મોહમ્મદ શમીને ફરી ટીમ ઈન્ડિયાથી પડતું મૂકાતા ભડક્યાં કોચ, પસંદગીકારો સામે તાક્યું નિશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mohammad Shami News : અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ન્યૂઝીલેન્ડ સામેની આગામી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન ન મળતા વિવાદ સર્જાયો છે. ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરવા છતાં, પસંદગીકારોએ 50-ઓવરના ફોર્મેટમાં મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા બોલરો પર પસંદગી ઉતારી છે. આ નિર્ણય બાદ શમીના અંગત કોચ અને બંગાળના હેડ કોચ લક્ષ્મી રતન શુક્લાએ પસંદગી સમિતિ પર નારાજગી વ્યક્ત કરી છે.
પસંદગીકારો પર ભડક્યા શમીના કોચ
ટીમની જાહેરાત બાદ મોહમ્મદ શમીના અંગત કોચે પસંદગીના નિર્ણય પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. ઇન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું, "હવે એ સમજની બહાર છે કે ભારતીય ટીમમાં વાપસી માટે કોઈ ખેલાડીએ બીજું શું કરવું પડશે. એક ખેલાડી આનાથી વધુ શું કરી શકે? તેણે હજુ કેટલી વિકેટ લેવી પડશે?". તેમને આશંકા છે કે પસંદગીકારો હવે શમીથી આગળ વધી ચૂક્યા છે. તેમણે કહ્યું, "આનો સ્પષ્ટ અર્થ છે કે તેઓ તેને વનડે ટીમમાં નથી ઈચ્છતા, જ્યારે શમીમાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે.".
ઘરેલુ ક્રિકેટમાં શમીનું સતત શાનદાર પ્રદર્શન
મોહમ્મદ શમી વર્તમાન ઘરેલુ સિઝનમાં દરેક ટૂર્નામેન્ટમાં વિકેટ લઈ રહ્યો છે. વિજય હઝારે ટ્રોફીમાં અત્યાર સુધી રમાયેલી પાંચ મેચોમાં તેણે 11 વિકેટ ઝડપી છે. બંગાળ માટે આસામ સામેની તાજેતરની મેચમાં શમીએ 55 રન આપીને 3 વિકેટ લીધી હતી, જેના કારણે વિપક્ષી ટીમ 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
બંગાળના હેડ કોચે પણ ઉઠાવ્યા સવાલ
બંગાળના હેડ કોચ અને પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ પણ પસંદગી સમિતિના નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું, "પસંદગી સમિતિએ મોહમ્મદ શમી સાથે અન્યાય કર્યો છે. તાજેતરના સમયમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય ખેલાડીએ ઘરેલુ ક્રિકેટમાં શમી જેટલી મહેનત અને પ્રતિબદ્ધતા નથી બતાવી. ઘરેલુ ક્રિકેટમાં આટલો પરસેવો પાડ્યા પછી પણ શમી સાથે જે થયું, તે શરમજનક છે."
અવગણવામાં આવેલા આંકડા
મોહમ્મદ શમીએ આ સિઝનમાં ઘરેલુ ક્રિકેટમાં અત્યાર સુધી 16 મેચોમાં કુલ 47 વિકેટ લીધી છે, તેમ છતાં તેની અવગણના કરવામાં આવી.
રણજી ટ્રોફી: 4 મેચમાં 20 વિકેટ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: 7 મેચમાં 16 વિકેટ
વિજય હઝારે ટ્રોફી: 5 મેચમાં 11 વિકેટ
શમીએ છેલ્લે માર્ચ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત માટે રમ્યો હતો.
ન્યૂઝીલેન્ડ સામે ભારતની વનડે ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ.









