Get The App

WTC ફાઈનલ પહેલા ICCએ કર્યા ક્રિકેટ નિયમોમાં ફેરફાર, હવે સોફ્ટ સિગ્નલ નહી, હેલ્મેટ અંગે પણ નવો નિયમ લાગુ

ભારત સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા જઈ રહ્યું છે

વર્ષ 2021માં WTC ફાઈનલમાં ન્યુઝીલેન્ડે ભારતને આઠ વિકેટે હરાવ્યું હતું

Updated: Jun 5th, 2023

GS TEAM

Google News
Google News
WTC ફાઈનલ પહેલા ICCએ કર્યા ક્રિકેટ નિયમોમાં ફેરફાર, હવે સોફ્ટ સિગ્નલ નહી, હેલ્મેટ અંગે પણ નવો નિયમ લાગુ 1 - image
Image:Twitter

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 7 જૂનથી લંડનના ઓવલમાં રમાશે. ભારતીય ટીમે થોડા મહિના પહેલા ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું, જેના કારણે તે નવા ઉત્સાહ સાથે મેદાન પર ઉતરશે. ભારત સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા જઈ રહ્યું છે. 

અગાઉ WTC ફાઈનલમાં ભારતને ન્યુઝીલેન્ડે હરાવ્યું હતું

આ પહેલા વર્ષ 2021માં ભારતીય ટીમે WTCની ફાઈનલ પણ રમી હતી. સાઉથેમ્પટનમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતને ન્યુઝીલેન્ડે આઠ વિકેટે હરાવ્યું હતું. હવે ભારત પાસે એ હાર ભૂલીને ટ્રોફી કબજે કરવાની સુવર્ણ તક છે. WTC ફાઈનલ મેચને લઈને બંને દેશના ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ICCએ ફાઈનલ મેચ પહેલા પ્લેઈંગ કન્ડીશન્સમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેથી મેચને વધુ રસપ્રદ બનાવવાની સાથે તેમાં પારદર્શિતા લાવી શકાય.

ફિલ્ડ અમ્પાયરને નહી હોય આ અધિકાર

આ વખતે ફાઈનલ મેચમાં 'સોફ્ટ સિગ્નલ' નિયમનો ઉપયોગ કરવામાં આવશે નહીં. એટલે કે મેદાન પરના અમ્પાયરોને નિર્ણય રેફર કરતા પહેલા 'સોફ્ટ સિગ્નલ' આપવાનો અધિકાર નહીં હોય. અગાઉ જો કોઈ શંકાસ્પદ કેચના કિસ્સામાં મેદાન પરના અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ લીધી હોય, તો તેણે 'સોફ્ટ સિગ્નલ' આપવો પડતો હતો. આ નિયમ 1 જૂનથી આંતરરાષ્ટ્રીય મેચોમાં લાગુ કરવામાં આવ્યો છે.

સોફ્ટ સિગ્નલને લઈને બદલાયો આ નિયમ

સોફ્ટ સિગ્નલને લઈને ઘણી વખત બબાલ થઇ છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન માર્નસ લાબુશેનને મેદાન પરના અમ્પાયરે સોફ્ટ સિગ્નલ તરીકે કેચ આઉટ આપવામાં આવ્યો હતો. સ્લિપમાં પકડાયેલો આ કેચ ક્લીન ન હતો, પરંતુ થર્ડ અમ્પાયર પાસે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને પલટી શકે તેવા પૂરતા પુરાવા ન હતા, જેના કારણે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને માન્ય રાખવામાં આવ્યો હતો.

ફ્લડલાઇટમાં રમાઈ શકે છે મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી WTC ફાઇનલમાં જો વાદળછાયું વાતાવરણ હોય અને કુદરતી પ્રકાશ એટલો સારો ન હોય તો ફ્લડલાઇટ ચાલુ કરી શકાય છે. જો કે સારી વાત એ છે કે આ મેચ માટે 12મી જૂને રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે.

હેલ્મેટ પહેરવો ફરજીયાત

ICCએ 1 જૂનથી આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન જોખમી સ્થિતિમાં હેલ્મેટ પહેરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. હવે ઝડપી બોલરોનો સામનો કરતી વખતે બેટ્સમેને હેલ્મેટ પહેરવી જ પડશે. જ્યારે વિકેટકીપરો સ્ટમ્પની નજીક ઉભા રહે છે અને ફિલ્ડરો પીચની સામે બેટર્સની નજીક ઉભા રહે છે, ત્યારે તેમના હેલ્મેટ પહેરવા જરૂરી રહેશે. 

ફ્રી હિટને લઈને બન્યા આ નિયમો

ICCએ ODI અને T20 ઇન્ટરનેશનલમાં ફ્રી હિટને લગતા નિયમોમાં પણ નાના ફેરફારો કર્યા હતા. હવે જો ફ્રી હિટ દરમિયાન બોલ સ્ટમ્પ સાથે અથડાશે અને બેટ્સમેન તેના પર દોડીને રન લેશે તો તે સ્કોરમાં ઉમેરવામાં આવશે. એટલે કે બેટ્સમેન ફ્રી હિટ પર બોલ્ડ થવા છતાં રન બનાવી શકે છે.

Tags :