Get The App

ચેન્નઈ સુપરકિંગ્સને મોટો ઝટકો, ક્વાડ્રિસેપ્સ ઈન્જરીને કારણે સ્ટાર બોલર IPLની અધવચ્ચે બહાર!

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
ચેન્નઈ સુપરકિંગ્સને મોટો ઝટકો, ક્વાડ્રિસેપ્સ ઈન્જરીને કારણે સ્ટાર બોલર IPLની અધવચ્ચે બહાર! 1 - image

IPL 2026, CSK: ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સને IPL 2026 વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે. એમએસ ધોનીની ઈજા પહેલાથી જ CSK ને પરેશાન કરી રહી છે, અને ચાહકો તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ચેન્નાઈ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે CSKના ફાસ્ટ બોલર ખલીલ અહેમદ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે સત્તાવાર રીતે તેની જાહેરાત કરી દીધી છે. જોકે, તેના રિપ્લેસમેન્ટનું એલાન હજું સુધી કરવામાં નથી આવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ 18 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે.

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર ખલીલ અહેમદ ક્વાડ્રિસેપ્સ ઈજાને કારણે IPLમાંથી બહાર થઈ ગયો છે. ખલીલ અહેમદ, જે અત્યાર સુધી CSK દ્વારા રમાયેલી પાંચેય મેચનો ભાગ રહી ચૂક્યા છે, તેણે 14 એપ્રિલે કેકેઆર સામેની પાછલી મેચ દરમિયાન જમણા હિપમાં દુ:ખાવો હોવાની વાત કહી હતી. 


ટુર્નામેન્ટના શરૂઆતના સ્ટેજમાં તે CSK માટે સૌથી સારું પ્રદર્શન કરનારાઓમાંનો એક હતો. IPLના એક સોર્સે કહ્યું કે, 'આ ગ્રેડ 2 ટીયર છે અને રિહેબમાં ઓછામાં ઓછા 10-12 અઠવાડિયા લાગશે.'

ડાબા હાથના આ પેસરે ભારત માટે 11 વનડે અને 18 T20 મેચ રમી છે, જેમાંથી છેલ્લી મેચ તે જુલાઈ 2024માં રમ્યો હતો. 

એમએસ ધોનીની ક્યારે થશે વાપસી?

એક અહેવાલ પ્રમાણે ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો પહેલો મુકાબલો 23 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે હોઈ શકે છે. CSKના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 44 વર્ષીય ધોની, જે પ્રી-સીઝન કેમ્પમાં પિંડલીમાં ઈજા (Calf Strain)થી પીડાયા બાદથી બહાર હતો, તે હવે સંપૂર્ણ ફિટ હોવાની નજીક છે.

CSKની આગામી મેચ 18 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. આનો અર્થ એ થયો કે ધોની આ મેચ માટે પણ ઉપલબ્ધ રહેશે નહીં.

આ પણ વાંચો: વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ કરનારા બાંગ્લાદેશી બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

CSKનું IPL 2026માં પ્રદર્શન

CSKએ IPL 2026માં અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. પહેલી ત્રણ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઘરઆંગણે છેલ્લી બે મેચ જીતી છે. CSK માટે સારા સમાચાર એ છે કે ઓપનર સંજુ સેમસન રન બનાવી રહ્યો છે. હવે એવું લાગે છે કે ચેન્નાઈની ગાડી પાછી ટ્રેક પર આવી ગઈ છે. જોકે, IPL 2026 પોઈન્ટ ટેબલમાં તે 8મા સ્થાને છે.