‘ફરી ક્યારેય નહીં રમી શકું...’, 3 મેચ બાદ ટીમ ઈન્ડિયામાંથી બહાર થયેલા ઝડપી બોલરનું દર્દ છલકાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chetan Sakariya : ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફરવા બદલ ખુશી વ્યક્ત કરી છે. તેને વર્ષ 2024ની શરૂઆતમાં ડાબા હાથના કાંડામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી બહાર હતો, જોકે હવે તેણે વિજય હઝારે ટ્રોફી દ્વારા સૌરાષ્ટ્રની ટીમમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ફેબ્રુઆરી 2024 પછી આ તેની પ્રથમ મેચ હતી.
ક્રિકેટના મેદાનમાં પરત ફરતાં સાકરિયા ખુશ
સાકરિયાએ ઈજાના દુઃખ સમયને યાદ કરતા કહ્યું કે, ‘જ્યારે મને ઈજા થઈ હતી, ત્યારે હું માનસિક રીતે ભાંગી પડ્યો હતો. મને ઈજા થઈ ત્યારે મને લાગ્યું હતું કે હું ક્યારેય ફરી મેચ નહીં રમી શકું. કેટલાક ડોક્ટરોએ તો એવું કહી દીધું હતું કે કદાચ હું ફરી ક્યારેય બોલને સરખી રીતે પકડી પણ નહીં શકું. એ સમયે મારો આત્મવિશ્વાસ ડગી ગયો હતો. જોકે, હવે મેદાનમાં પરત ફરીને હું ખૂબ જ હળવાશ અને આનંદ અનુભવી રહ્યું છે.’
2021માં સાકરિયાના પિતા અને ભાઈનું મોત થયું હતું
માત્ર મેદાન પર જ નહીં, 27 વર્ષીય ચેતન સાકરિયાએ અંગત જીવનમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોયા છે. વર્ષ 2021માં તેણે પોતાના પિતા અને નાના ભાઈને ગુમાવ્યા હતા. આ દુઃખ સમયને યાદ કરતા તેણે કહ્યું કે, ‘મારા જીવનમાં જે પરિસ્થિતિઓ આવી તે અણધારી હતી. જો હું ક્રિકેટર ન હોત, તો કદાચ વાસ્તવિક જીવનમાં પરત ફરવું મારા માટે અશક્ય હોત. તે દુઃખદ સમયે મને જીવન અને કરિયરની નિષ્ફળતાઓ સામે લડતા શીખવ્યું છે.’
સલાકરિયાએ દેશ તરફથી એક વન-ડે, બે T20 આંતરરાષ્ટ્રીય મેચ
ભારત તરફથી એક વન-ડે અને બે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલો સાકરિયા હવે ફરી રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવવા માંગે છે. તે માને છે કે આ માટે તેણે સખત મહેનત અને ટેકનિકમાં સુધારો કરવો પડશે. હાલમાં તે પોતાની લય પાછી મેળવવા માટે દિવસ-રાત પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો : સપના સાચા નથી થતા... 75 બોલમાં 157 રન ફટકાર્યા બાદ ભારતીય ખેલાડીનું દર્દ છલકાયું









