Sports

ચિનમય સુથારના અણનમ 400 રન: બ્રાયન લારાના ટેસ્ટ રેકોર્ડની બરાબરી કરી, લક્ષ્મણ-ગાવસ્કર-પુજારાનો તોડ્યો રેકોર્ડ

By GS Team
19 Oct 20266 mins read
TukuTouch Logo
રણજી ટ્રોફી 2026-27 સીઝનમાં મિઝોરમના ચિનમય સુથારે નાગાલેન્ડ સામે 400 રનની અણનમ ઇનિંગ રચી ઇતિહાસ સર્જ્યો છે. દીમાપુર ખાતે રમાયેલી પ્લેટ ગ્રુપ મેચમાં ચિનમયે બ્રાયન લારાના 400 રનના રેકોર્ડની બરાબરી કરી. 78 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં આ કીર્તિમાન નોંધાયો છે, જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 400 રન બનાવનાર 10મો બેટ્સમેન બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચિનમય સુથારના અણનમ 400 રન: બ્રાયન લારાના ટેસ્ટ રેકોર્ડની બરાબરી કરી, લક્ષ્મણ-ગાવસ્કર-પુજારાનો તોડ્યો રેકોર્ડ

Ranji Trophy, Chinmay Sutar Cricket Record : રણજી ટ્રોફી 2026-27 સીઝનમાં પ્લેટ ગ્રુપ મુકાબલામાં મિઝોરમના બેટ્સમેન ચિનમય સુથારે નાગાલેન્ડ સામે અણનમ 400 રનની અસાધારણ ઈનિંગ રમીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં નવો ઇતિહાસ રચી દીધો છે. નાગાલેન્ડના સોવિમા (દીમાપુર) ખાતે રમાઈ રહેલી આ મેચમાં ચિનમયે ક્રિકેટના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ વેસ્ટ ઈન્ડિઝ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં નોંધાવેલા અણનમ 400 રનના સ્કોરની બરાબરી કરી છે. આ સાથે જ તેણે રણજી ટ્રોફીમાં પૃથ્વી શૉ, સુનીલ ગાવસ્કર, ચેતેશ્વર પુજારા અને વીવીએસ લક્ષ્મણ જેવા ખેલાડીઓના રેકોર્ડ તોડી નાખ્યા છે.

મિઝોરમનો પ્રથમ દાવ 581/9 પર ડિક્લેર

ચિનમયની આ અસાધારણ ચોથી સદીની મદદથી મિઝોરમે પ્રથમ દાવમાં 154.1 ઓવરમાં 9 વિકેટે 581 રનનો વિશાળ સ્કોર ખડકીને ઈનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી. વિશાળ લક્ષ્યાંકના દબાણ સામે દિવસના અંત સુધીમાં નાગાલેન્ડે 13 ઓવરમાં 1 વિકેટે 50 રન બનાવી લીધા છે અને ટીમ હજુ 531 રન પાછળ હોવાથી પ્રથમ ઇનિંગ્સના આધારે મિઝોરમની સ્થિતિ અત્યંત મજબૂત જોવા મળી રહી છે.

રણજી ટ્રોફીમાં 78 વર્ષ બાદ બીજી વખત બન્યો 400 રનનો કીર્તિમાન

ચિનમય સુથાર રણજી ટ્રોફીના ઇતિહાસમાં 400 રનની ઈનિંગ રમનારો માત્ર બીજો બેટ્સમેન બન્યો છે. તેણે પૃથ્વી શૉના અણનમ 379 રનના સ્કોર અને સંજય માંજરેકરના 377 રન સહિત અનેક દિગ્ગજ બેટ્સમેનોના રેકોર્ડ તોડ્યા છે. રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી પહેલી વાર વર્ષ 1948-49માં મહારાષ્ટ્રના બેટ્સમેન બી. બી. નિમ્બાલકરે કાઠિયાવાડ સામે અણનમ 443 રનની ઈનિંગ રમીને આ સિદ્ધિ મેળવી હતી. હવે પૂરા 78 વર્ષ બાદ કોઈ અન્ય બેટ્સમેને આ ટૂર્નામેન્ટમાં 400 રનનો આંકડો પાર કર્યો છે. આ યાદીમાં ત્રીજા નંબરે પૃથ્વી શૉ છે, જેણે 2022-23માં અસમ સામે 379 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, ચિનમય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના સમગ્ર ઇતિહાસમાં 400 રનની ઈનિંગ રમનારો વિશ્વનો 10મો ખેલાડી પણ બની ગયો છે.

રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ રમનારા બેટ્સમેન

  • 443* રન: બી. બી. નિમ્બાલકર (મહારાષ્ટ્ર વિ. કાઠિયાવાડ, વર્ષ 1948/49)
  • 400* રન: ચિનમય સુથાર (મિઝોરમ વિ. નાગાલેન્ડ, વર્ષ 2026-27)
  • 379 રન: પૃથ્વી શૉ (મુંબઈ વિ. અસમ, વર્ષ 2022/23)
  • 377 રન: સંજય માંજરેકર (બોમ્બે વિ. હૈદરાબાદ, વર્ષ 1990/91)
  • 366 રન: એમ. વી. શ્રીધર (હૈદરાબાદ વિ. આંધ્ર, વર્ષ 1993/94)
  • 366 રન: તન્મય અગ્રવાલ (હૈદરાબાદ વિ. અરુણાચલ પ્રદેશ, વર્ષ 2023/24)
  • 359* રન: વિજય મર્ચન્ટ (બોમ્બે વિ. મહારાષ્ટ્ર, વર્ષ 1943/44)
  • 359* રન: સમિત ગોહેલ (ગુજરાત વિ. ઓડિશા, વર્ષ 2016/17)
  • 353 રન: વી. વી. એસ. લક્ષ્મણ (હૈદરાબાદ વિ. કર્ણાટક, વર્ષ 1999/00)
  • 352 રન: ચેતેશ્વર પુજારા (સૌરાષ્ટ્ર વિ. કર્ણાટક, વર્ષ 2012/13)
  • 351* રન: સ્વપ્નિલ ગુગલે (મહારાષ્ટ્ર વિ. દિલ્હી, વર્ષ 2016/17)
  • 343 રન: પુનીત બિષ્ટ (મેઘાલય વિ. સિક્કિમ, વર્ષ 2018/19)
  • 341 રન: સાકિબુલ ગની (બિહાર વિ. મિઝોરમ, વર્ષ 2021/22)
  • 340 રન: સુનીલ ગાવસ્કર (મુંબઈ વિ. બંગાળ, વર્ષ 1981/82)
  • 338 રન: પ્રશાંત ચોપરા (હિમાચલ પ્રદેશ વિ. પંજાબ, વર્ષ 2017/18)

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમનારા બેટ્સમેનોની યાદી

  • બ્રાયન લારા: 501* રન (427 બોલ, 62 ચોગ્ગા, 10 છગ્ગા) – વાર્વિકશાયર વિ. ડરહામ, બર્મિંગહામ (2 જૂન 1994)
  • હનીફ મોહમ્મદ: 499 રન (64 ચોગ્ગા, 0 છગ્ગા) – કરાચી વિ. બહાવલપુર, કરાચી (8 જાન્યુઆરી 1959)
  • ડોન બ્રેડમેન: 452* રન (465 બોલ, 49 ચોગ્ગા, 9 છગ્ગા) – ન્યૂ સાઉથ વેલ્સ (NSW) વિ. ક્વીન્સલેન્ડ, સિડની (3 જાન્યુઆરી 1930)
  • બી. બી. નિમ્બાલકર: 443* રન (49 ચોગ્ગા, 1 છગ્ગો) – મહારાષ્ટ્ર વિ. કાઠિયાવાડ, પુણે (16 ડિસેમ્બર 1948)
  • બિલ પોન્સફોર્ડ: 437 રન (42 ચોગ્ગા, 0 છગ્ગા) – વિક્ટોરિયા વિ. ક્વીન્સલેન્ડ, મેલબોર્ન (16 ડિસેમ્બર 1927)
  • બિલ પોન્સફોર્ડ: 429 રન (42 ચોગ્ગા, 0 છગ્ગા) – વિક્ટોરિયા વિ. તસ્માનિયા, મેલબોર્ન (2 ફેબ્રુઆરી 1923)
  • આફતાબ બલોચ: 428 રન (25 ચોગ્ગા, 0 છગ્ગા) – સિંધ વિ. બલૂચિસ્તાન, કરાચી (18 ફેબ્રુઆરી 1974)
  • આર્ચી મેકલારેન: 424 રન (62 ચોગ્ગા, 1 છગ્ગો) – લંકાશાયર વિ. સમરસેટ, ટોન્ટન (15 જુલાઈ 1895)
  • સેમ નોર્થઈસ્ટ: 410* રન (450 બોલ, 45 ચોગ્ગા, 3 છગ્ગા) – ગ્લેમોર્ગન વિ. લિસેસ્ટરશાયર, લિસેસ્ટર (20 જુલાઈ 2022)
  • ગ્રીમ હિક: 405* રન (469 બોલ, 35 ચોગ્ગા, 11 છગ્ગા) – વોર્સેસ્ટરશાયર વિ. સમરસેટ, ટોન્ટન (5 મે 1988)
  • બ્રાયન લારા: 400* રન (582 બોલ, 43 ચોગ્ગા, 4 છગ્ગા) – વેસ્ટ ઈન્ડિઝ વિ. ઈંગ્લેન્ડ, સેન્ટ જોન્સ (10 એપ્રિલ 2004)
  • ચિનમય સુથાર: 400* રન (517 બોલ, 46 ચોગ્ગા, 7 છગ્ગા) – મિઝોરમ વિ. નાગાલેન્ડ, દીમાપુર (19 ઓક્ટોબર 2026)

ચિનમય સુથારની ઐતિહાસિક અણનમ 400 રનની મેરેથોન ઈનિંગ

આ મેચનું સૌથી મોટું આકર્ષણ ચિનમય સુથારની અદ્ભુત અને ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી ઈનિંગ રહી છે. ચિનમય સુથારે નાગાલેન્ડના બોલરો સામે ચોમેર શોટ્સ ફટકારીને અણનમ 400 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. તેણે માત્ર 517 બોલનો સામનો કરતા 46 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી આ અસાધારણ કારનામો કરી બતાવ્યો હતો. તેણે ક્રિઝ પર અડીખમ રહીને ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી દીધી હતી.

જેહુ એન્ડરસનની અડધી સદી અને મિઝોરમના બેટર્સનું પ્રદર્શન

મિઝોરમ તરફથી ઓપનર લાલહ્રુઆઈઝેલાએ 63 બોલમાં 6 ચોગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા અને સાહિલ રઝાએ 22 બોલમાં 4 રન કર્યા હતા. ચિનમય સુથારના અણનમ 400 રન સિવાય કેપ્ટન જોસેફ લાલથાનખુમા 4 બોલમાં 1 રન બનાવી આઉટ થયા હતા. મનિન્દર સિંહે 39 બોલમાં 5 ચોગ્ગા સાથે 27 રન અને જેહુ એન્ડરસને 151 બોલમાં 9 ચોગ્ગા સાથે મહત્વપૂર્ણ 69 રન જોડ્યા હતા. નીચલા ક્રમે ખિયાંગતે વાનરોટલિંગાએ 22 બોલમાં 2 રન, કુલદીપ યાદવે 17 બોલમાં 5 રન, બોબી ઝોથાનસંગા અને રેમરૂઆતદિકા રાલ્ટે 0 રને આઉટ થયા હતા, જ્યારે લાલરેમપુઈઆ 76 બોલમાં 3 ચોગ્ગા સાથે 14 રન બનાવી અણનમ રહ્યા હતા. આ ઇનિંગ્સ દરમિયાન એક્સ્ટ્રા તરીકે 28 રન મળ્યા હતા.

મિઝોરમની વિકેટ પડવાનો ક્રમ

મિઝોરમની પ્રથમ વિકેટ સાહિલ રઝાના રૂપમાં 13 રને (7.1 ઓવર) પડી હતી. ત્યારબાદ બીજી વિકેટ લાલહ્રુઆઈઝેલા (82 રન, 21 ઓવર), ત્રીજી વિકેટ જોસેફ લાલથાનખુમા (86 રન, 22.5 ઓવર), ચોથી વિકેટ મનિન્દર સિંહ (146 રન, 35.4 ઓવર) અને પાંચમી વિકેટ જેહુ એન્ડરસન (314 રન, 84.1 ઓવર)ની પડી હતી. છઠ્ઠી વિકેટ ખિયાંગતે વાનરોટલિંગા (335 રન, 91.3 ઓવર), સાતમી વિકેટ કુલદીપ યાદવ (349 રન, 97.1 ઓવર), આઠમી વિકેટ બોબી ઝોથાનસંગા (349 રન, 97.2 ઓવર) અને નવમી વિકેટ રેમરૂઆતદિકા રાલ્ટેના રૂપમાં 392 રને (108 ઓવર) પડી હતી.

નાગાલેન્ડના બોલરોનું પ્રદર્શન

નાગાલેન્ડ તરફથી બોલિંગ કરતા અનિલ ગુપ્તાએ 34 ઓવરમાં 2 મેડન નાખીને 143 રન આપી સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. નાઇઝેખો રૂપ્રિઓએ 35 ઓવરમાં 3 મેડન સાથે 113 રન આપી 2 વિકેટ અને સૌરવ કુમારે 28.1 ઓવરમાં 5 મેડન સાથે 115 રન આપી 2 વિકેટ લીધી હતી. નાગાહો ચિશી (24 ઓવર, 7 મેડન, 52 રન) અને રોંગસેન જોનાથન (16 ઓવર, 2 મેડન, 83 રન)ને 1-1 વિકેટ મળી હતી. અકામુ સુમીએ 7 ઓવરમાં 25 રન, હોકાઇટો ઝિમોમીએ 5 ઓવરમાં 1 મેડન સાથે 14 રન, જોશુઆ ઓઝુકુમે 4 ઓવરમાં 14 રન અને સેદેઝાલી રૂપ્રિઓએ 1 ઓવરમાં 3 રન આપ્યા હતા, પરંતુ તેમને કોઈ વિકેટ મળી નહોતી.

581 રનના જવાબમાં નાગાલેન્ડના બેટરોનું પ્રદર્શન

જવાબી ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતરેલી નાગાલેન્ડની ટીમ તરફથી ઓપનર જોશુઆ ઓઝુકુમે 45 બોલમાં 4 ચોગ્ગા સાથે અણનમ 23 રન બનાવ્યા છે. બીજો ઓપનર અકામુ સુમી 7 બોલ રમીને કોઈ રન બનાવ્યા વગર શૂન્ય પર આઉટ થયો હતો. ત્રીજા નંબરે બેટિંગમાં આવેલ સેદેઝાલી રૂપ્રિઓએ 28 બોલમાં 1 ચોગ્ગા સાથે અણનમ 11 રન બનાવ્યા છે. આ ઉપરાંત નાગાલેન્ડને ઇનિંગ્સમાં 16 એક્સ્ટ્રા રન મળ્યા છે.

મિઝોરમના બોલરોનું પ્રદર્શન

મિઝોરમ તરફથી પ્રથમ ઇનિંગ્સમાં બોલિંગ કરતા ખિયાંગતે વાનરોટલિંગાએ 6 ઓવરમાં 2 મેડન નાખી માત્ર 11 રન આપીને એકમાત્ર સફળતા (1 વિકેટ) મેળવી હતી. કુલદીપ યાદવે 3 ઓવરમાં 1 મેડન સાથે 19 રન આપ્યા હતા. રેમરૂઆતદિકા રાલ્ટેએ 3 ઓવરમાં 10 રન અને બોબી ઝોથાનસંગાએ 1 ઓવરમાં 1 રન આપ્યો હતો, પરંતુ આ ત્રણેય બોલરોને હજુ સુધી કોઈ વિકેટ મળી નથી.