમાં જોડાયો, જ્યાં તેનું પ્રદર્શન એવરેજ રહ્યું. 67 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેની બેટિંગ એવરેજ 31.57 રહી, જે રેડ-બોલ ક્રિકેટની દ્રષ્ટિએ યોગ્ય ન માની શકાય. ઘરેલુ ક્રિકેટ સિવાય ઉન્મુક્ત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ કંઈ ખાસ કરી ન શક્યો. IPLમાં ઉન્મુક્ત 21 મેચ રમ્યો અને 15ની એવરેજથી ફક્ત 300 રન બનાવ્યા. ઉન્મુક્તે IPLમાં દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું.
સિલેક્ટર્સની ઉદાસીનતાએ પણ ઉન્મુક્ત ચંદની ક્રિકેટ કારકિર્દીને પાટા પરથી ઉતારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે ઉન્મુક્ત માટે ટીમ ઈન્ડિયાના દરવાજા સંપૂર્ણપણે બંધ થઈ ગયા, તો તેણે ઓગસ્ટ 2021માં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) ચાલ્યો ગયો. 32 વર્ષીય ઉન્મુક્તને હજુ સુધી USA માટે ડેબ્યૂ કરવાની તક નથી મળી, પરંતુ તે સતત ક્રિકેટ રમી રહ્યો છે.
કારણ કે, હવે ઉન્મુક્ત ચંદનું સપનું અમેરિકન ટીમમાં સ્થાન બનાવવાનું છે, તેથી તેણે હવે વિકેટકીપિંગ પણ શરૂ કરી દીધું છે. ઉન્મુક્ત હાલમાં મેજર લીગ ક્રિકેટ (MLC) 2025માં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ માટે ભાગ લઈ રહ્યો છે. 22 જૂન 2025ના રોજ ઉન્મુક્તે સિએટલ ઓર્ક્સ સામે 58 બોલમાં અણનમ 86 રન બનાવીને તેની ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો. આ ઈનિંગ દ્વારા તેણે દુનિયાને બતાવ્યું કે તેનામાં હજુ પણ ઘણું ક્રિકેટ બાકી છે.
પૃથ્વી શૉ
હવે વાત કરીએ પૃથ્વી શૉ ની. 25 વર્ષીય પૃથ્વીને ખૂબ જ નાની ઉંમરે ખ્યાતિ મળી ગઈ, પરંતુ ધીમે-ધીમે તે રમતગમત સિવાય અન્ય કારણોસર ચર્ચામાં આવ્યો. પૃથ્વી શૉએ 2013માં એક ક્લબ મેચમાં 500થી વધુ રન બનાવ્યા હતા. બાદમાં 2018માં પૃથ્વીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને અંડર-19 ચેમ્પિયન બનાવી હતી. તે જ વર્ષે તેણે રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને સદી ફટકારીને છવાઈ ગયો. ત્યારબાદ તેની તુલના સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ જેવા મહાન ખેલાડીઓ સાથે થવા લાગી.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તો એક વીડિયોમાં પૃથ્વીને 'આગામી સચિન તેંડુલકર' તરીકે પણ નામ આપી દીધુ હતું. ત્યારે એવું લાગવા લાગ્યું હતું કે, પૃથ્વી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રનનો પહાડ બનાવશે. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. પૃથ્વીએ ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી મેચ 25 જુલાઈ 2021ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે રમી હતી. તે પૃથ્વીની T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ મેચ પણ હતી, જેમાં તે પોતાનું ખાતું પણ નહોતો ખોલી શક્યો. તે મેચ પછી તેને ભારત માટે રમવાની તક ન મળી. પૃથ્વી માટે ટીમ ઈન્ડિયા હવે એક દૂરનું સપનું છે, તે ઘરેલુ ક્રિકેટ પણ યોગ્ય રીતે નથી રમી શકતો.
રણજી ટ્રોફીની છેલ્લી સીઝનમાં પૃથ્વી શોને મુંબઈની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેની પાછળનું સૌથી મોટું કારણ તેની ખરાબ ફિટનેસ હતી. જોકે, પૃથ્વીને મુશ્તાક અલી ટ્રોફી 2024-25 માટે ટીમમાં સ્થાન મળ્યું હોવા છતાં, તેનું વિજય હજારે ટ્રોફી 2024-25 માટે સિલેક્શન ન થયું. એટલું જ નહીં પૃથ્વી આઈપીએલ 2025નો ભાગ પણ ન બની શક્યો કારણ કે તે મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો.
પૃથ્વી શોનો વિવાદો સાથે પણ નાતો જોડાયેલો રહ્યો છે. વર્ષ 2019માં ડોપિંગના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૃથ્વી પર 8 મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો. પૃથ્વી વિશે એવા અહેવાલો પણ આવ્યા હતા કે ડ્રેસિંગ રૂમમાં તેનું વર્તન સારું નહોતું. કોરોના મહામારી દરમિયાન તેના પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કારણ કે તે ઈ-પાસ વિના રજા માણવા ગોવા નીકળી પડ્યો હતો. વર્ષ 2023માં પૃથ્વીનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સપના ગિલ અને તેના મિત્રો સાથે ઝઘડો થયો હતો. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને હજુ પણ સંપૂર્ણપણે ઉકેલાયો નથી.
ભારતીય ટીમ માટે પૃથ્વી શો અત્યાર સુધીમાં 5 ટેસ્ટ, 6 વન-ડે અને 1 T20 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે ટેસ્ટ મેચોમાં 339 રન અને વન-ડેમાં 189 રન બનાવ્યા છે. પૃથ્વી થોડા સમય પહેલા મુંબઈ T20 લીગમાં નોર્થ મુંબઈ પેન્થર્સ તરફથી રમતા જોવા મળ્યો હતો. હવે તે આગામી સ્થાનિક સિઝન માટે તૈયારી શરૂ કરશે. આમ પણ હવે પૃથ્વી આગામી સ્થાનિક સિઝનમાં મુંબઈ સિવાય અન્ય કોઈ રાજ્ય સંઘ માટે રમવા માંગે છે, જેથી તે તેના ક્રિકેટ કારકિર્દીને એક નવું પરિમાણ આપી શકે. તેના માટે તેણે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવા વિનંતી કરી છે. હવે જોવાનું એ રહે છે કે ટીમ બદલ્યા પછી પૃથ્વીનું નસીબ બદલાય છે કે નહીં.








