Asia Cup: ભારત એશિયા કપમાંથી ખસી ગયું હોવાના સમાચાર ખોટા, BCCI સેક્રેટરીએ કરી સ્પષ્ટતા

BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આ વર્ષની એશિયન ક્રિકેટ કાઉન્સિલની (ACC) ટુર્નામેન્ટમાંથી ખસી જવાના અહેવાલ નકાર્યા છે. અગાઉ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત આવતા મહિને શ્રીલંકામાં યોજાનાર મહિલા ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ અને સપ્ટેમ્બરમાં પુરુષોના એશિયા કપમાં ભાગ લેશે નહીં.
સૈકિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, "આજ સવારથી અમને એશિયા કપ અને મહિલા ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાં ભાગ ન લેવાના BCCIના નિર્ણય અંગે કેટલાક અહેવાલો મળ્યા છે. આવા અહેવાલો સંપૂર્ણપણે કાલ્પનિક અને ખોટા છે કારણ કે અત્યાર સુધી બીસીસીઆઈએ આગામી એસીસી ઇવેન્ટ્સ અંગે કોઈ ચર્ચા પણ નથી કરી અને કોઈ પગલું ભર્યું નથી, એસીસીને કંઈ લખવાનું તો દૂરની વાત છે."
તેમણે વધુમાં ઉમેર્યું, "હાલમાં, અમારું મુખ્ય ધ્યાન ચાલી રહેલી IPL અને ત્યારબાદની ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પર છે."
BCCIના સચિવે કહ્યું કે ACC ઇવેન્ટ્સ અંગેની જાહેરાત સમય થશે ત્યારે કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, "એશિયા કપ કે અન્ય કોઈ ACC ઇવેન્ટનો મુદ્દો કોઈપણ સ્તરે ચર્ચા માટે આવ્યો નથી, તેથી આ અંગેના કોઈપણ સમાચાર કે અહેવાલ સંપૂર્ણપણે કાલ્પનિક છે. જ્યારે પણ કોઈપણ ACC ઇવેન્ટ પર ચર્ચા થશે અથવા કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવે, ત્યારે તે માહિતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે."