KKRને IPL ચેમ્પિયન બનાવનારા મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત ટીમથી થયા અલગ, 2022માં જોડાયા હતા
KKR Coach Chandrakant Pandit : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ત્રણ સીઝન પછી તેમના મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતથી અલગ થવાનો નિર્ણય લીધો છે. પંડિત ઓગસ્ટ 2022 માં KKR માં જોડાયા હતા, જ્યારે બ્રેન્ડન મેક્કુલમને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. પૂર્વ ભારતીય વિકેટકીપર-બેટર પંડિત જ્યારે ટીમના કોચ હતા, ત્યારે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ એક દાયકા પછી KKR એ 2024માં આઈપીએલ ટ્રોફી જીતી હતી.
તેમના અમૂલ્ય યોગદાન માટે અમે આભારી છીએ
આ નિર્ણય અંગે માહિતી આપતા ફ્રેન્ચાઇઝીએ મંગળવારે (29 જુલાઈ)ના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ચંદ્રકાંત પંડિત હવે નવી તકો શોધવા માંગે છે અને કોલકાતા નાઈટ રાઈડર્સના મુખ્ય કોચ તરીકેની તેમની ભૂમિકામાં ચાલુ નહીં રહે. તેમના અમૂલ્ય યોગદાન માટે અમે આભારી છીએ. જેમાં 2024 માં TATA IPL ટાઇટલ જીતવું અને એક મજબૂત ટીમ બનાવવી શામેલ છે. તેમના નેતૃત્વ અનુશાસન ટીમ પર કાયમી અસર છોડી છે. અમે તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.'
પંડિતના કોચિંગ હેઠળ KKR એ ત્રણ સીઝનમાં કુલ 42 મેચ રમી
પંડિતના કોચિંગ હેઠળ KKR એ ત્રણ સીઝનમાં કુલ 42 મેચ રમી હતી. જેમાંથી 22 જીતી અને 18 હાર (2 મેચનું કોઈ પરિણામ નથી આવ્યું.) જોકે, 2025 સીઝનમાં KKR નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને ટીમ 14 માંથી માત્ર 5 મેચ જીતી શકી. જેમાં પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી. KKR એ હજુ સુધી ચંદ્રકાંત પંડિતના સ્થાને નવા કોચ અંગેની કોઈ જાહેરાત કરી નથી.