વિખ્યાત બોડીબિલ્ડરની હત્યા; ઝઘડો થયા બાદ ગર્લફ્રેન્ડે જ ચાકુથી કર્યા હતા પ્રહાર
Valter de Vargas Aita Murder: બ્રાઝિલના બોડીબિલ્ડિંગ ચેમ્પિયન વાલ્ટર ડી વર્ગાસ એટાનું નિધન થઈ ગયું છે. રવિવાર, 7 સપ્ટેમ્બરના ના રોજ તેમની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી હતી. 41 વર્ષીય વર્ગાસ એટાની હત્યા તેની ગર્લફ્રેન્ડે કરી નાખી છે. અહેવાલો પ્રમાણે સાંતા કેટરીનાના ચાપેકોમાં તેમના ઘરની અંદર થયેલા એક ઝઘડા દરમિયાન તેની હત્યા કરી દેવામાં આવી હતી. સિવિલ પોલીસે જણાવ્યું કે, એટા અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચેની લડાઈ તેમના ઘરની અંદર શરૂ થઈ હતી. પડોસીઓએ જણાવ્યું કે ઘટના પહેલા તેઓએ અવાજ સાંભળ્યો હતો. લડાઈ દરમિયાન એટા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.
ઝઘડા બાદ ચહેરા, ગરદન, પીઠ પર ચપ્પુથી વાર
અધિકારીઓએ જણાવ્યું કે, એટાની 43 વર્ષીય ગર્લફ્રેન્ડે એક ઉગ્ર દલીલ દરમિયાન તેના પર ચપ્પુથી હુમલો કર્યો હતો. તેના ચહેરા, ગરદન, પીઠ અને પેટ પર અનેક વાર ચપ્પુથી વાર કર્યા હતા. પોતાનો જીવ બચાવવાના પ્રયાસમાં એટા ઘરની સીડી પરથી નીચે પડી ગયો, જ્યાં પોલીસને તેનો મૃતદેહ મળ્યો. તેના શરીર પર ખાસ કરીને ગરદન અને છાતી પર, ઊંડા ઘા હતા. ખૂબ લોહી વહી જવાના કારણે તે સીડી પર જ પડી ગયો અને તેનું મોત થઈ ગયું. બાદમાં પોલીસે ઘરની અંદરના ભાગની લોહીથી લથપથ તસવીરો જાહેર કરી.
ગર્લફ્રેન્ડ પણ ગંભીર રીતે ઘાયલ
પોલીસે પુષ્ટિ કરી કે, એટાની ગર્લફ્રેન્ડ પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યાં તેની તાત્કાલિક સર્જરી કરવામાં આવી છે. જો તે બચી જશે, તો તેના પર હત્યાનો આરોપ લગાવવામાં આવશે. અધિકારીઓએ એ પણ પુષ્ટિ કરી છે કે, મહિલા સામે પહેલાથી જ સશસ્ત્ર લૂંટ અને એક અન્ય હત્યા માટે વોરંટ હતું. તપાસ આગળ વધારવા માટે ડિટેક્ટીવ્સ હવે તેના સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યા છે. લડાઈનું કારણ હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું.
મહિલાનો ગુનાહિત ઈતિહાસ
આ 43 વર્ષીય મહિલાનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. સિવિલ પોલીસના જણાવ્યા પ્રમાણે તે સશસ્ત્ર લૂંટ અને હત્યાના ગુનામાં 15 વર્ષની સજા ભોગવી રહી હતી, પરંતુ અપીલ પર બહાર હતી. જો તે ઈજાઓથી બચી જશે, તો તેની એટાની હત્યા માટે ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવશે.
બોડીબિલ્ડિંગ જગતમાં શોકની લહેર
વાલ્ટર ડી વર્ગાસ એટા બ્રાઝિલના બોડીબિલ્ડિંગ જગતમાં એક સન્માનિત હસ્તી હતા. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર 6 ટાઈટલ સહિતની પોતાની સિદ્ધિઓ દેખાડી છે. તેઓ 2024 WFF વાઈસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રનર-અપ પણ રહ્યા હતા. એટા ચાપેકોના એક જીમમાં પર્સનલ ટ્રેનર તરીકે કામ કરતા હતા. તેમની યાદમાં સોમવારે જીમ બંધ રહ્યું હતું.