'7 દિવસનો આરામ આપ્યા બાદ પણ બુમરાહને ટીમમાં ના લીધો', ગિલ-ગંભીર પર ભડક્યા રવિ શાસ્ત્રી
Ravi Shastri got angry over Jasprit Bumrah rest: બુધવારે ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ભારતે ત્રણ ફેરફાર કર્યા. શાર્દુલ ઠાકુર, સાઈ સુદર્શનને પ્લેઇંગ 11માંથી બહાર રાખવામાં આવ્યા છે, જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહના સ્થાને આકાશદીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી આ નિર્ણયના કારણે ભડક્યા છે. તેમણે કહ્યું કે, 'કૅપ્ટન શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીરે ખાતરી કરવી જોઈતી હતી કે બુમરાહ બીજી ટેસ્ટમાં રમે, કારણ કે બંને મેચ વચ્ચે લગભગ એક અઠવાડિયાનું અંતર હતું.'
બુમરાહને ટીમમાં ના લેતાં રવિ શાસ્ત્રી ભડક્યા
ભારતના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી સંપૂર્ણપણે ફિટ જસપ્રીત બુમરાહને આરામ આપવાના ટીમના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે, 'ફાસ્ટ બોલરને મહત્ત્વપૂર્ણ મેચમાંથી બહાર બેસવાનો વિકલ્પ આપવો જોઈતો ન હતો. ગયા વર્ષે ઑક્ટોબરથી ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલ ભારત તેની છેલ્લી નવ મેચોમાંથી ફક્ત એક જ જીતી શક્યું છે, જે એક દાયકાથી વધુ સમયનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ લીડ્સ ખાતે ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ પાંચ વિકેટથી હારી ગઈ. તમે ન્યુઝીલૅન્ડ સામે ત્રણ મેચ હારી ગયા, તમે ઓસ્ટ્રેલિયા સામે પણ ત્રણ મેચ હારી ગયા. તેમજ હવે ઇંગ્લૅન્ડ સામે પણ એક મેચ હારી ગયા. જો તમે ભારતના પ્રદર્શન પર નજર નાખો તો આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટેસ્ટ મેચ છે. '
તમારી પાસે વિશ્વનો બેસ્ટ ફાસ્ટ બોલર છે, તો તેને બહાર ન બેસાડો
આ અંગે રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, 'તમે અહીં પહેલી ટેસ્ટ મેચ હારી ગયા છો અને તમે જીતના ટ્રેક પર પાછા ફરવા માંગો છો. તમારી પાસે વિશ્વનો બેસ્ટ ફાસ્ટ બોલર છે અને તમે તેને સાત દિવસના આરામ પછી પણ બહાર બેસાડો છો, તે માનવું ખૂબ મુશ્કેલ છે.'
બુમરાહની જગ્યાએ આકાશ દીપની એન્ટ્રી
રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, 'આવા નિર્ણયો ખેલાડીઓએ નહીં પણ કૅપ્ટન અને કોચિંગ સ્ટાફે લેવા જોઈએ. ભારતે તાત્કાલિક બદલો લેવાની જરૂર છે અને બુમરાહને આવી મેચમાં રમવું જોઈતું હતું. ટીમને એક અઠવાડિયાનો વિરામ મળ્યો હતો, છતાં બુમરાહ રમી રહ્યો નથી. સિરીઝની દૃષ્ટિએ આ એક મહત્ત્વપૂર્ણ મેચ છે, તેથી બુમરાહ રમવો જોઈતો હતો.' બુમરાહની જગ્યાએ આકાશ દીપનો ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.