Bhuvneshwar Kumar 350 Wickets : IPL 2026માં ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્વીંગ કિંગ ભુવનેશ્વર કુમારે ઈતિહાસ રચી દીધો. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં સાઈ સુદર્શનની વિકેટ લેતાની સાથે જ ભુવી T20 ક્રિકેટમાં 350 વિકેટ પૂરી કરનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. આ યાદીમાં તે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પછી બીજા ક્રમે છે.
પર્પલ કેપ પર પણ કબજો
ગુરુવારે રમાયેલી મેચમાં ભુવનેશ્વર કુમારે પોતાની જૂની લય બતાવતા 4 ઓવરમાં માત્ર 28 રન આપીને 3 મહત્ત્વની વિકેટ ઝડપી હતી. તેણે સાઈ સુદર્શન ઉપરાંત વિસ્ફોટક બેટિંગ કરી રહેલા શુભમન ગિલ અને જોસ બટલરને પેવેલિયન ભેગા કર્યા હતા. આ શાનદાર પ્રદર્શન સાથે ભુવીએ IPL 2026 માં કુલ 17 વિકેટ સાથે ‘પર્પલ કેપ’ પર પણ કબજો જમાવી લીધો છે.

બુમરાહ અને ચહલ સાથેની સ્પર્ધા
T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં યુઝવેન્દ્ર ચહલ 391 વિકેટ સાથે ટોચ પર છે. ભુવનેશ્વર કુમારે પોતાની 325 મી મેચમાં 350 વિકેટનો આંકડો પાર કર્યો છે. બીજી તરફ, જસપ્રીત બુમરાહ 278 મેચમાં 347 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે. જોકે, બુમરાહ સૌથી ઓછી મેચમાં આ આંકડા સુધી પહોંચનારો બોલર છે.

રજત પાટીદારની વિકેટ પર વિવાદ
આ મેચ દરમિયાન આરસીબીના કેપ્ટન રજત પાટીદારની વિકેટને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. અરશદ ખાનના બોલ પર જેસન હોલ્ડરે ડાઈવ લગાવીને કેચ પકડ્યો હતો. લાઈવ મેચમાં એવું લાગતું હતું કે બોલ જમીન પર અડ્યો છે, પરંતુ અમ્પાયરે આઉટ આપતા આરસીબીના ખેલાડીઓ અને અમ્પાયર વચ્ચે ઉગ્ર દલીલો જોવા મળી હતી.


