હેન્ડશેક કોન્ટ્રોવર્સી અંગે બેન સ્ટોક્સનું રિએક્શન, કહ્યું - જો મેચનું પરિણામ આ જ આવવાનું હતું તો..
India vs England: ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સનું કહેવું છે કે, 'ટીમ ઈન્ડિયાએ મેચ ડ્રો કરવામાં મોડું કર્યું. કારણ કે રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સેન્ચુરી ફટકારવા માંગતા હતા, જેના કારણે ડ્રો વહેલો ન થયો.'
સ્ટોક્સે જણાવ્યું કે, 'મેચના છેલ્લા કલાક પહેલાં મેં જાડેજા અને સુંદર સાથે હાથ મિલાવીને મેચ ડ્રો કરવાની ઓફર કરી હતી, પરંતુ જાડેજાએ ના પાડી દીધી. જાડેજા અને સુંદર બંનેએ સદી ફટકાર્યા બાદ જ મેચ ડ્રો કરવામાં આવી. જ્યારે પરિણામ ડ્રો જ આવવાનું હતું, તો તે વહેલું પણ થઈ શક્યું હોત.'
જો મેચનું પરિણામ આ જ આવવાનું હતું તો..
માનચેસ્ટર ટેસ્ટ પછીની પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશન સેરેમનીમાં બેન સ્ટોક્સે ટીમ ઈન્ડિયાના ડ્રો ડીલે કરવાના નિર્ણય પર ટિપ્પણી કરી. આ બાબતે સ્ટોક્સે કહ્યું કે, 'હા, મને લાગે છે કે ભારતે મહેનત કરી હતી. વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજા બંને અદ્ભુત રીતે રમ્યા. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે સ્પષ્ટપણે એક જ પરિણામ શક્ય હતું. તેમજ હજુ એક મેચ બાકી હોવાથી, મારા કોઈપણ ઝડપી બોલરને ઈજાગ્રસ્ત થવાનું જોખમ લેવાની કોઈ શક્યતા નહોતી. ડોસન આ મેચમાં એટલી બધી ઓવર ફેંકી ચૂક્યો હતો કે તેનું શરીર થાકી ગયું હતું અને તેને પગમાં ખેંચાણ થવા લાગ્યું હતું, તેથી હું છેલ્લા અડધા કલાક માટે મારા કોઈપણ બોલરને જોખમમાં મૂકવા માંગતો નહોતો.'
આ પણ વાંચો: 'જો તમારી સાથે આવું થયું હોત તો...', બેન સ્ટોક્સના હેન્ડશેક ડ્રામા પર ગૌતમ ગંભીર ભડક્યા
આમ જોઈએ તો, બેન સ્ટોક્સે કંઈપણ ખોટું કર્યું નહોતું. જ્યારે તેણે મેચ ડ્રો કરવાનું સ્વીકાર્યું ત્યારે રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર 90 રનથી ઓછા પર બેટિંગ કરી રહ્યા હતા. તેઓ ખૂબ જ આરામથી બેટિંગ કરી રહ્યા હતા અને લાગતું હતું કે સદી પૂરી કરવા માટે ઓછામાં ઓછા 10 ઓવર લેશે. સ્ટોક્સે પાંચમા દિવસના છેલ્લા સેશનમાં છેલ્લા કલાક પહેલા જ ડ્રો સ્વીકારી લીધો હતો. જોકે, જાડેજા અને સુંદરે પોતાની સેન્ચુરી પૂરી કરવાનું નક્કી કર્યું. અહીં જાડેજા અને સુંદર પણ ખોટા નથી, કારણ કે બંનેએ મેચમાં ઘણી મહેનત કરી હતી.