Get The App

બ્રાઝિલના ફેન્સને મોટો ઝટકો: નેયમાર ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
બ્રાઝિલના ફેન્સને મોટો ઝટકો: નેયમાર ઈજાને કારણે ફીફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર 1 - image

Brazil Neymar Jr Might Not Play: ફિફા વર્લ્ડ કપ 2026ની ધમાકેદાર શરૂઆત વચ્ચે બ્રાઝિલના ફૂટબોલ ચાહકો માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેયમાર જુનિયરની ઈજાને લઈને મોટું અપડેટ આવ્યું છે. લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ્સ અને તપાસ બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નેયમાર 2026 ફિફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે. ઈજાના કારણે જ નેયમાર બ્રાઝિલની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પણ રમી શક્યો નહોતો.

કાફની ઈજામાંથી સાજા થવામાં લાગી રહ્યો છે સમય

વાસ્તવમાં, નેયમારને મે 2026માં ગ્રેડ-2 કાફ સ્ટ્રેનની ઈજા થઈ હતી. આ ગંભીર ઈજાના કારણે તે હાલમાં બ્રાઝિલ ટીમના નિયમિત ટ્રેઇનિંગ સેશનમાં પણ સામેલ થઈ શક્યો નથી. તેને જમણા પગની આ ઈજામાંથી સાજા થવામાં અપેક્ષા કરતાં ઘણો વધુ સમય લાગી રહ્યો છે, જેના કારણે તેની ફિટનેસને લઈને હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે.

કોચ અને મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા તૈયાર નથી

બ્રાઝિલના મુખ્ય કોચ કાર્લો એન્સેલોટી અને ટીમ મેનેજમેન્ટ નેયમારની ઈજા પર સતત નજર રાખી રહ્યા છે. ટીમ ઈચ્છે છે કે નેયમાર ઉતાવળ કરવાના બદલે સંપૂર્ણપણે ફિટ થયા બાદ જ મેદાનમાં પરત ફરે, જેથી ટીમ જ્યારે નોકઆઉટ તબક્કામાં પહોંચે ત્યારે તેઓ પૂરી તાકાત સાથે રમી શકે. આ ગણતરીના ભાગરૂપે જ આગામી મેચોમાં તેને આરામ આપવામાં આવી શકે છે. નેયમાર બ્રાઝિલની મોરક્કો સામેની શરૂઆતની ઓપનિંગ મેચમાં પણ રમી શક્યો નહોતો. હવે જો તેની રિકવરી અપેક્ષા મુજબ નહીં થાય, તો તે આગામી 20 જૂને હૈતી અને 25 જૂને સ્કોટલેન્ડ સામે રમાનારી ગ્રૂપ સ્ટેજની બંને મહત્ત્વની મેચો પણ ગુમાવશે.

રેકોર્ડ્સ પર એક નજર: બ્રાઝિલ માટે સૌથી મોટો સ્કોરર

સમગ્ર વિશ્વના ફૂટબોલ ચાહકો નેયમારની જાદુઈ વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તે બ્રાઝિલની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ માટે ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે.

કુલ આંતરરાષ્ટ્રીય મેચ: 128

કુલ આંતરરાષ્ટ્રીય ગોલ: 79 ગોલ

વર્લ્ડ કપમાં પ્રદર્શન: નેયમારે અત્યાર સુધી ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં કુલ 8 ગોલ કર્યા છે. તેણે આ અદભૂત સિદ્ધિ 2014, 2018 અને 2022ના વર્લ્ડ કપમાં હાંસલ કરી હતી.

આ પણ વાંચો: ફિફા વર્લ્ડ કપ 2026: અલ્જીરિયાને 3-0થી કચડી આર્જેન્ટિનાએ તોડ્યો 44 વર્ષ જૂનો સિલસિલો

સરપ્રીત સિંહે પણ રચ્યો ઇતિહાસ

આ વર્લ્ડ કપ દરમિયાન અન્ય એક રોચક ઘટના પણ સામે આવી છે. ફિફા વર્લ્ડ કપ 2026ના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ તરફથી રમતા ભારતીય મૂળના ફૂટબોલર સરપ્રીત સિંહે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે વિશ્વ કપની શરૂઆતની પ્લેઇંગ XIમાં મેદાન પર ઉતરનારો વિશ્વનો સર્વપ્રથમ ભારતીય મૂળનો ખેલાડી બની ગયો છે. હાલમાં બ્રાઝિલની ટીમ આશાવાદી છે કે નેયમાર ગ્રૂપ સ્ટેજ ભલે ન રમી શકે, પરંતુ નોકઆઉટ સુધીમાં તે સંપૂર્ણ ફિટ થઈને મેદાન પર ધમાકેદાર પુનરાગમન કરશે.