કેપ્ટન ગીલના રેકોર્ડ 269 રન : ભારતે ઈંગ્લેન્ડ સામે 587નો વિરાટ સ્કોર ખડક્યો
- ગીલે ભારતીય કેપ્ટન તરીકે સર્વોચ્ચ સ્કોરનો કોહલીનો રેકોર્ડ તોડયો
- ભારત 18 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ભૂમિ પર 550+નો સ્કોર નોંધાવ્યો : ગીલનો ઈંગ્લેન્ડની ભૂમિ પર સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ
બર્મિંગહામ : કેપ્ટન ગીલે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ બેવડી સદી વિદેશની ભૂમિ પર ફટકારવા સાથે ૨૬૯ રન નોંધાવીને ભારતીય ક્રિકેટમાં વિક્રમોની હારમાળા સર્જી હતી. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીની બીજી એજબેસ્ટોન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૫૮૭ રનનો વિરાટ સ્કોર ખડો કર્યો હતો. ગીલે ભારતીય કેપ્ટન તરીકે સર્વોચ્ચ સ્કોરનો કોહલીનો અને ઈંગ્લેન્ડની ભૂમિ પર સર્વોચ્ચ સ્કોર કરનારા ભારતીય તરીકેનો ગાવસ્કરનો રેકોર્ડ તોડી નાંખતાં ટીમને મજબુત સ્થિતિમાં પહોંચાડી હતી. ભારતે ઈંગ્લેન્ડની ભૂમિ પર ૧૮ વર્ષ બાદ ૫૫૦થી વધુનો સ્કોર નોંધાવવાની સિદ્ધિ મેળવી હતી.
બર્મિગહામના એજબેસ્ટોનમાં ચાલી રહેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ગીલે ૩૮૭ બોલનો સામનો કરતાં ૩૦ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૨૬૯ રનની મેરેથોન ઈનિંગ રમી હતી. તેણે આજે બીજા દિવસે તેની ઈનિંગને ૧૧૪ રનથી આગળ ધપાવી હતી અને બીજા દિવસે તે ટી બ્રેક પછી આઉટ થયો હતો. ગીલ અગાઉ ભારત તરફથી ટેસ્ટ કેપ્ટન તરીકેના સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ કોહલીના નામે હતો. કોહલીએ ૨૦૧૯ની પૂણે ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે અણનમ ૨૫૪ રન કર્યા હતા. જ્યારે ગીલ અગાઉ ઈંગ્લેન્ડની ભૂમિ પર સર્વોચ્ચ સ્કોર નોંધાવનારા ભારતીય બેટસમેનનો રેકોર્ડ ગાવસ્કરના નામે હતો. ગાવસ્કરે ૧૯૭૯ના પ્રવાસમાં રમાયેલી ઓવલ ટેસ્ટમાં ૨૨૧ રન ફટકાર્યા હતા.
ભારતે આ સાથે ઈંગ્લેન્ડની ભૂમિ પર ઈતિહાસનો ચોથા ક્રમનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ૧૮ વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં ૫૫૦થી વધુ રન ફટકારવાની સિદ્ધિ પણ મેળવી હતી. છેલ્લે ભારતે ૨૦૦૭ના ઈંગ્લેન્ડ પ્રવાસની ઓવલ ટેસ્ટમાં ૬૬૪ રનનો વિરાટ સ્કોર ખડક્યો હતો.