India Vs Australia : જાણો, ક્યારથી રમાશે ત્રણ T20, ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચ
- ઑસ્ટ્રેલિયાએ ભારત સામેની મેચનો કાર્યક્રમ જાહેર કર્યો
નવી દિલ્હી, તા. 28 મે 2020, ગુરુવાર
કોરોના વાયરસને કારણે ક્રિકેટ મેચ ઠપ પડી છે પરંતુ ક્રિકેટ રસિકો માટે એક સારા સમાચાર છે. ઑસ્ટ્રેલિયાએ ભારત સામેની મેચનું શેડ્યુલ જાહેર કરી દીધું છે. ભારતની ઑસ્ટ્રેલિયા મુલાકાત ઑક્ટોબરથી શરૂ થશે. જેમાં ત્રણ મેચ ટી-20 સીરીઝ, ચાર મેચની ટેસ્ટ સીરીઝ અને અંતે 3 મેચની વનડે સીરીઝ રમવામાં આવશે. T-20 સીરીઝ 11 ઑક્ટોબરે શરૂ થશે, ત્યારે ટેસ્ટ સીરીઝ 3 ડિસેમ્બરથી શરૂ થશે. વન-ડે સીરીઝની પ્રથમ મેચ 12 જાન્યુઆરીએ રમવામાં આવશે.
T-20 સીરીઝનું કાર્યક્રમ
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T-20 મેચ બ્રિસબેનમાં 11 ઑક્ટોબરમાં રમવામાં આવશે. બીજી T-20 મેચ કેનબરામાં 14 ઑક્ટોબરે અને ત્રીજી ટી-20 મેચ 17 ઑક્ટોબરે એડિલેડમાં યોજાશે.
ટેસ્ટ સીરીઝનો કાર્યક્રમ
પહેલી ટેસ્ટ મેચ બ્રિસબેનમાં 3 ડિસેમ્બરથી શરૂ થશે. બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં 11 ડિસેમ્બરે રમવામાં આવશે. ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરે મેલબર્નમાં રમાશે. સીરીઝની છેલ્લી મેચ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 3 જાન્યુઆરીએ શરૂ થશે.
વનડે સીરીઝનો કાર્યક્રમ
વનડે સીરીઝની પ્રથમ મેચ પર્થમાં 12 જાન્યુઆરીએ શરૂ થશે. બીજી વનડે મેલબર્નમાં 15 જાન્યુઆરીએ રમવામાં આવશે અને ત્રીજી વનડે સિડનીમાં 17 જાન્યુઆરીએ યોજાશે.
ટી-20 અને વનડે તો ઠીક છે પરંતુ ભારત માટે ટેસ્ટ સીરીઝ ખૂબ જ મહત્ત્વનું ચેલેન્જ રહેશે કારણ કે ભારતની ટેસ્ટ સીરીઝની પહેલી મેચ બ્રિસ્બેનમાં રમાશે જ્યાં ઑસ્ટ્રેલિયા 1988થી હાર્યુ નથી. ત્યારબાદ ભારતીય ટીમ માત્ર બીજીવાર ડે-નાઇટ ટેસ્ટ રમાવા માટે જશે, જે એડિલેડમાં રમાશે. ભારતે પિન્ક બૉલથી માત્ર 1 ટેસ્ટ મેચ રમી છે તે પણ બાંગ્લાદેશ વિરુદ્ધ, ત્યારે ઑસ્ટ્રેલિયાની ટીમ 8 ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી ચુકી છે અને તે એક પણ મેચ હારી નથી. ઑસ્ટ્રેલિયાએ 7 ડે-નાઇટ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે અને એક મેચ ડ્રો રહી છે. એવામાં સીરીઝના પહેલા 2 ટેસ્ટ મેચ જ ભારત માટે અઘરી પરીક્ષા સમાન છે.